એક સંત પાસે એક માણસ આવ્યો. ચહેરા પરથી જ તે એકદમ દુઃખી દુઃખી દેખાતો હતો.આવતાં જ તેને સંતના પગમાં જ પડતું મૂક્યું અને પોક મૂકી કે ‘બાપજી,મારા જીવનમાં તો દુઃખ જ દુઃખ છે મને બચાવો. સુખી થવાનો કોઈ માર્ગ દેખાડો.’
સંત બોલ્યા, ‘શાંત થા, પાણી પી અને મારી એક વાત શાંતિથી સાંભળ.’
સંતે શિષ્યને પાણી લાવવા કહ્યું, પાણી પીધા બાદ માણસ થોડો શાંત થયો.
સંત બોલ્યા, ‘શિષ્યો, આજે તમને એક નાની વાર્તા કહું છું તે સાંભળજો’ અને માણસની સામે જોઈ કહ્યું, ‘તમે પણ સાંભળજો અને સમજજો.’ સંતે વાર્તા કહેવાની શરૂઆત કરી.
એક માણસ જીવનની ભાગદોડમાં સતત કામ કરતો ત્યારે માંડ બે છેડા ભેગા કરી શકતો હતો.સખ્ત મહેનત કર્યા બાદ તે કુટુંબની પોતાની બધી જરૂરિયાતો પૂરી કરી શકતો.બહુ મહેનત કરવી પડે છે તેનું તેને થોડું દુઃખ હતું પણ પોતે પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકે છે તેનો આનંદ તેને વધુ સુખ આપતો હતો એટલે તે બમણી તાકાત લગાડી દોડતો.એક સાથે બે બે નોકરી કરતો.
ત્યાં ગલીના ખૂણામાં એક બાજુ કચરાનો ઢગલો હતો.માણસને તે કચરાના ઢગલા પાસે અટકીને રોજ પાન થૂંકવાની આદત હતી. એક દિવસ તે રસ્તા પરથી પસાર થતો હતો.ત્યાં કચરાના ઢગલા પાસે પાન થૂંકવા અટક્યો અને પાન થૂંકતા તેણે જોયું કે કચરાના ઢગલામાં કૈંક ચમકી રહ્યું છે.માણસે કચરાના ઢગલામાં હાથ નાખી તે ચમકતી વસ્તુ ઉપાડી. તે ચમકતી વસ્તુ એક વીંટી હતી. માણસ તે વીંટી લઇ ઝવેરી પાસે ગયો.તેણે ઝવેરીને વીંટી દેખાડી અને જાણ્યું કે તે સાચી છે અને એકદમ મૂલ્યવાન છે.માણસે તે વીંટી આપી ઝવેરી પાસેથી પૈસા લઇ લીધા.આજે તે એકદમ ખુશ હતો, ખિસ્સામાં ઘણા પૈસા હતા.ઘરે તે મીઠાઈ અને આઈસ્ક્રીમ લઈને ગયો અને આનંદથી ઉજવણી કરી. હવે તેને એક વિચિત્ર આદત પડી ગઈ. તે રોજ પાન થૂંકવા કચરાના ઢગલા પાસે જતો અને રોજ તેની આંખો હીરાની ચમક શોધતી.તે રોજ હાથ નાખી કચરાનો ઢગલો ફંફોસ્યા કરતો અને કંઈ મળતું નહિ એટલે દુઃખી દુઃખી થઇ જતો.તે કામ કરવાનું ભૂલીને જ્યાં કચરો દેખાય ત્યાં હીરો શોધવા લાગતો અને કંઈ ન મળતાં દુઃખી થતો.
શિષ્યો આ માણસના દુઃખનું કારણ તેનો લોભ અને લાલચ હતાં. તેની નાસમજણ હતી કે તેને અનાયસે એક વાર હીરો મળ્યો તેનો આનંદ લેવાને બદલે સતત બીજા હીરા શોધવા કચરો ફંફોસતો અને હીરા ન મળતાં દુઃખી થતો અને આ દુઃખને તેણે સામેથી ગોત્યું અને સતત દુઃખી રહેવા લાગ્યો.ભૂલી ગયો કે ભાગ્યજોગે જે મળ્યું તેમાં ખુશ રહેવું જોઈએ.તે ભૂલી ગયો કે પેલી હીરાની વીંટી મળી ન હતી તે પહેલાં તે આટલો દુઃખી ન હતો. આપણે બધા જ જીવનમાં આવી રીતે ન હોય ત્યાંથી શોધીને દુઃખ ઊભાં કરીએ છીએ અને મળેલા નાનાં નાનાં સુખોનો આનંદ મેળવી શકતાં નથી.વાર્તા પૂરી કરીને સંતે માણસ સામે જોયું. માણસ હસી રહ્યો હતો જાણે બધું સમજી ગયો હોય તેમ ગુરુજીને નમન કરી ત્યાંથી ચાલ્યો ગયો.