Comments

‘પાશવી’ વૃત્તિ અને ‘માનવીય’ વૃત્તિમાં કશો ફરક ખરો?

‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ આ બન્ને લોકોક્તિમાં માણસની ગરજાઉ ­વૃત્તિનો બરાબર અંદાજ મળી રહે છે. રખે કોઈ એમ માને કે આ કહેવતો અમુક ­દેશ કે અમુક જાતિ પૂરતી મર્યાદિત છે. સમગ્ર માનવજાતને એ લાગુ પડે છે. ભલે ને એ કોઈ પણ ખૂણે કેમ ન વસતો હોય! એક અહેવાલ મુજબ હમણાં દક્ષિણ ચીનમાં  તેર માળના એક આલિશાન સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મર્યાદિત આવનજાવન, સુરક્ષા માટે કેમેરા, યોગ્ય રીતે તૈયાર કરાયેલું ભોજન અને તબીબી સુવિધાઓ પણ ઘરઆંગણે ઉપલબ્ધ! આ એક આવાસસંકુલ છે, પણ માણસો માટે નહીં. તે ડુક્કરો માટેનું આવાસસંકુલ છે. દસેક હજાર જેટલાં ડુક્કરો તેમાં રહી શકે એવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડુક્કરો પર આટલો ­પ્રેમ શાને માટે? કારણ સ્પષ્ટ છે. ચીનમાં મનુષ્યો દ્વારા કરવામાં આવતા માંસાહારમાં માંસનો મુખ્ય સ્રોત આ ડુક્કરો છે.

કોવિડની વિશ્વવ્યાપી મહામારીનાં બે વરસ અગાઉ આફ્રિકન સ્વાઈન ફીવરમાં ચીનના ડુક્કરોની અડધોઅડધ વસતિ સાફ થઈ ગઈ હતી. આ ડુક્કરો સ્વસ્થ, સુરક્ષિત રહે, જેથી તેમના ભક્ષણથી પોતાને કોઈ તકલીફ ન થાય એ માટે તેમને  માટે આવી સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજી રીતે કહીએ તો, પેલી જાણીતી ગુજરાતી બાળવાર્તામાં આવે છે એમ, ‘દીકરીને ઘેર જવા દે, તાજીમાજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે’વાળી વાત અહીં વાસ્તવિકતા છે. આ અગાઉ આ કટારમાં ચીન દ્વારા ઔષધિ ખાતર, આડેધડ રીતે કરાતા ગધેડાઓના નિકંદનની વાત કરવામાં આવી હતી.

ચીનની આ વાત પછી હવે ઘરઆંગણાની વાત કરીએ. ગોવા રાજ્યના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ચોક્કસ ­­પ્રાણીઓને ‘ઉપદ્રવી’ ઘોષિત કરવામાં આવે. રાજ્ય દ્વારા તેને આમ ઘોષિત કરવામાં આવે એનો અર્થ એ કે એવાં  પ્રાણીઓનો ‘મર્યાદિત’ પ્ર­માણમાં શિકાર કરી શકાય અને એ ગેરકાનૂની ન ગણાય. પાંચેક વર્ષ અગાઉ ખેડૂતોએ જંગલી ડુક્કર, લાલ મોંવાળું વાંદરું, લંગૂર અને શાહુડી- એમ ચાર ­પ્રાણીઓ બાબતે આવી માંગણી કરી હતી. તેને પગલે છેક હવે સરકારે જંગલી ડુક્કરને ‘ઉપદ્રવી’ ઘોષિત કર્યું છે. એમ તો ખેડૂતોએ ગૌર એટલે કે બાયસન (જંગલી ભેંસ)ને પણ આ શ્રેણીમાં મૂકી દેવાનું સૂચન કર્યું છે, પણ તે ગોવાના ‘રાજ્ય ­પ્રાણી’નો દરજ્જા ધરાવતું હોવાથી એ શક્ય બને એમ નથી.

