Comments

શિક્ષણનાં તમામ રસ્તા સરકાર ખોલી નાખે તો શું વાંધો આવે?

જો જીઓ નેટવર્ક ના હોત તો આપણે ત્યાં શિક્ષણની શું હાલત હોત? – એક મિત્રે કોરોના સમયે આ પ્રશ્ન કર્યો હતો જેના ઘણા ગર્ભિતાર્થ છે. એક બાજુ આજની તારીખમાં સ્કૂલ-કોલેજોમાં વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે તે પણ સરકારના પરિપત્રો નક્કી કરે છે. કોરોના પછી શિક્ષણની બે મુખ્ય રીત આપણી સામે આવી છે: ફીઝિકલ અને ડિજિટલ. પ્રત્યક્ષ એટલે કે ફીઝિકલના બે ભાગ છે. વ્યક્તિગત અને સામુહિક. બાળક પર્સનલ ટ્યુશન રાખે છે તે વ્યક્તિગત ફીઝિકલ શિક્ષણ છે અને વર્ગખંડમાં ભણે છે તે સામુહિક છે અને અત્યારે જે વ્યાપક બનતું જાય છે તે ઓનલાઈન કોર્સ મૂળમાં તો ડિજિટલ છે. આપણે ત્યાં અત્યારે લાઇવ ટીચિંગને બધા ઓનલાઈન કહે છે, પણ તે ખરેખર લાઈવ હોય એટલા પુરતું જ ઓનલાઈન છે.

એટલે કે શિક્ષક કે અધ્યાપક મોબાઇલ કે લેપટોપથી નેટના માધ્યમથી લીંક મોકલીને નિયત સમયે જે ભણાવે છે, વિદ્યાર્થી તે તે જ સમયે પોતાના મોબાઇલ કે કમ્પ્યુટરમાં જુવે છે અને શિક્ષણ મેળવે છે. આ ઓનલાઈન ખરું પણ લાઇવ છે તે સમય પત્યા પછી જોઈ શકાતું નથી. માટે તે સમય પૂરો થયા પછી ઓનલાઈન રહેતું નથી. ઓનલાઈન તો ખરેખર એ છે જે નેટમાં છે જ! વિદ્યાર્થી ફ્રી પડે ત્યારે તે જોઈ શકે છે. મતલબ કે યુટ્યુબ પર ચડાવેલા લેક્ચર પ્રેક્ટીકલના વિડીયો કે તમારી વેબ્સાઈટ કે અન્ય નેટવર્કમાં મુકેલ શિક્ષણનું કન્ટેન્ટ ખરેખર ઓનલાઈન શિક્ષણ છે. હાલ જગતની મોટી મોટી યુનિવર્સિટીઓ ઓનલાઈન ભણાવે જ છે અને કોરોના ન હતો તો પણ ડિજિટલ માધ્યમથી શોર્ટ ટર્મ કોર્સ કરાવતી જ હતી.

ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનીના આવા કોર્સ ગુજરાતનો વિદ્યાર્થી ધારે તો ઘરે બેઠા કરી શકે છે અને કોવીડને કારણે આ મોટી તમામ યુનિવર્સિટી તો એ ઘણા કોર્સ મફત જાહેર કર્યા છે, તો હવે એક પ્રશ્ન એ પણ છે કે જો ઓનલાઈન એજ્યુકેશન માન્ય અને કાયદેસર જ છે તો વિદ્યાર્થીઓ વાલીઓને સ્કૂલ-કોલેજના બંધન શા માટે? જે ને જ્યાં, જેવી રીતે ભણવું હોય તેને ત્યાં એવી રીતે ભણવાની છૂટ કેમ નહી? શું સરકાર એવું ન કરી શકે કે ખાસ અને વિશિષ્ટ કોર્સ સિવાય સામાન્ય તમામ કોર્સમાં માત્ર પરીક્ષાની વ્યવસ્થા જ માન્ય સંસ્થાઓ દ્વારા ગોઠવાય. વિદ્યાર્થીઓને જ્યાં ભણવું હોય ત્યાં ભણે. ઓનલાઈન ભણે, યુટ્યુબના વીડિયો જોઈ ભણે, નેટમાં મુકેલા PDF કન્ટેન્ટ વાંચીને ભણે, પાડોશમાં રહેતા સાહેબ પાસે ભણે, ઘરના ભણેલા વ્યક્તિ પાસે ભણે, આમ પણ શિક્ષણ મેળવવું જરૂરી છે, ક્યાંથી મેળવ્યું તે જોવાની ક્યાં જરૂર છે?

