એક દિવસ રમણ મહર્ષિ પાસે દસ વર્ષનો તેજસ્વી બાળક આવ્યો અને તેમને પ્રણામ કરી પોતાની જિજ્ઞાસા તેમની સામે મૂકી કહ્યું, ‘‘મહર્ષિ શું તમે મને સમજાવશો આ કર્મયોગ એટલે શું?’’ માતા-પિતાને પૂછું છું તો તેઓ કહે છે કે ‘‘તારે આ વિષય પર કંઈ વિચારવાની જરૂર અત્યારે નથી. જયારે તું મોટો થઈશ ત્યારે તને આપોઆપ સમજ પડશે કે કર્મયોગ શું છે.’’ બાળકના મોઢે આવો અઘરો સવાલ સાંભળીને રમણ મહર્ષિ બોલ્યા, ‘‘હું તને આ સવાલનો જવાબ આપીશ પણ હમણાં તું મારી પાસે શાંતિથી બેસી જા.’’
બાળક તેમની આજ્ઞા પ્રમાણે તેમની પાસે જઈને બેસી ગયો. થોડા સમય પછી ત્યાં એક વ્યક્તિ ઢોસા લઈને આવ્યો અને રમણ મહર્ષિનાં ચરણોમાં ઢોસા ભરેલો થાળ મૂકી દીધો. રમણ મહર્ષિ કોઇ પણ વસ્તુ એકલા સ્વીકારતા ન હતા એટલે તેમણે એક ઢોસો પેલા બાળકને આપ્યો. પોતે ઢોસાનો એક નાનકડો ટુકડો લીધો અને બાકી બધા ઢોસા ત્યાં ઉપસ્થિત બધાની વચ્ચે વહેંચી દેવા માટે શિષ્યોને કહ્યું.
હવે તેમણે પોતાની પાસે બેઠેલા પેલા બાળકને કહ્યું, ‘‘હવે હું જ્યાં સુધી આંગળી ઊંચી કરીને ઈશારો ન કરું ત્યાં સુધી તો ઢોસો ખાતો રહેજે અને હા ધ્યાન રાખજે કે હું જયાં સુધી ઈશારો કરું નહિ ત્યાં સુધી તારો ઢોસો પૂરો થવો ન જોઈએ અને હું જયારે આંગળી ઉઠાવી સંકેત આપું ત્યારે પાતલમાં જરા પણ ઢોસો બચવો ન જોઈએ. તે ક્ષણે જ ઢોસો પૂરો થઈ જવો જોઈએ સમજ્યો.’’
બાળક હોશિયાર હતો. મહર્ષિની વાત તેણે બરાબર સમજી લીધી અને પૂરેપૂરી એકાગ્રતા સાથે તેણે પોતાની નજર રમણ મહર્ષિની આંગળી પર ટેકવી દીધી. તેના હાથ ઢોસો તોડતા હતા અને મુખથી તે ઢોસો ખતો હતો પણ તેની નજર એકધારી મહર્ષિની આંગળી પર કેન્દ્રિત હતી. બલકે પહેલાં મોટા મોટા કોળિયા ભર્યા, પછી વધુ ઢોસો ન બચતાં તેણે નાના નાના કોળિયા ભરવાનું શરૂ કર્યું અને જેવી મહર્ષિએ આંગળી ઊંચી કરી સંકેત આપ્યો તેણે બચેલો ઢોસો એક જ કોળિયામાં મોઢામાં મૂકી દીધો જેથી પાતલમાં કંઈ જ ન બચે.
બાળકની પ્રતિક્રિયા જોઇને મહર્ષિ હસ્યા અને બોલ્યા, ‘‘આ તેં જે કર્યું તે જ વાસ્તવિક કર્મયોગ છે!’’ બાળકને કંઈ સમજાયું નહિ. મહર્ષિએ આગળ સમજાવતાં કહ્યું, ‘‘જો, જયારે તું ઢોસો ખાઈ રહ્યો હતો ત્યારે તારી નજર, તારું ધ્યાન કેવળ મારી પર હતું. ઢોસાના કોળિયા ભરતી વખતે પણ તું મને જ જોઈ રહ્યો હતો. બરાબર એવી જ રીતે સંસારનાં બધાં જ કાર્ય અને વ્યવહાર કરતાં કરતાં પોતાના મન અને મગજને ઈશ્વર અને ગુરુ પર કેન્દ્રિત રાખજે. હંમેશા ઈશ્વરને સમર્પિત રહીને પોતાનાં બધાં કર્તવ્યો પૂર્ણ કરજે. આ વાસ્તવિક કર્મયોગ છે.’’