એક વખત રવીન્દ્રનાથ ટાગોર યુરોપના પ્રવાસે ગયા હતા. ત્યાં એમને કોઈકે પૂછ્યું કે તમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે? આ ત્યારની વાત છે કે, જ્યારે ટેલિકોમ્યુનિકેશનના આટલાં વિપુલ સાધનો નહોતાં અને સોશ્યલ મીડિયાની તો કલ્પના સુદ્ધાં નહોતી તેવા વખતે ગાંધીજીની ખ્યાતિ પૃથ્વીના ખૂણે ખૂણે પ્રસરેલી હતી. લોકપ્રિયતા સ્વયંભૂ પણ હોઈ શકે છે અને “ઊભી” કરેલી પણ હોઈ શકે છે.ઉપર પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે હા. અમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે. એટલે પ્રશ્ન પૂછનારે વળતો પ્રશ્ન કરતાં પૂછ્યું કે કેમ? ત્યારે ઉત્તરમાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે હું જંગલમાં જતો હોઉં અને સામે વાઘ આવી જાય તો મારાથી ઓ મા એવા ઉદ્ગાર નીકળી પડે, જ્યારે ગાંધીને આવું કંઈ ન થાય.નીડરતા અને નિર્ભયતામાં ફરક હોય છે. નીડરતા વસ્તુલક્ષી હોય છે.
જ્યારે નિર્ભયતા સમષ્ટિલક્ષી હોય છે. કોઈ વ્યક્તિને અમુક વસ્તુનો ડર ન લાગે તો તે નીડર કહેવાય, જ્યારે જે વ્યક્તિને આ જગતમાં કશાનો જ ભય ન હોય એને નિર્ભય કહેવાય. “નિર્ભયતા” ના પરિપ્રેક્ષ્યમાં મહાવીર સ્વામી અને તથાગત બુદ્ધ પછી યુગ પ્રમાણે કોઈને મૂલવવા હોય કે વ્યાખ્યાયિત કરવા હોય તો તેમાં ગાંધીજીને મૂકી શકાય. અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું એક બહુ જાણીતું ઉદ્બોધન છે કે “કાયરતા અને હિંસા” વચ્ચે મારે પસંદગી કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું. એક વખત ગાંધીજી અને કિશોરલાલ મશરૂવાળા બેઠા હતા, ત્યારે કેટલીક છોકરીઓએ આવીને ફરિયાદ કરી કે; કેટલાક લફંગાઓ અમારી મશ્કરી કરી રહ્યા છે.
તો અમારે શું કરવું? ત્યારે કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું કે; તમારે ચપ્પલ કાઢીને એ લફંગાઓને ઝૂડી કાઢવા જોઈએ, પણ ગાંધીજીની સલાહ નવાઈમિશ્રિત હતી. તેમણે છોકરીઓને કહ્યું કે તમારા પર્સમાં ચપ્પુ રાખવું જોઈએ અને જ્યારે આવા લફંગા મશ્કરી કરે ત્યારે એ ચપ્પુ એમની છાતીમાં ઉતારી દેવાનું. જેમ ભૂખડીબારસના ઉપવાસ નિરર્થક હોય છે, તેમ કાયર માણસની અહિંસા પણ નિરર્થક હોય છે. ક્ષમા જેમ બળવાનનું આભૂષણ છે, તેમ નિર્ભયતાના મૂર્તિ સ્વરૂપ ગાંધીજીની હિંસા પણ યથાર્થ છે. શું ફરક છે મહાત્મા ગાંધી અને આપણા જેવા સરેરાશ માણસો વચ્ચે? ગાંધીજી એમના વિચારો પ્રમાણે જ જીવ્યા, જ્યારે આપણે ગાંધીજી જે રીતે જીવ્યા એવું વિચારી પણ શકતા નથી. સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.