Comments

શિક્ષક અધ્યાપક પસંદગીની પ્રક્રિયાનો શ્રેષ્ઠ માર્ગ કયો?

ગુજરાતની અનુદાનીત (ગ્રાન્ટ ઈન એઈડ) કોલેજોમાં લાંબા સમયથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ ભરવા માટે ફરીથી શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. ઉમેદવારોમાં ફરી આશા જાગી છે. ઘણાએ અરજી કરી પછી આશા છોડી દીધી હતી એટલે વિલંબ થયો છે અને હજુ આ પસંદગીની પ્રક્રિયા થશે જ તેમા ઘણાને શંકા છે. ઘણાને પ્રશ્નો છે! કોલેજોમાં અધ્યાપકોની ભરતી માટે હાલમાં જે પ્રક્રિયા થઈ રહી છે અને જે થવાની છે તે માટે અત્યારથી જ ઘણાના મનમાં પ્રશ્ન ઉદભવ્યા છે.

જેમકે એક પ્રશ્ન એ છે કે કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓની સરકાર પાસે જે વિગત છે તે 2019 પહેલાની છે. સરકાર ખરેખર જગ્યા ભરવા માંગતી હોય તો તેણે આ વર્ષનો વર્કલોડ મંગાવી લેવો જોઈએ કારણ કોરોના પછી વિદ્યાર્થી સંખ્યામાં મોટો વધારો થયો છે. 2019 થી 2021 ના ગાળામાં ઘણા અધ્યાપકો નિવૃત થયા છે. કોરોનામાં ઘણા અવસાન પામ્યા છે. આ બધી જ જગ્યાઓ એક સાથે ભરાય તે જોવું જરૂરી છે. સામે કેટલીક કોલેજોમાં હવે જગ્યાની જરૂર નથી ત્યાં જૂના ડેટામાં ખાલી જગ્યા બતાવે છે. તે પણ ચેક થઈ જાય નહિતો આવતા જ વર્ષથી પાછા ફાજલના પ્રશ્નો ઉભા થવા માંડશે!

બીજી ચિંતા ઝડપની છે. જો ગુજરાતમાં વિધાનસભાની ચુંડણી વહેલી યોજવાના ચક્રો ગતિમાન થાય અને શિક્ષણ વિભાગ ભરતી પ્રક્રિયામાં હજુ વિલંબ કરે તો આચાર સહિંતા લાગૂ પડી જાય. (કદાચ ડિસેમ્બરમાં ઘણી પંચાયતોની ચૂંટણી છે જ!) અને તો ભરતી પ્રક્રિયા લાંબાગાળા માટે ખોરંભે પડી જાય. ત્રીજી મહત્વની ચિંતા હાલ ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે તે છે. ભરતીની પ્રક્રિયા જે રીતે થવાની છે તે વિષે છે. શિક્ષણ વિભાગે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી મેરીટ લીસ્ટ બનાવ્યુ છે હવે વિષય મુજબ મેરીટ પ્રમાણે દરેક કોલેજને છ-છ ઉમેદવાર મોકલવાના છે.

કોલેજ સંચાલક મંડળને હવે પૂરી સત્તા છે કે તે આ છ માંથી ઉમેદવાર પસંદ કરે અથવા ના પણ કરે! હવે જો મોકલેલા પ્રથમ છ ઉમેદવાર માંથી મંડળ પસંદગીન કરે તો બીજા છ ઉમેદવાર મોકલવામાં આવશે! મતલબ સરકારે તૈયાર કરેલુ મેરીટ લીસ્ટ માત્ર લીસ્ટ છે. હવેની આખી પ્રક્રીયામાં મંડળ જ સર્વોપરી છે. ઘણાને અહિં ચિંતા છે કે સંચાલક મંડળો પ્રથમ છ ઉમેદવારમાં જ બોલી લગાવે અને જે વધારે ચૂકવે તે નોકરી લઈ જાય ના ન્યાયે ભરતી કરે અથવા પોતાના પસંદગીના ઉમેદવાર સુધી મેરીટવાળા ઉમેદવારને રીજેક્ટ કર્યા કરે! દા.ત. મેરીટની રીતે નવમા ક્રમના ઉમેદવારને લેવાનો હોય તો પહેલા છ રીજેક્ટ કરવાના. પછીના છમાંથી નવમા નંબરનો ઉમેદવાર લેવાનો!

