Charchapatra

યુદ્ધ વિરામ વચનની કિંમત કેટલી?

દુનિયાના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તે દરમિયાન યુદ્ધવિરામ એ સમગ્ર વિશ્વ અને બંને દેશો માટે સારી વાત છે. પરંતુ ભારતની પ્રજા પૂછી રહી છે કે પાકિસ્તાન સાથેનું  યુદ્ધવિરામ કેટલું ભરોસાપાત્ર છે ? તે માટે ઇતિહાસ પર નજર નાખવાની જરૂર છે. 2025 ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં એક પ્રશ્ન એ પણ હશે કે ભારતે શું હાંસલ કર્યું?  ઇતિહાસની તવારીખમાં  1948, 1954, 1960, 1965, 1972, 2021 ના વર્ષોને આપણા રાજ નેતાઓએ ભૂલવા જોઈએ નહીં. યુદ્ધવિરામની જાહેરાતથી  ભારતની પ્રજા સ્તબ્ધ બની ગઈ છે.

આતંકવાદને પરિણામે આ દેશના સંખ્યાબંધ સૈનિકો અને નિર્દોષ  પ્રજા પોતાના જીવ ગુમાવતા રહે એવો અભિગમ ક્યાં સુધી ચાલશે? સીઝફાયરના ત્રણ કલાક પછી પાકિસ્તાન દ્વારા ડ્રોન અને  મોર્ટાર હુમલાના અખબારી અહેવાલ છે. જેનો સીધો અર્થ એ થાય છે કે પાકિસ્તાન કે આતંકવાદીઓ હજી પણ સુધરવાનું  નામ લેતા નથી અને લેશે પણ નહીં.  ફરી ફરીને પ્રશ્ન એ થાય છે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના વચનની કિંમત કેટલી? જેમની  રગેરગમાં  કોમવાદ છે તેઓની વાત પર વિશ્વાસ રાખી શકાય નહીં.
નવસારી   – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top