Comments

ટ્રમ્પ માટે અમેરિકાનું શાસન શું વ્યાપાર છે?

દુનિયાભરના દેશોમાં અત્યારે જે પ્રકારનું શાસન છે ને શાસકો છે તે જોતાં સમજાશે કે રાજકીય સિદ્ધાંતો અને તેનાં નીતિ-મૂલ્યોનું દેવાળું ફુંકાઈ ગયું છે. દરેક દેશનો શાસક સરમુખત્યારી વલણ સાથે ફકત પોતાના જ શાસનને મરણાંત જોવા માંગે છે. રશિયા અને ચીન આવા ઉદાહરણ ઊભું કરી ચૂકયાં છે તો તેનાથીય અલગ એક જુદા પ્રકારનો શાસક અમેરિકાના માથે ઝઝૂમી રહ્યો છે. દેશના શાસક કોઇ દહાડો વ્યાપારી ન હોઈ શકે કારણ કે તે તો આખા દેશને બજારતંત્રમાં ફેરવવા મથશે અને તેને જ રાજતંત્ર ગણાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી સૌથી વધુ ચર્ચા ટેરિફની થઇ ગઇ છે. તેમણે વ્યાપારનીતિને જ કેન્દ્રમાં રાખી અનેક દેશો સામે ટેરિફવોર ઊભું કર્યું. બજાર માટેની નીતિ જ તેમના શાસનની ઓળખરૂપ નીતિ બની ગઇ.

ટ્રમ્પે પોતાના શાસનના ટેસ્લાના અબજોપતિ ઇલોન મસ્ક સાથે જોડાયા હતા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઇલોન મસ્કે સમર્થન કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નિર્ણાયક પ્રભાવ પાડેલો. અલબત્ત, ભારતમાં પણ હવે મોટા ઉદ્યોગપતિઓ શાસકને આ રીતે જ મદદ કરે છે પણ થોડી લોક(શાહી) લજ્જા રાખીએ ઉદ્યોગપતિના ખુલ્લા સમર્થનને સ્વીકૃતિ અપાતી નથી. સહુ જાણે છે કે જયારે ઉદ્યોગપતિઓ દેશના શાસક ચૂંટવાની પ્રક્રિયામાં પડે ત્યારે ચૂંટણીની રસમો બદલાઈ જતી હોય છે.

નેતાઓને ભ્રષ્ટ કરવા હવે મુશ્કેલ નથી અને પરિણામ આખી ચૂંટણીપ્રક્રિયા નાણાંનો અને શાસકની સત્તાનો ખેલ બની જાય છે. ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેના સંબંધો વધારે ટકવાના નહોતા કારણ કે તેઓ બંને રાષ્ટ્રના હિત માટે નહીં પોતાનાં વ્યાપારી હિત માટે ભેગા થયા હતા. ચાર મહિનામાં એ બંને સામસામા થયા તેમાં નવાઇ નથી. બંને અબજોપતિ પણ છે. હવે ટ્રમ્પ પોતાની રાજકીય તાકાત વડે મસ્કનાં વ્યાપારી હિતો પર પ્રહાર કરવા યુક્તિઓ અજમાવી રહ્યા છે.

પરંતુ આમ કરવાથી અમેરિકાના સ્પેસ પ્રોગ્રામ અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અંતર્ગતની યોજનાઓ ઘોંચમાં પડશે. મસ્કે ચૂંટણી પ્રચાર માટે 2.080 રા. ખર્ચ્યા હતા અને હવે એ જ મસ્ક આનાથી મોટી રકમ ટ્રમ્પ વિરોધી કાર્યોમાં રોકી શકે છે. ટ્રમ્પ રાજકીય રીતે અસલામત થશે તેમ વધારે ઝનૂન બતાવશે. આ ઝનૂન અમેરિકાના શાસકીય માળખાને અને વિદેશનીતિ, અર્થકારણને પણ નુકસાન પહોંચાડશે. મસ્કનો ઇરાદો તો નવો રાજકીય પક્ષ બનાવી ટ્રમ્પ સામે મહાઅભિયોગ દાખલ કરવાનો છે.