આજે વાલી અને વિદ્યાર્થીને થતો મોટો પ્રશ્ન આ જ હશે કે જો ઓનલાઈન ભણી જ શકાય અને અમારે શિક્ષણ મોબાઇલ કે કમ્પ્યુટરના દ્વારા જ નેટની સગવડથી જ મેળવવાનું છે તો અમે રાજ્યના રાષ્ટ્રના કે દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકોના જ લેક્ચર ના ભરીયે? આજે અમદાવાદ, વડોદરા કે રાજકોટ, સુરતની સ્કૂલ-કોલેજોના અધ્યાપકો વીડિયો લેક્ચર નેટમાં મુકતા થયા છે. ગામડાની ઉત્તમ કોલેજો પણ ઓનલાઈન લેક્ચર મૂકી રહી છે, તો નબળી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી એવું ના પૂછે કે અમે આમના લેક્ચર ભરીને કેમ ના ભણી શકીએ? અને જો અમે એમના લેક્ચરથી જ જ્ઞાન મળે છે તો અમે અમારી સ્કૂલ કે કોલેજમાં ફી શું કામ ભરીયે?

આપણે અગાઉના લેખમાં જ જણાવ્યું હતું કે મેકોલેની કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થામાંથી છૂટવાનો આ શ્રેષ્ઠ સમય છે. સ્કૂલ-કોલેજો ફોર્મલ એજ્યુકેશન આપે છે તે ભલે આપે, પણ આપણે શિક્ષણના તમામ માર્ગો ખોલી નાખવાની જરૂર છે. ગયા લેખમાં પણ આપણએ આ જ વાત લખી હતી કે જેમને લાઇવ લેક્ચર ભરવા છે તે ભલે ભરે. જેમની પાસે ડિજિટલ ફોરમેટની વ્યવસ્થા છે તે ભલે તેનાથી ભણે, પણ જેમની પાસે તે નથી તેમના શિક્ષણનો પણ વિચાર કરવો પડે. આનો એક જ રસ્તો છે કે સરકાર શિક્ષણના બંને રસ્તા ખુલ્લા રાખે અને એવું નથી કે આ માટે નવું કશું કરવાનું છે. આપણી પાસે ઓપન સ્કૂલ પ્લેટફોર્મ છે જ, આપણી પાસે ઓપન યુનિવર્સિટીઓ છે જ. ઇવન રેગ્યુલર યુનિવર્સિટીમાં પણ એક્સટર્નલ કોર્ષની વ્યવસ્થા છે જ.

માત્ર કોવીડના સમયમાં તેને વધુ વ્યાપક અને સ્વીકૃત બન્યું હતું. તેની મોટા પાયે જાહેરાત કરવાની છે. સ્કૂલ-કોલેજનો ધંધો ખોલીને બેઠેલા લોકો નથી ઈચ્છતા કે આ ઓપન સ્કૂલ અને ઓપન કોલેજના વિકલ્પો છે જ. આ વેપારીઓ ઓનલાઈન શિક્ષણનો પણ માત્ર બાળકને પોતાની સાથે બાંધી રાખવા જ ઉપયોગ કરે છે. બાકી કેટલી સ્કૂલો એ આ નવા ડિજિટલ માધ્યમમાં કેવી રીતે લેક્ચર લેવા તેના શિક્ષક ટ્રેનીંગ વર્ગ કર્યા? આજે ચાર મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલે છે. મોબાઇલમાં વીડિયો ચાલુ કરીને બોલવા માંડવું એ સિવાયના ક્યાં ક્યાં ઉપકરણો આ ડિજિટલ ટીચિંગમાં વપરાયા?

સરકાર પાસે શિક્ષણ માટે નિર્ણયો લેવાની વ્યાપક સત્તા તક અને વિકલ્પ છે. જેમ કે, સરકાર આ વર્ષ ઝીરો યર જાહેર કરી શકે. નવું શેક્ષણિક વર્ષ જાન્યુઆરીથી કે બીજા કોઈપણ મહિનાથી શરૂ કરી શકે. સરકાર ઓનલાઈન એજ્યુકેશન માટે ડિજિટલ કન્ટેન્ટ મૂકી શકે. યુનિવર્સિટીઓ અને કોલેજો કે સ્કૂલો ઓનલાઈન લેક્ચર મુકે તેની માળખાકીય સુવિધા પૂરી પડી શકે. ડિજિટલ શિક્ષણ માન્ય છે તો ડિજિટલ સ્કૂલ કોલેજ પણ માન્ય કરવી જોઈએ જ્યાં પહેલેથી જ ડિજિટલ શિક્ષણ માટેનો સેટ-અપ ગોઠવેલો હોય.

ભારતીય વિચારધારામાં કહેવાયું છે કે અમને દરેક દિશામાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાવ, સત્તાવાળા આ ઉપનિષદ વાક્યને સ્વીકારે અને આ નાજૂક સ્થિતિમાં શું થઇ શકે તે બધાને પૂછે. કારણ કે, આપણે બંધારણમાં સમાનતાનો સિદ્ધાંત પણ સ્વીકાર્યો છે અને સમાનતા એટલે તકોની સમાનતા. સરકાર શિક્ષણને ફરજીયાત અને સાર્વત્રિક કરવાનો કાયદો લાવી હોય તો તેણે તમામ ને સમાન તક પૂરી પાડવી પડે, જેની પાસે સુવિધા છે તે અને નથી તે બધાની અને માટે શિક્ષણના તમામ રસ્તા ખોલી નાખવા તે સમયની માંગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top