ચોથી મોટી ચિંતા પસંદગી પ્રક્રિયાના અવ્યવહારુ રુપની છે હાલમાં જાહેર થયા મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરેક યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. જગ્યા ખાલી હોય તે કોલેજના સંચાલક મંડળ તથા ઉમેદવાર આ યુનિવર્સિટીમાં જશે! અને ઇન્ટરવ્યુ ત્યાં થશે. પછી બીજી, પછી ત્રીજી… એમ ગુજરાતની તમામ સરકારી યુનિ. ખાતે ભરતી પ્રક્રિયા થશે અને ઉમેદવારો ઈન્ટરવ્યુ આપવા ત્યા ત્યાં જશે! વળી ઉમેદવાર એક કોલેજમાં પસંદ થાય અને તે સ્વિકારે તો બીજી કોઈ કોલેજમાં જઈ શકશે નહિ. આ વાત ઘણાને બીન લોકશાહી લાગી છે કારણ કે જો સુરતના યુવાને અરજી કરી છે. તે મેરીટમાં ઉપર છે અને ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં પ્રથમ ઉત્તર ગુજરાત યુનિ. મા ઈન્ટરવ્યું ગોઠવાય અને તે ચાણસ્મા, પાટણ કે મહેસાણા કોલેજમાં પસંદ થાય અને ઉમેદવાર ત્યાં હા પાડે તો પછી સૂરતમાં ઇન્ટરવ્યુ ગોઠવાય અને નજીકની કોલેજમાં તે ઈન્ટરવ્યુ આપી શકે નહિં, પસંદગી પામી શકે નહીં.

પ્રશ્નો ખૂબ છે! પહેલા શાળા કે કોલેજોમાં સ્થાનિક લેવલે જાહેરાત આપી, અરજી મંગાવી, ઈન્ટરવ્યુ ગોઠવી પસંદગી થતી જેમાં 1995 પછી તો શાળા કક્ષાએ રીતસર શિક્ષક ભરતીના ભાવ બોલવા લાગ્યા. લાંચને ડોનેશન એવું રૂડુ નામ આપવામાં આવ્યું. પછી ફીક્સ પગાર અને કેન્દ્રિયભરતી પ્રથા શરૂ થઈ. એમા ટેટ-ટાટ ફરજીયાન થઈ. ગુણાંકન પણ નક્કી થયા. હવે કેન્દ્રિય ભરતીમાં ભ્રષ્ટાચાર થઈ શક્તો નથી. પણ માણસને જો ભ્રષ્ટાચાર કરવો જ છે તો કોણ રોકે છે! હવે પાંચ વર્ષ કાયમી કરવાની પ્રક્રિયા માટે ભ્રષ્ટાચાર શરૂ થયો છે મંડળથી માંડીને અધિકારી સુધી સૌ સમજી ગયા છે કે ‘‘ફૂલ પે’’ ની ફાઈલ ક્લિયર કરવાના લાભ મળે તેમ છે. ટૂંક સમયમાં સરકાર અહિયા પણ પાંચ વર્ષે આપોઆપ ફૂલ પગાર થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવે તો નવાઈ નહિં!

કોલેજોમાં વચ્ચે (પાંચ વર્ષ પહેલા) સંપૂર્ણ કેન્દ્રિય ધોરણે મેરીટ અને પસંદગી પ્રક્રિયા થઈ. મંડળો એમા ખાસ કશુ કરી શક્યા નહિં. પછી સંચાલક મંડળોની રજૂઆતના પગલે આ વખતે માત્ર મેરીટ સરકારે નક્કી કર્યું છે પણ ભરતીની તમામ સત્તા મંડળને આપી છે. હવે જોવાનું એ રહે છે કે કેટલા મંડળ મેરીટને અનુસરે છે? વળી મેરીટવાળા ઉમેદવારો વચ્ચે પણ ‘‘હરાજી બજાર’’ ખૂલે છે કે ના! પ્રશ્નોતો મેરીટ માટેની ગુણાંકન પધ્ધતિ ના પણ છે. નવા નિયમ મૂજબ યુ.જી.સીએ નેટ-સ્લેટ પરિક્ષા સાથે પી.એચ.ડી પણ ફરજીયાત કર્યું છે. પણ હજુ શિક્ષણ જગતમાં ક્યાંય આ ભરતી પ્રક્રિયાના માપદંડો અને વીધી માટે ચર્ચા શરૂ થઈ નથી.. જો કોઈ વિચારે જ નહિં.. તો યોગ્ય પ્રક્રિયા તરફ જાવાય કઈ રીતે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top