ભારતનાં લોકોને વિદેશથી આવતી કોઈ પણ ચીજ સ્વદેશી કરતાં વધુ વહાલી લાગે છે. તેમાં સંગીતનો પણ સમાવેશ થઈ જાય છે. આ પણ ગોરી ચામડીની ગુલામી છે. જેમને સંગીતનું કોઈ જ્ઞાન નહોતું તેઓ પણ દેખાદેખી ખાતર આ શોમાં પહોંચી ગયા હતા. અમદાવાદમાં મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગ રૂપે ભારતમાં તેનો અંતિમ કોન્સર્ટ પૂર્ણ કર્યા પછી બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેએ ચાહકોનો છેલ્લાં બે અઠવાડિયાંથી તેમના પ્રેમ બદલ આભાર માન્યો હતો.
આ બેન્ડે ૧૮ જાન્યુઆરીએ મુંબઈથી ભારત પ્રવાસ શરૂ કર્યો હતો અને ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ વધુ બે કોન્સર્ટ માટે અમદાવાદ જતાં પહેલાં ત્યાં ત્રણ શો કર્યા હતા. હિમન ફોર ધ વીકેન્ડ, ધ સાયન્ટિસ્ટ, ક્લોક્સ, યલો અને સ્પીડ ઓફ સાઉન્ડ જેવાં લોકપ્રિય ગીતો માટે દુનિયાભરમાં જાણીતું કોલ્ડ પ્લે કોન્સર્ટ ૨૦૧૬ માં મુંબઈમાં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલમાં ભારતમાં પ્રથમ વખત રજૂ થયું હતું.
અમદાવાદના શો દરમિયાન, ફ્રન્ટમેન માર્ટિને હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં દર્શકો સાથે વાતચીત કરીને તેમને મંત્રમુગ્ધ કર્યા હતા અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ક્રિકેટર જસપ્રીત બુમરાહનો પણ આભાર માન્યો હતો, જેઓ રવિવારે કોન્સર્ટમાં જોડાયા હતા. આ પહેલાં શનિવારે ક્રિસે ચાહકોને ગુજરાતીમાં સંબોધન પણ કર્યું હતું, જેણે ગુજરાતી પ્રેક્ષકોમાં તેની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો. અમદાવાદ કોન્સર્ટમાં, જ્યારે ક્રિસે હિન્દીમાં કહ્યું કે જેઓ અમને લાઇવ સ્ટ્રીમ પર જોઈ રહ્યાં છે તેમને નમસ્તે! ત્યારે પ્રેક્ષકોનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો.
તેણે આગળ ગુજરાતીમાં કહ્યું કે તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે, તમે અમને પરફોર્મ કરવાનો મોકો આપ્યો, અમે ખૂબ જ ખુશ છીએ. ક્રિસ માર્ટિને અમદાવાદમાં દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને એ.આર. રહેમાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત “મા તુઝે સલામ’ગાયું હતું. છેલ્લાં બે અઠવાડિયાંમાં દેશના વિવિધ ભાગોમાં યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ફિલ્મ હસ્તીઓ કાર્તિક આર્યન, સુહાના ખાન, શ્રેયા ઘોષાલ, કાજલ અગ્રવાલ, વિજય વર્મા અને ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ આઇકોનિક બ્રિટિશ બેન્ડનું પ્રદર્શન જોવા માટે હજારો લોકો ગુજરાતમાં આવ્યાં હતાં. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટમાં જમીનથી લગભગ ૪૦ હજાર ફૂટની ઊંચાઈએ પણ કોલ્ડ પ્લે કોન્સર્ટનો જાદુ દેખાયો હતો. ગુજરાત પોલીસે શોની સુરક્ષા માટે ૩,૮૦૦થી વધુ જવાનોને તૈનાત કર્યા હતા, તેમજ સ્થળ પર ૪૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. સ્ટેડિયમમાં સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
કોલ્ડ પ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેમાં પાંચ સભ્યો છે. આ સભ્યોનાં નામ ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે છે. આ જૂથની સ્થાપના વર્ષ ૧૯૯૭ માં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને બિગ ફેન નોઝ અને સ્ટારફિશ કહેવામાં આવતું હતું. આ જૂથના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન છે અને પિયાનોવાદક જોની બકલેન્ડ છે. ગાય બેરીમેન અને વિલ ચેમ્પિયન બાસવાદક અને ડ્રમર છે. આ બેન્ડ પહેલાં પણ ઘણી વખત ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યું છે. Hymn Of The Weekend ગીતનું શૂટિંગ પણ મુંબઈમાં જ થયું હતું.
કોલ્ડ પ્લે બેન્ડ ૯ વર્ષ પછી ફરી એક વાર ભારતમાં આવ્યું છે. આ જૂથે જાન્યુઆરી ૨૦૨૫માં મુંબઈમાં બે કોન્સર્ટનું આયોજન કર્યું, જેની તારીખ ૧૮ અને ૧૯ હતી. આ ઈવેન્ટ મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ કોન્સર્ટ માટે ટિકિટ બુકિંગ ૨૨મી સપ્ટેમ્બરની મધરાતથી ઓનલાઈન શરૂ થઈ ગયું હતું. ૨,૫૦૦ થી ૩૫,૦૦૦ રૂપિયા સુધીની અંદાજે દોઢ લાખ ટિકિટો વેચાણમાં હતી.
