હાલના તબક્કે સુરત શહેરની પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત છે. અનેક સમસ્યાઓનો સામનો કરી પ્રત્યેક નાગરિક હેરાન થતાં જ હોય છે. વાહનવ્યવહારની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, મેટ્રોના નિર્માણ થકી થતી સમસ્યા, ઉભરાતી ગટરની સમસ્યા, ચૌટા બજાર કે અન્ય સ્થળોએ દબાણની સમસ્યા વિ. અનેક સમસ્યા સુરત શહેરમાં ઉપસ્થિત છે. જવાબદાર તંત્રો એ હલ કરવાની કોશિષ પણ કરતાં જ હશે. કરવેરા ભરતાં પ્રત્યેક નાગરિક જવાબદાર તંત્ર પાસે ઉચિત અપેક્ષા રાખે જ અને રાખવી જ જોઈએ. પણ સિક્કાની બીજી બાજુ જોઈએ તો આપણે આપણો નાગરિક ધર્મ બજાવીએ છીએ? હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. તંત્ર શહેર સ્વચ્છ કરે અને આપણે જ્યાં ત્યાં કરારાના ઢગલા કરતા રહીએ!
નવા ને નવા બ્રીજ પર જ્યાં ત્યાં પાનની પીચકારી મારી એને રંગી નાંખીએ, વાહનવ્યવહારમાં નિયમોનું પાલન નહીં કરીએ, (હું વહેલી નીકળી જાઉં) ઓવરટેકનો અયોગ્ય નિર્ણય લઈએ, ગટરોમાં ગુટખાની પડીકી અને પ્લાસ્ટીકની કોથળી નાંખી ગટર ભરી દઈએ, પાલતુ શ્વાનને જ્યાં ત્યાં લઘુશંકા, ગુરુશંકા કરાવી અન્યના ઘરના આંગણાં દૂષિત કરીએ, પાણીનો બગાડ કરીએ, જેને તાપી માતા કરી પૂજીએ છીએ એને દૂષિત કરીએ, બ્રીજ પર ગંદકી કરીએ, રોંગસાઈડ આવી અકસ્માત સર્જીએ, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડીએ, રેલવે ટ્રેક પર કચરો ઠાલવીએ વિ. અનેક અનુચિત બાબતો પ્રજા દ્વારા જ કરવામાં આવે છે. તો તંત્ર પાસે અપેક્ષા રાખીએ તો પ્રજાએ પણ નાગરિક ધર્મનું પાલન કરવું જરૂરી. તાળી બે હાથે જ વાગે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.