વડોદરા: વડોદરા શહેરમાં અનેક એવા વિસ્તાર છે જેમાં એક વાર રોડ બન્યા બાદ તરત જ તેને કોઈક ને કોઈક કારણોસર ખોદી નાખવામાં આવે છે અને તેના ઉપર પુનઃ સારી રીતે રી સરફેસિંગ ન થતા લોકોએ હાલાકી વેઠવી પડે છે. વડોદરા શહેરમાં પ્રતિ વર્ષ કરોડો રૂપિયાના રોડ મંજુર કરવામાં આવે છે છતાં આ પૈકી કેટલા રોડ ટકાઉ અને વર્ષો સુધી ચાલે તેવા છે તે કહેવું મુશ્કેલ છે. હલકી ગુણવત્તાનું મટેરીયલ વાપરવાના કારણે અથવા તો રોડ બન્યા બાદ કોઈ ને કોઈ એજન્સી દ્વારા રોડ ખોદી નખાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડે છે. તાજેતરમાં જ બનેલો કારેલીબાગ વિસ્તારનો બહુચરાજી મંદિર રોડ પુનઃ ખોદી નખાતા હાલ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદરા શહેરમાં પ્રતિ વર્ષ કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવામાં આવે છે. માળખાકીય સુવિધાઓ ઉભી કરાવવા માટે જેને પ્રાથમિક જરૂરિયાત કહી શકાય તેવા રોડ છેવાડા સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આ કરોડોના રોડ રસ્તામાં કોન્ટ્રાક્ટર સાથે કેટલાક અધિકારીઓ અથવા તો ચૂંટાયેલા સભ્યોની સાંઠ ગાંઠના કારણે હાલાકી ગુણવત્તા વાળા રોડ બનાવવામાં આવે છે અને તેની યોગ્ય માવજત કરવામાં ન આવતી હોવાની બૂમો ઉઠે છે.
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી મંદિર રોડ આવેલ છે જે રોડ હાલમાં થોડા મહિનાઓ અગાઉ જ બન્યો હતો પરંતુ હાલમાં આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ કોઈ પાઈપલાઈન નાખવા માટે આ રોડ ખોદવામાં આવ્યો છે અને હાલમાં તે તૂટેલી ફૂટેલી હાલતમાં પડ્યો છે. કઈ એજન્સી દ્વારા આ રોડ તોડવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું નથી. પરંતુ રોડ ઉબડ ખાબડ હોવાના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા શહેરમાં એક અંદાજ મુજબ 200 કરોડથી વધુના માર્ગો એક વર્ષમાં નવા બનાવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા ઉપર પણ જે તે એજન્સીએ ધ્યાન આપવું જરૂરી છે.
વડોદરામાં શું ખરેખર 3 લેયરમાં રોડ બને છે?
કોઈ પણ નવો માર્ગ બનાવવો હોય તો તે ત્રણ લેયરમાં બનાવવો પડે છે. માટી ઉપર રોડ બનાવવા માટે તેને સૌથી પહેલા 1 ફૂટ જેટલો ખોદવામાં આવે છે. તેમાં મેટલ, ત્યાર બાદ મોટી કપચી તેના ઉપર નાની કપચી પાથરવામાં આવે છે અને ત્યાર બાદ તેના ઉપર ડામર પાથરવામાં આવે છે. ડામર પાથર્યા બાદ તેના ઉપર રેતી નાખી તેને મજબૂત કરવાનો હોય છે. તો બીજી પ્રકારના રોડ કે જે રોડ ઉપર જ બનાવવાના હોય એટલે કે માત્ર કાર્પેટિંગ જ કરવાનું હોય તેમાં જુના રોડ ઉપર માત્ર થોડી ખોદી તેના ઉપર જ નવા ડામરનું લેયર પાથરવામાં આવે છે. જો કે વડોદરાની વાત કરીએ તો શું વડોદરામાં ખરેખર આવા રોડ બને છે અનેક એવા રોડ છે જે બન્યાના થોડા જ વર્ષોમાં ઉબડખાબડ બની જાય છે. સામાન્ય વરસાદનો માર પણ વેઠી શકતા નથી. ત્યારે રોડની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉભા થાય છે.