જેમની સંખ્યા વધુ પડતી થઈ ગઈ હોય અને જે પાકને નુકસાન પહોંચાડતાં હોય એવાં ­પ્રાણીઓને સરકાર દ્વારા ‘ઉપદ્રવી’ ઘોષિત કરવામાં આવે તો તેના શિકારમાં કોઈ કાનૂની ગૂંચ રહેતી નથી. એ હકીકત છે કે કેવળ ગોવા રાજ્યમાં જ નહીં, વિવિધ સ્થળોએ માનવ-વન્ય પશુઓના સંઘર્ષના કિસ્સા દિનબદિન વધી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે. વનનો વિસ્તાર સંકોચાઈ રહ્યો છે અને તેમાં માનવની ઘુસણખોરી સતત વધી રહી છે. એક તરફ વન્ય પશુઓના સંરક્ષણના કાયદા થકી તેમની જાળવણીને કાગળ પર સુનિશ્ચિત કરવામાં આવે છે તો બીજી તરફ તેમાં અપવાદ કરીને પશુઓના શિકારની કાનૂની જોગવાઈ કરવામાં આવી રહી છે.

માનવ-પશુ સંઘર્ષના વધતા જતા બનાવો બાબતે ખેડૂતોએ દર્શાવેલું વધુ એક કારણ એ છે કે વન વિભાગ દ્વારા વન્ય પશુઓના આહારના મુખ્ય સ્રોત જેવાં વૃક્ષોનું વાવેતર પૂરતા ­પ્રમાણમાં કરવામાં આવતું નથી. અલબત્ત, આ અનેક કારણોમાંનું એક હોઈ શકે. વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાનું વ્યવસ્થાપન કરવામાં આવે તો લાંબે ગાળે કદાચ તેના સમાધાન ભણી આગળ વધી શકાય. કેમ કે, વિકાસ દ્વારા આપણે પોષણ કડીને ખોરવી નાંખી છે. તેની વિપરીત અસરો ­પ્રત્યક્ષપણે થાય એથી વધુ પરોક્ષપણે થતી રહે છે.

કોઈક પશુને ‘ઉપદ્રવી’ ઘોષિત કરીને તેના શિકારની પરવાનગી આપી દેવી એ સાવ ટૂંકા ગાળાનો અને અવિચારી ઉપાય છે. કમનસીબે પર્યાવરણની જાળવણીમાં પણ રાજકારણ આડું આવે છે. ચાહે ચીનમાં વ્યવસ્થિત ઢબે થઈ રહેલો ડુક્કરનો ઉછેર હોય કે ગોવાના ખેડૂતોએ જંગલી ડુક્કરના શિકાર માટે કરેલી માગણી હોય, એમાં માનવજાતના નકરા સ્વાર્થ સિવાય કશું નથી. ખેડૂતોની સમસ્યા બેશક મહત્ત્વની છે, પણ તેના માટે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે વિચારીને તેનો ઉકેલ વિચારવો રહ્યો. 

બહુ દૂર શા માટે જવું? ઘરઆંગણે ગાયોની અવદશા આપણાથી ક્યાં અજાણી છે? જાહેર રસ્તાઓ પર ગમે એમ રખડતી ગાયો રાહદારીઓને અને વાહનચાલકોને નડતરરૂપ થતી રહે એ તો ખરું, પણ દુનિયાભરનો કચરો એ પેટમાં પધરાવતી રહે એ જોખમ નાનુંસૂનું છે? કૂતરાંને અને કબૂતર-કાગડાને ગાંઠિયા કે બિસ્કીટ જેવો પ્ર­તિકૂળ ખોરાક નિયમિતપણે ખવડાવીને પુણ્ય રળવાની ઈચ્છા ધરાવતા જીવદયા­પ્રેમીઓ તો હવે ચોરે ને ચૌટે ફૂટી નીકળ્યાં છે.

જીવદયા­પ્રેમનું ગૌરવ લેતા આવા પુણ્યાત્માઓને અંદાજ પણ નથી હોતો કે આવો ખોરાક ખવડાવીને તેઓ આ પશુપક્ષીઓનું કેવડું મોટું નુકસાન કરી રહ્યા છે!વ્યક્તિગત ધોરણે હોય કે સામુહિક સ્તરે, સ્વાર્થ એ આપણું સામાન્ય લક્ષણ છે. તેનું ઓઠું પરોપકારનું, જીવદયાનું કે જીવરક્ષાનું ભલે રહ્યું. ચાહે ધર્મ થકી કે રાજ્યસત્તા થકી, આ બાબતને માન્યતા આપવામાં આવે એ એટલું જ દર્શાવે છે કે આપણે તેની પર ગૌરવ લેતા રહીને આપણી આ વૃત્તિને સહેજ પણ બદલવા માંગતા નથી.‘પાશવી’ વૃત્તિ કહીએ કે ‘માનવીય’ વૃત્તિ, બેયના અર્થમાં કશો ફેર નથી!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top