Charchapatra

નીતીશકુમારનું રાજકીય ભવિષ્ય શું?

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર કે જે વિકાસ પુરુષમાંથી પલટુરામ બની ગયા છે એમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું થતું જાય છે. બિહારમાં ૨૦૨૨માં તેઓ આઠમી વાર મુખ્યમંત્રી બન્યા પણ જે રીતે એમણે યુપીએ અને એન્ડીએમાં આવનજાવન કરી છે એમાં એમની પ્રતિષ્ઠા ભાંગીને ભુક્કો થઇ ગઈ છે. ભાજપ સાથે રહી સત્તા પર તો એ ટકી રહ્યા છે પણ એમનો જનાધાર સતત ઘટતો જાય છે. છેલ્લી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનાં પરિણામો એ સ્પષ્ટ કરી દે છે  અને હવે સરકારી તંત્ર પર એમનો કાબૂ રહ્યો નથી એ પણ દીવા જેવું સ્પષ્ટ બનતું જાય છે.

હમણાં એક સરકારી સમારંભમાં એમણે જે વાત કરી એ દર્શાવે છે કે, અધિકારીઓ પર એમનો કાબૂ નથી. જેપી ગંગા પથના ઉદ્ઘાટન વેળા એમણે અધિકારીઓને કહ્યું કે, કહો તો તમારે પગે પડીએ. કોઈ મુખ્યમંત્રી આ રીતે વાત કરે એનો અર્થ શું સમજવો? કામમાં થતા વિલંબથી એ નારાજ હતા અને અધિકારીઓ તરફ આગળ વધ્યા ત્યારે અધિકારીઓએ એમ ના કરવા વિનંતી કરી. આ સ્થિતિ થઇ છે બિહારના વિકાસની.

બિહાર બેકારીમાં અગ્રસર છે અને છેલ્લા થોડા સમયમાં ૧૨ પુલ તૂટવાની ઘટના બતાવે છે કે, આ રાજ્યમાં ભ્રષ્ટાચાર પણ ફૂલ્યોફાલ્યો છે. એક વેળા સુશાસન બાબુની છાપ હતી અને આજે નીતીશકુમારની ઈમેજમાં ગાબડાં પડી ગયાં છે. નીતીશકુમારે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે એમને ભાજપ સાથે જવાથી નુકસાન વધુ થયું છે કે લાલુ યાદવ સાથે જવાથી. બીજું કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણીને બહુ સમય બાકી નથી અને આ વેળા બહુપાંખિયો જંગ થવાનો છે. તેજસ્વી યાદવ રાજ્યમાં યાત્રા કરીને માહોલ સર્જી રહ્યા છે.

બીજી બાજુ  પીકે કે જે એમની રાજકીય સફળતામાં સફળ વ્યૂહકાર હતા આજે એ એમની સામે છે અને એમની પાર્ટી આગામી ચૂંટણીમાં બધી બેઠકો લડવાની છે. પ્રશાંત કિશોરે બધી બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે અને ભાજપ ધીરે ધીરે મજબૂત બનતો જાય છે. ચિરાગ પાસવાનનું મહત્ત્વ એનડીએમાં વધ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, નીતીશકુમાર ઘણા સમયથી બિહારને સ્પેશ્યલ સ્ટેટસ માટે માગણી કરી રહ્યા છે. એનડીએમાં એકથી વધુ વાર હિસ્સો રહ્યા છતાં એમની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય બજેટ આ માસના અંતમાં રજૂ થવાનું છે અને નીતીશે ફરી ખાસ પેકેજ માગ્યું છે અને બજેટમાં બિહારને કઈ રીતે એડ્રેસ કરવામાં આવે છે એ જોવાનું છે. નીતીશની માગણી ના સ્વીકારાઈ તો એવું સમજવું પડશે કે, મોદી સરકાર એમને બહુ મહત્ત્વ આપવા માગતા નથી. કદાચ નીતીશ માટે આગામી ચૂંટણી છેલ્લી ચૂંટણી બનવાની છે અને એમાં એ કેટલા સફળ રહે છે એના પર એમની રાજકીય કારકિર્દીનો આધાર છે.

