SURAT

”અમારો શું વાંક?”, શિક્ષણ સહાયથી વંચિત રત્નકલાકારોએ સરકારને પૂછ્યો સવાલ

સુરતઃ છેલ્લાં ત્રણેક વર્ષથી હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીના લીધે સૈંકડો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. આ બેરોજગાર બનેલા રત્નકલાકારોના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 13,500ની શિક્ષણ સહાયની જાહેરાત કરાઈ હતી. આ યોજના હેઠળ આવેલી અરજીઓ પૈકી 26,000 રત્નકલાકારોની અરજીઓ નામંજૂર કરાઈ હતી.

  • હીરા ઉદ્યોગની મંદીના લીધે બેરોજગાર બનેલા રત્નકલાકારોના બાળકો માટે 13,500ની શિક્ષણ સહાયની સરકારે જાહેરાત કરી હતી
  • આ યોજના હેઠળ 26,000 નામંજૂર કરાઈ હતી
  • વંચિત રહેલા રત્નકલાકારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

હવે આ રત્નકલાકારોએ શિક્ષણ સહાય માટે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. રત્નકલાકારોનું એક જૂથ આજે તા. 10 નવેમ્બરના રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું અને ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું હતું. આ સાથે જ આ 26,000 રત્નકલાકારોના ફોર્મની ફેર ચકાસણી કરી તેઓને શિક્ષણ સહાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સુધી રત્નકલાકારોની વ્યથા પહોંચાડવા વિનંતી કરાઈ હતી.

આવેદનપત્ર આપવા પહોંચેલા રત્નકલાકાર મહિલા અનિતા પટેલે કહ્યું કે, પોતે મોટા વરાછા રહે છે. હીરા ઉદ્યોગમાં 10 વર્ષ કામ કર્યું છે. મંદીના લીધે બેરોજગાર થયા છે. બાળકોના શિક્ષણની ફી ભરવી મુશ્કેલ બની રહી છે. આશા હતી કે સરકાર તરફથી સહાય મળશે, પરંતુ અમારું ફોર્મ રિજેક્ટ થયું છે. કેમ રિજેક્ટ થયું તે ખબર નથી, પરંતુ અમને યોગ્ય ન્યાય અને સહાય મળે તે માટે રજૂઆત કરી છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, જે 26000 ફોર્મ નામંજૂર કરવા મા આવ્યા છે તેમાં મોટા ભાગના લોકો ગરીબ છે. તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે. જરૂરિયાતમંદ અને યોજનાના સાચા હકદાર લોકોના ફોર્મ નામંજૂર થયા છે જેથી આજે સુરત કલેકટર મારફતે 26000 ફોર્મ ની ફેર ચકાસણી કરી માનવતા અને રહેમરાહે ફોર્મ મંજૂર કરવા મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે.

અયોગ્ય લોકોએ સહાય યોજનાનો ગેરલાભ ઉઠાવ્યાનો આક્ષેપ
ભાવેશ ટાંકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આજે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા કેમ કે શિક્ષણ સહાય યોજનામાં ઘણા એવા લોકો એ લાભ લીધો છે જેને હીરાઉદ્યોગ સાથે કાઈ લેવાદેવા નથી અને પૈસે ટકે સુખી છે ત્યારે જે શિક્ષણ સહાય યોજના હેઠળ જે ફોર્મ નામંજૂર થયા છે તેને મંજૂર કરવાની માંગણી રત્નકલાકારો એ ઉઠાવી છે.

આ રત્નકલાકારો ગરીબ છે. તેઓ ભાડાના મકાનમાં રહે છે. કોઈ પુરાવાના અભાવે કે અન્ય કારણોસર તેમની અરજીઓ નામંજૂર થઈ છે. સરકારે રહેમ રાહે તેમના અરજી પત્રકોની ફેર ચકાસણી કરી તેઓને સહાય મળે તેમ કરવું જોઈએ. કારખાનેદારો કે મોટા શેઠિયાઓની વાતોના આધારે નિર્ણય લેવો જોઈએ નહીં. જો આ રત્નકલાકારોને ન્યાય ન મળે તો આગામી દિવસોમાં આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ટાંકે ઉચ્ચારી હતી.

Most Popular

To Top