Comments

સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?

વિપક્ષી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામે એક પછી એક કાનૂની કાર્યવાહી થઇ રહી છે. હેમંત સોરેન અને કેજરીવાલ બાદ હવે કદાચ સિદ્ધારમૈયાનો વારો છે પણ આ પ્રકરણમાં રસપ્રદ વળાંકો આવતા રહે છે. સિધ્ધારમૈયા કર્નાટકના મુખ્યમંત્રી છે અને એમની સામે જમીનના ગોટાળાનો આરોપ છે. એફઆઈઆર થઇ ચૂકી છે અને ઈદી દ્વારા પણ કેસ નોંધવામાં આવ્યો છે. પણ એકાએક મુખ્યમંત્રીની પત્ની પાર્વતીએ એને મળેલા બધા પ્લોટ મુડા ( મૈસુર અર્બન ઓથોરીટી )ને પાછા વાળવાનો પત્ર આપ્યો , આ આશ્ચર્યજનક છે. શું આ ગેરરીતિ થઇ છે એનો સ્વીકાર છે કે પછી પોતે કાંઈ ખોટું કર્યું નથી એનો ત્યાગ છે?

આ પ્રકરણ શું છે એ સમજી લેવાની જરૂર છે. મુડા દ્વારા વિકાસ મુદે્ મૈસુરમાં પોશ વિસ્તારમાં કેટલીક જમીન લેવાઈ અને બાદમાં એમાંની કેટલીક ફરી કૃષિ કરી દેવાઈ. એમાંની કેટલીક જમીન સિદ્ધારમૈયાના સાલા મલ્લિકાર્જુન દ્વારા લ્હારીડવામાં આવી. એ બિનખેતી કરાઈ અને પછી એ ૩ એકર ૧૪ ગુંઠા જમીન બહેન પાર્વતીને ભેટ આપી અને ત્યારથી વિવાદ શરૂ થયો છે કે, આ જમીન વધારે પોશ વિસ્તારની છે અને ૪૫ કરોડની ને ગેરરીતિ છે. આ મુદે્ રાજ્યપાલ સામે કેસ ગયો અને તપાસની મંજૂરી માગવામાં આવી અને રાજ્યપાલ કે જે ભાજપના છે એ  ગેહલોતે મંજૂરી આપી અને વિવાદ શરૂ થયો.

રમૈયા સરકાર દ્વારા આ મંજૂરીને હાઈકોર્ટમાં પડકારાઈ પણ હાઈકોર્ટે કેસ નોંધવાની છૂટ આપી અને એફ. આઈ.આર. થઇ. હવે ઈડી પણ ચિત્રમાં આવી અને પીએમએલએ તળે કેસ દર્જ કર્યો છે. એટલે ગમે ત્યારે રમૈયાની પૂછપરછ થઇ શકે છે. એની પત્ની પાર્વતી, સાળા મલ્લિકાર્જુન અને અન્ય સામે ફરિયાદ થઇ છે. એમાં પાર્વતીએ પ્લોટ પાછા આપવીની વાત કરી એટલે નવો વિવાદ શરૂ થયો છે. મુડાનાં કમિશનર પણ આશ્ચર્યચકિત છે અને કહે છે કે, હવે શું કરવું એ માટે કાયદાકીય સલાહ લઈશું. ભાજપ કહે છે કે, આ એક રીતે ગેરરીતિ થઇ છે એનો સ્વીકાર છે અને ભાજપની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જીત પણ છે. પણ કેસ તો ચાલશે અને દોષી હશે એની સામે કાર્યવાહી થશે.

બીજી બાજુ રમૈયા કહે છે કે એ રાજીનામું આપવાના નથી. અરવિંદ કેજરીવાલે પણ આવી જ સલાહ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ વિપક્ષી મુખ્યમંત્રીઓને આપી હતી. રમૈયા એમ પણ કહે છે કે, મારી સામે ફરિયાદ શા માટે? હું તો ક્યાંય ચિત્રમાં જ નથી અને આ કિસ્સો ૧૯૯૮નો છે. અમે સત્તામાં હતા ત્યારે ફાઈલો અમારી પાસે આવી હતી પણ અમે એ અંગે કોઈ કાર્યવાહી ના કરી કારણ કે અમારા પરિવારનો મામલો હતો. ૨૦૧૩-૧૮ ના અમારા કાર્યકાળમાં એ થઇ શક્યું હોત. બાદમાં બોમાઈ સરકાર એટલે કે ભાજપની સરકારે ૨૦૨૨માં આ ફાઈલ ક્લીયર કરી ૫૦ -૫૦ ટકા યોજના તળે પ્લોટ આપ્યા.

