એ કપોળકલ્પિત વાત ઘણી સાચી લાગે છે અને રોમાંચિત પણ કરે છે કે, અંદાજે રૂ. ૯૭૧ કરોડના ખર્ચે બનનારું નવું સંસદભવન, ભારતીય લોકશાહીને મજબૂત કરશે! રૂા. ૩,૦૦૦ કરોડના ખર્ચે સ્થાપિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ઉર્ફે સરદાર પટેલની પ્રતિમા. રાષ્ટ્રીય એકતાને લોખંડી બનાવશે.
રૂા. ૩.૬૪૪ કરોડના ખર્ચે સ્થાપિત થનારી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા, મરાઠા સામ્રાજ્યના ગર્વ અને દીર્ધદશિતાનું પ્રતીક બનશે! રૂા. ૧.૧૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન રામ મંદિર, દેશની બહુમતી પ્રજાની ધાર્મિક આસ્થા સંતોષશે!
રૂા. ૧,૧૦,૦૦૦ કરોડનું દેવું કરીને ઘી પીવાની જપાની કરજવાળી દેશભરની ૧૦ બુલેટ ટ્રેન્સ. અર્થતંત્રને ઝડપી વેગ આપશે! પરંતુ આવા બિનજરૂરી ભવ્યાતિભવ્ય ભપકાને મામલે યક્ષપ્રશ્ન એ વાતે થાય છે કે જ્યારે ‘ઇકૉનૉમિસ્ટ’ સામયિક-લંડનના મતે ભારતદેશ ‘લંગડાતી લોકશાહી’ ધરાવતો દેશ છે. જ્યારે હાલની સંસદમાં પ૩૯ સભ્યો પૈકી ગુનાહિત કાનૂની કેસ ધરાવતા ૨૩૩ (૪૩%) સભ્યો બિરાજે છે અને જ્યારે પાદરથી પાર્લામેન્ટ સુધીના ચુંટાયેલા સભ્યોનું ખરીદ-વેચાણ પૂરબહારમાં ચાલે છે ત્યારે.
આવી વરવી લોકશાહીની સ્થિતિમાં નવાં સંસદભવનનું ચણતર દેશની લોકશાહીને કઈ રીતે મજબૂત બનાવી શકશે? શું મજબૂત લોકશાહીના મુખ્ય આધાર નવા સંસદભવનનું સ્થાપત્ય છે કે જનપ્રતિનિધિઓનું સ્વચ્છ ચારિત્રય? પરંતુ શંકા એ વાતે જાય છે કે દાનધ્રુવ વિચારો તેમજ રાગ-દ્વેષ ધરાવતા દેશના ૨.૯૯૮ રાજકીય પક્ષોના નેતાઓની અસંખ્ય પ્રતિમાઓ વિરુદ્ધ સરદાર પટેલની એક જ પ્રતિમા. રાષ્ટ્રીય એકતાને કઈ રીતે લોખંડી બનાવી શકશે?
પરંતુ વ્યથા એ વાતે થાય છે કે દેશમાં લખલૂંટ ખર્ચ સ્થાપિત એવા અનુત્પાદક ૩૮,૮૦૩ મોટા મંદિરો, દેશને ક્યા અને કેવા પ્રકારના વિકાસના માર્ગે લઈ જશે? વિશેષ, ભારત વિશ્વમાં એવો દેશ છે, જેના ‘આર્થિક વિકાસ’ના પાયામાં ‘માનવ વિકાસ’ છે અને ‘માનવ વિકાસ’નો મુખ્ય માપદંડ ‘જાહેર આરોગ્ય’ છે. પરંતુ વિશ્વ ભૂખમરા સૂચક આંક-૨૦૨૦ ના જાહેર થયેલા રિપોર્ટ મુજબ. વિશ્વના ૧૦૭ દેશોની યાદીમાં, ભારતદેશ ૯૪મા ક્રમે ‘ગંભીર શ્રેણી’ના સ્થાને ધકેલાયો છે.
કારણ કે ભારતની ૧૪% વસતિ કુપોષણનો શિકાર છે તેમજ બાળ-વૃદ્ધિરોધ ૩૭.૪% અને બાળ-કૃશતા ૧૭.૩% છે, ભારતની રાષ્ટ્રીય પોષણ નિગરાની બ્યુરો-દિલ્હીની ‘ભૂખ તોલ-માપણી’ના એક અહેવાલ મુજબ, દેશના ૪૬.૩૪ કરોડ (૩પ ટકા) લોકો અલ્પપોષણના અને ૮.૧૯ કરોડ (૩૯ ટકા) બાળકો કુપોષણના શિકાર છે. તદુપરાંત ૩.૧૫ કરોડ (૧૫ ટકા) બાળકો અતિ દૂબળાં છે અને ૦૩ થી ઓછા વર્ષના બાળકોને જરૂરી માત્રા કરતાં ૦૪ થા ભાગનું જ દૂધ મળે છે.
આવી વરવી અને વસમી સ્થિતિને નાથવા માટે રાષ્ટ્રીય વિકાસની પારાશીશી કઈ છે? ભપકાભર્યા અનુત્પાદક એવા ભવ્ય મંદિરો, મૂર્તિઓ અને ભવનોનું સ્થાપન કે અલ્પપોષણ, કુપોષણ અને ભૂંડી ભૂખ ધરાવતાં ૬૯ કરોડ રંકજનોની જઠરાગ્નિને ઠારે તેવું પોષણયુક્ત ભોજનનું આયોજન?
સુરત પ્રા. જે. આર. વઘાશિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.