સામે ટ્રમ્પ પણ જંપીને બેસશે નહીં. મસ્કની કંપનીને સરકારની 17એજન્સી તરફથી 25 હજાર કરોડ સો કરાર મળ્યા હતા. હવે એ કરાર ઘોંચમાં પડશે. ટ્રમ્પની સરકાર એ કરારો હેઠળ ફાળવવાના થતાં ભંડોળ ન ફાળવે તો મસ્કને મુશ્કેલી જ થશે. ટ્રમ્પ અનેક રીતે મસ્કને પછાડવા સરકારને કામ લગાડશે. સામે મસ્ક પાસે પણ ટ્રમ્પ અને તેની સરકારનાં ઘણાં રહસ્યો હોવાથી મામલો બીચકશે. આ બધું અમેરિકા માટે સારું નથી. અમેરિકાની કોર્ટ પણ ટ્રમ્પનાં ટેરિફ વિશેના નિર્ણયોને અમલમાં મૂકવાની આડે આવી છે એટલે કે અમેરિકન કોર્ટ અને રાષ્ટ્રનું બંધારણ પણ ઘણા પડકારો ઊભા કરે તો ટ્રમ્પ માટે શાસન કરવું મુશ્કેલ થશે.

ટ્રમ્પ કોઇ સ્વસ્થ મિજાજના શાસક નથી અને શાસકીય વિવેકથી કાર્ય કરે તેવા નથી. અમેરિકાની જ નહીં વૈશ્વિક કાર્ય કરે તેવા નથી. અમેરિકા જેવા રાષ્ટ્રને ટ્રમ્પ જેવા પ્રમુખ મળ્યા તે અમેરિકાની જ નહીં વૈશ્વિક રાજકારણની પણ ભૂલ ગણાશે. દેખીતી રીતે અહીં વિશ્વને દોષ ન દઇ શકાય પણ અમેરિકા જે કાંઇ કરે તેની સારી ખરાબ અસરોથી વિશ્વના દેશો મુકત નથી. ટ્રમ્પ બહુ દાવો કરતા હતા કે રશિયા યુક્રેન યુદ્ધને અટકાવી દેશે પણ તેવું થયું નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો દાવો કરી તેઓ ખુશ હોય તો ભલે. ટ્રમ્પની વૈશ્વિક સ્તરે કોઇ મોટી પ્રતિષ્ઠા નથી અને તેઓ રાજકીય શાણપણ માટેય જાણીતા નથી.

ટ્રમ્પના કારણે અમેરિકનો ઉંચાનીચા છે અને અમેરિકા આવવા ઇચ્છતાં અને વિદેશીઓ પણ બેચેન છે. ટ્રમ્પે વિશ્વસ્તરે જાણીતી યુનિવર્સિટીઓ માટે પણ પ્રશ્નો ખડા કર્યા છે.ઇમિગ્રાન્ટના દેશ તરીકે ઓળખ પામેલા અમેરિકાની ઇમિગ્રાન્ટ નીતિ અત્યારે સખળડખળ થઇ છે. ટ્રમ્પને એવું છે કે તેનાથી વિદેશથી આવનારાને પ્રોબ્લેમ થશે પણ હકીકત છે કે અમેરિકાને જ વધુ નુકસાન થવાનું છે. એક મહાસત્તાના પ્રમુખ હોવાનો ઘમંડ ટ્રમ્પને બરબાદ કરશે. કારણ કે અમેરિકા હવે મહાસત્તા રહ્યું નથી. ટ્રમ્પનો દાવો અલબત્ત અમેરિકાને ફરી મહાસત્તા બનાવવાનો છે પણ તે તેમના વડે શકય નથી. તે એક ઉદ્યોગપતિ છે અને અમેરિકાને જો બજાર તરીકે જ વિચારશે તો તેની ઓળખમાં લોકશાહી રાષ્ટ્રની વ્યાખ્યા બદલવાની થશે.
બકુલ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top