રમૈયા એક રીતે સાચા પણ છે. બીજો એમનો આક્ષેપ એવોય છે કે, રાજ્યપાલ પાસે કુમારસ્વામીની ફાઈલ પણ પેન્ડીંગ છે , એ સિવાય જનાર્દન રેડ્ડી અને અન્ય ભાજપી નેતાઓના કેસ છે એમાં રાજ્યપાલ કેમ મંજૂરી આપતા નથી? આ વાત પણ સાચી છે. ગુજરાતના એક કેસમાં કોન્ગ્રેસના રાઠવા અને ચાવડાએ વિજય રૂપાણી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા અને રૂપાણીએ બદનક્ષીનો કેસ કર્યો, કોન્ગ્રેસના એ બંને નેતાઓ આજે ભાજપમાં છે અને એમણે કોર્ટમાં માફી માગી લીધી છે અને લખ્યું છે કે, એ માત્ર રાજકીય આક્ષેપો હતા અને રૂપાણીએ પણ કેસ પાછો ખેંચી લીધો છે. વિપક્ષી નેતાઓ સામે ઘણા બધા કેસ છે અને એમાં સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી સાથે જામીન આપ્યા છે એ દર્શાવે છે કે, કેસમાં રાજકારણ તો છે અને ભાજપમાં જે ભ્રષ્ટ નેતાઓ પક્ષપલટો કરી જાય છે એમની સામેના કેસ કાં તો બંધ થઇ જાય છે અથવા તો તપાસ ઢીલમાં પડી જાય છે.

બીજી બાજુ , રમૈયા સામે સ્વગૃહે પણ પડકારો છે. ડી શિવકુમાર અત્યારે તો ઉપમુખ્યમંત્રી છે પણ એમને મુખ્યમંત્રી બનવું છે. એ કોન્ગ્રેસના સંકટમોચક રહ્યા છે. અત્યારે તો રમૈયા સરકારના બધા મંત્રીઓએ કહ્યું કે, અમે સાથે છીએ. પણ સત્તાનો લોભ બધાને હોય છે. ભાજપ પણ કોંગ્રેસ સરકારમાં વિખવાદ થાય એ અસ્થિર બને એવું ચાહે છે. એટલે કે આ કેસ કાનૂની કરતાં વધુ રાજકીય હોય એમ જ લાગે છે.

પેરોલ પે પેરોલ …!
ડેરા સચ્ચા સોદાના સર્વેસર્વા ગુરુમિત રામ રહીમ બે સાધ્વીઓ પર બળાત્કારના આરોપમાં જેલમાં છે. ૨૦ વર્ષની સજા થઇ છે. પણ એ જેલમાં રહે છે એમ બહાર પણ બહુ રહે છે. એક પત્રકારની હત્યામાં તો એમને જન્મટીપ પણ થઇ છે. છતાં એ સતત બહાર આવી જાય છે. એમને ૧૫મી વાર પેરોલ મળ્યા છે. હરિયાણા ભાજપ સરકારની એમના પર મહેરબાની છે. હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી ધારાસભાની કે પછી બાજુના રાજ્ય દિલ્હીમાં ધારાસભાની ચૂંટણી હોય રામ રહીમ પેરોલ પર છૂટી જાય છે અને દર વેળા કોઈ ને કોઈ ચૂંટણી હોય છે.

આ કોઈ યોગાનુયોગ નથી જ. રામ રહીમનાં સમર્થકોની સંખ્યા સારી એવી છે અને રામ રહીમ ભાજપને મત આપવા અપીલ કરે છે અને એનો ફાયદો ભાજપને મળે છે. કોઈ ગુનેગારને આટલી બધી વાર પેરોલ મળ્યા હોય એવો રામ રહીમનો એક માત્ર કિસ્સો હશે. આ મુદે્ કોંગ્રેસ અને અન્ય દ્વારા હાઈકોર્ટમાં અપીલ થઇ છે. પણ એની સુનાવણી થાય અને કોઈ ચુકાદો આવે ત્યાં તો હરિયાણાની ચૂંટણી પૂરી થઇ જશે. એક બાજુ ભ્રષ્ટાચાર અને ગુનેગારો માટે અભિયાન ચલાવતી , કોલકાતા બલાત્કાર કેસ માટે આખો દેશ ગાવતો ભાજપ એક બળાત્કારી અને ખૂનીને પેરોલ આપ્યે જ જાય છે. આ બેવડાં ધોરણ હાનિકારક છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top