નાયડુની માગણી મંજૂર
એક બાજુ નીતીશકુમારની માગણીઓ પ્રત્યે કેન્દ્ર સરકાર કોઈ ફોડ પાડતી નથી અને બીજી બાજુ આંધ્રના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આંધ્રમાં પેટ્રો રીફાઈનરી સ્થાપવા માટે ૬૦,૦૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આંધ્રમાં ત્રણ સ્થળ ઓળખવામાં આવ્યાં છે એમાંથી કોઈ એકની પસંદગી થશે. ચંદ્રાબાબુએ ખુદે ટ્વીટ કર્યું છે કે આ મુદે્ એમની બીપીસીએલ સાથે વાત થઇ ચૂકી છે અને બજેટમાં આ મુદે્ કોઈ જાહેરાત થાય એવી પૂરી શક્યતા છે.

આંધ્ર માટે આ બહુ મોટી યોજના બની રહેવાની છે અને નાયડુ માટે આ એક મોટી જીત પણ ગણાશે. નાયડુ જે રીતે આંધ્રમાં ભારે બહુમતી સાથે સત્તામાં આવ્યા છે અને લોકસભામાં પણ પ્રતીતિજનક જીત મેળવી છે અને નાયડુ સાથેના જોડાણથી ભાજપને પણ ફાયદો થયો છે. દક્ષિણમાં ભાજપની સ્થિતિ કૈંક મજબૂત થઇ એમાં આંધ્રનો ફાળો ખાસ્સો છે. બીજી બાજુ નીતીશકુમાર નાયડુ જેવી મજબૂત સ્થિતિમાં નથી એટલે મોદી સરકાર એમની માગણીઓ પ્રત્યે કૂણું વલણ દાખવે એવી શક્યતા ઓછી છે અથવા તો માગણીઓ પૂરી ના સંતોષે એવું પણ બને.

મમતા બેનર્જીની જીત

પશ્ચિમ બંગાળની એક અરજ સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. મોદી સરકાર પર છેલ્લા થોડા સમયથી કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ કરે છે એવા આક્ષેપ થાય છે અને એમાં વિપક્ષી રાજ્યોએ સીબીઆઈ તપાસ સામે વિરોધ કર્યો અને માગણી કરી કે, રાજ્યની મંજૂરી વિના કેન્દ્ર સીબીઆઈની તપાસ એ રાજ્યમાં ના કરી શકે. પણ મોદી સરકારે બંગાળ જ નહીં, દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ સીબીઆઈ તપાસ શરૂ કરી છે અને એનો વિપક્ષી રાજ્યોએ વિરોધ કર્યો છે.

પણ કેન્દ્ર સરકારે એની અવગણના કરી હતી અને બંગાળ સરકાર આ મુદે્ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને કોર્ટે એમની અરજ સ્વીકારી છે અને કહ્યું છે કે, સીબીઆઈ કેન્દ્રની એજન્સી છે અને એ કોઈ રાજ્યમાં તપાસ કરે તો રાજ્યની મંજૂરી જરૂરી છે કે નહિ એ મુદે્ હવે સુપ્રીમમાં સુનાવણી થવાની છે. મમતા બેનર્જીની એક પ્રકારે આ જીત છે અને સુપ્રીમે એમની વાત સ્વીકારી તો કેન્દ્ર માટે , મોદી સરકાર માટે એ મોટા ઝટકા સમાન હશે. કેટલીક બાબતોમાં સીબીઆઈ તપાસ માથે ઠોકી બેસાડવામાં આવે છે અને જે તે રાજ્યની સત્તાની દરકાર કરવામાં આવતી નથી અને આવું વિપક્ષી રાજ્યોમાં જ બને છે એવું આપણે જોયું છે ત્યારે આ કેસ મહત્ત્વનો બની જવાનો છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top