આ ટિકિટો ખરીદવા માટે લગભગ ૧.૩ કરોડ લોકોએ એકસાથે લોગ ઇન કર્યું હતું, જેના કારણે સર્વર ઠપ્પ થઈ ગયું હતું. સાઈટના ક્રેશ થયા બાદ કોઈ પણ યુઝર માટે એક સાથે માત્ર ૪ ટિકિટ બુક કરવાની મર્યાદા ઠરાવવામાં આવી હતી. પહેલાં આ મર્યાદા ૮ હતી.મુંબઈમાં જાન્યુઆરીના શો માટેની ટિકિટો રૂ. ૪,૦૦૦ થી શરૂ કરીને રૂ. ૭.૭ લાખમાં વેચાઈ હતી. ૧૨,૫૦૦ રૂપિયાની ટિકિટ રિસેલમાં ૧.૨૧ લાખમાં વેચાઈ હતી. લાઉન્જ ટિકિટની કિંમત ૩૫,૦૦૦ રૂપિયા હતી, જે ૨,૭૦,૫૭૫ રૂપિયાના ભાવે રિસેલમાં વેચાઈ હતી.
જાણીતા ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરને પણ કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ મળી નહોતી. નવી મુંબઈમાં યોજાયેલા આ કોન્સર્ટ માટે હોટેલનું ભાડું ૧.૬૦ લાખ રૂપિયા થઈ ગયું હતું. સામાન્ય દિવસોમાં આ ભાડું ૧૦,૦૦૦ રૂપિયાથી ૨૫,૦૦૦ રૂપિયાની વચ્ચે હોય છે. ડી.વાય. પાટીલ સ્ટેડિયમની નજીક અને નવી મુંબઈની હોટેલો કોન્સર્ટની તારીખો માટે પહેલેથી જ બુક થઈ ગઈ હતી. મુંબઈની તમામ હોટેલોનાં ભાડાં પણ આ સમયગાળા દરમિયાન વધી ગયાં હતાં. ઘણાં લોકોને કોલ્ડ પ્લે કોન્સર્ટ બાબતમાં કોઈ માહિતી નહોતી તેઓ પણ શો જોવા પહોંચી ગયા હતા.
વર્ષ ૨૦૧૬માં રોક બેન્ડ કોલ્ડ પ્લે દ્વારા હિમ ફોર ધ વીક એન્ડ વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં સોનમ કપૂરની હાજરીને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આખા વિડિયોમાં અમેરિકન સિંગર બિયોન્સ ચોક્કસપણે જોવા મળી રહી છે. આ વિડિયો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે જોવામાં આવ્યો હતો. કોલ્ડ પ્લેના આ વિડિયોમાં ભારતની વિવિધતાના વિવિધ રંગો જોઈ શકાય છે. તેની શરૂઆત મંદિરમાં થતી આરતીથી થાય છે. આ પછી ભારતીય જીવનશૈલી, ઐતિહાસિક ઈમારતો, હોળીનો તહેવાર અને બાયોસ્કોપ પણ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. કોલ્ડ પ્લે બેન્ડનો ક્રેઝ એક સમયે બીટલ્સ બેન્ડ જેવો જ છે.
બીટલ્સ એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત સંગીત બેન્ડ હતું. જે વર્ષ ૧૯૬૦માં ઇંગ્લેન્ડના લિવરપૂલમાં જન્મેલા જોન લેનન દ્વારા બનાવવામાં આવી હતી. જ્હોન લેનને પહેલું ગીત હેલો લિટલ ગર્લ લખ્યું હતું. જેણે લોકો પર ઊંડી છાપ છોડી. તે જ વર્ષે બીટલ્સ બેન્ડને તેના વધુ ત્રણ સાથી અને જ્હોન લેનનના મિત્રો પોલ મેકકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટાર મળ્યા. પોતાના ઉત્કૃષ્ટ સંગીતના કારણે આ બેન્ડે દુનિયાભરમાં એવી ઓળખ બનાવી છે કે તેનાં ગીતો આજે પણ સાંભળવા મળે છે. બીટલ્સ બેન્ડ ૧૦ વર્ષ સુધી સુપરહિટ રહ્યું હતું. જો કે, વર્ષ ૧૯૭૦ સુધીમાં ચારેય એકબીજાથી અલગ થઈ ગયાં હતાં. બીટલ્સના ભારતમાં આવ્યા પછી ઋષિકેશને આખી દુનિયામાં એક અલગ ઓળખ મળી હતી.
કોલ્ડ પ્લેએ તેનાં ભારતીય ચાહકો માટે અમદાવાદમાં કોલ્ડ પ્લેની આ ગ્રાન્ડ ફિનાલે ૨૬મી જાન્યુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમ કરી હતી. આ શો પ્રજાસત્તાક દિવસના અવસર પર સાંજે ૭.૪૫ વાગ્યે શરૂ થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ તે મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ સહિત ઘણાં શહેરોમાં કરોડો દર્શકો દ્વારા લાઈવ જોઈ શકાયો હતો. ગુજરાતમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના દિવસો પહેલાં, ગાયક ક્રિસ માર્ટિન અને શોના આયોજકોને એક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમને સ્ટેજ પર કોઈ પણ સ્વરૂપમાં બાળકોનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આયોજકોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બાળકોને ઈયર પ્લગ અથવા શ્રવણ સુરક્ષા વિના સંગીત સમારોહના સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવે. આ ઉપરાંત, તેમને અવાજ નિયંત્રણ પ્રોટોકોલનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તેમને ૧૨૦ ડેસિબલથી વધુ અવાજનું સ્તર ન રાખવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોટિસમાં કોલ્ડ પ્લેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તેઓ આમાંથી કોઈ પણ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો અમદાવાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
