એક નાનકડા છોકરાએ માતા-પિતાને પ્રશ્ન કર્યો ‘ધ્યાન એટલે શું?’ માતા પિતા તેને બરાબર સમજાવી ન શક્યા એટલે માતા પિતા પોતાના દીકરા અને તેના પ્રશ્નને લઈને રમણ મહર્ષિ પાસે ગયા. નાનકડા છોકરાએ રમણ મહર્ષિને પૂછ્યું, ‘ધ્યાન એટલે શું?’ પહેલા રમણ મહર્ષિએ મનમાં જ હસ્યા પછી હસીને છોકરા સામે જોયું અને આશ્રમના રસોડામાંથી છોકરા માટે એક ઢોસો મંગાવ્યો. કેળના પાન પર ગરમ ઢોસો આવ્યો.
રમણ મહર્ષિએ છોકરાને કહ્યું, ‘જો હું જ્યારે પહેલીવાર ઓમ બોલીશ ત્યારે તું ઢોસો ખાવાનું શરૂ કરજે અને હું જ્યારે બીજીવાર ઓમ બોલું ત્યારે તારો ઢોસો ખવાઈ જવો જોઈએ. જો તું બરાબર બે વાર ઓમ બોલું તે પહેલા ઢોસો પૂરો કરીશ તો હું તને ધ્યાનનો અર્થ બરાબર સમજાવીશ.’ છોકરો તૈયાર થઈ ગયો ઢોસો તેની સામે જ હતો જેવું રમણ મહર્ષિએ પહેલીવાર ઓમ કહ્યું એટલે તે ફટાફટ ઢોસો ખાવા લાગ્યો. છોકરો મોટા મોટા ટુકડા કરી ઢોસાના કોળિયા ભરતો હતો… અને સતત તેનું ધ્યાન રમણ મહર્ષિના અવાજ પર જ હતું.
લગભગ ઢોસો પૂરો થવા આવ્યો… જરાક બાકી હતો… છોકરાનું ધ્યાન અવાજ પર જ હતું… જેવું રમણ મહર્ષિ ઓમ બોલ્યા. છોકરાએ છેલ્લો કોળીયો ખાઈને ઢોસો પૂરો કર્યો. હવે રમણ મહર્ષિએ તેને પાસે બોલાવીને કહ્યું, ‘સાચું કે જે તારું ધ્યાન ક્યાં હતું? મારા અવાજ પર કે ઢોસા ઉપર??’ છોકરાએ ભોળા ભાવે જવાબ આપ્યો, ‘બંને ઉપર!!’ મહર્ષિ બોલ્યા, ‘તો તું ફટાફટ ઢોસો પૂરો કરવામાં લાગ્યો હતો. સાથે સાથે તારું ધ્યાન મારા પર પણ હતું. બીજે ક્યાંય નહીં બરાબર?? આવી જ રીતે જ્યારે આપણે દિનભર કાર્યો કરીએ છીએ ત્યારે કામ કરતા કરતા ધ્યાન અને વિચારો પ્રભુમય રાખીએ તેને ધ્યાન કહે છે.
સમજ હમણા બે ઓમના અવાજએ જન્મ અને મૃત્યુ છે અને આ જન્મ અને મૃત્યુ વચ્ચેની જિંદગીમાં દરેક કાર્ય કરતા કરતા પ્રભુને સાથે રાખીએ… પ્રભુમય રહીએ… પ્રભુ નામ લઈએ કે પ્રભુને યાદ કરીએ એ ધ્યાન છે. રમણ મહર્ષિ એ આ રીતે ધ્યાન એટલે શું સરળતાથી સમજાવ્યું. આ રીતે જીવન જીવવા માટે આપણને ઈશ્વર કૃપા અને સદગુરુનું માર્ગદર્શન અને સાથેસાથે આપણામાં નમ્રતા તથા સમજશક્તિ જોઈએ ત્યારે ધ્યાનનો અર્થ સમજી શકાય અને ધ્યાન કરી શકાય.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.