Charchapatra

શ્રીલંકામાં જે બની રહ્યું છે તે ભવિષ્યમાં ભારતમાં પણ બની શકે છે

૨.૨ કરોડની વસતિ ધરાવતું શ્રીલંકા અંધાધૂંધીમાં ધકેલાઈ ગયું તેની પાછળ તેની સરકારની દેવું કરીને જલસા કરવાની આર્થિક નીતિ જવાબદાર હતી. શ્રીલંકાની સરકાર બજેટમાં ખાધ હોય તો તેને નોટો છાપીને પૂરી કરતી અને કરન્ટ એકાઉન્ટની ખાધ વિદેશોમાંથી ડોલર ઉધાર લઈને પૂરી કરતી. આ કારણે તેના હૂંડિયામણના ભંડારો ખાલી થતા ગયા. શ્રીલંકાનું અર્થતંત્ર આયાત પર આધારિત હતું. આયાત કરતાં નિકાસ ઓછી હતી. શ્રીલંકા ખનિજ તેલ ઉપરાંત અનાજ, કઠોળ, શાકભાજી અને ફળફળાદિની આયાત કરીને પોતાનું ગાડું ગબડાવતું હતું. આયાત-નિકાસ વચ્ચેની ખાઈ પૂરવા માટે પર્યટન વ્યવસાયમાંથી મળતા ડોલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તદુપરાંત શ્રીલંકાના ગરીબ મજૂરો ગલ્ફના દેશોમાં નોકરી કરીને જે હૂંડિયામણ મોકલતા તેના થકી આયાત-નિકાસ વચ્ચેની ખાઈ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવતા હતા. ૨૦૧૯ ના ઇસ્ટરમાં શ્રીલંકામાં જે બોમ્બ ધડાકા થયા તેને કારણે પર્યટન વ્યવસાય ખોરવાઈ ગયો. અધૂરામાં પૂરું કોરોના આવ્યો. વિદેશી ટુરિસ્ટો આવતા બંધ થયા તેને કારણે હૂંડિયામણના ભંડારો ખાલી થવા લાગ્યા.

શ્રીલંકાની સરકારે કોરોનાને કારણે નાખવામાં આવેલા લોકડાઉનનો બહુ કડકાઇથી અમલ કરાવ્યો. લાખો લોકો બેકાર બન્યા, ઉત્પાદન ખોરવાઈ ગયું અને અર્થતંત્ર પણ સ્થગિત બની ગયું. લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે લશ્કરને છૂટો દોર આપવામાં આવ્યો, તેને કારણે સરકાર અળખામણી બની. વધી રહેલા ફુગાવાને કારણે લોકોનો સરકાર પરથી વિશ્વાસ જ ઊઠી ગયો. હૂંડિયામણની તંગીને કારણે પેટ્રોલિયમ પેદાશોનું રેશનિંગ કરવામાં આવ્યું. તેને કારણે પાવર કટ આવ્યો અને પેટ્રોલ પમ્પો પર લાંબી લાઇનો લાગવા માંડી. હવે સરકારને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા મજબૂર થવું પડશે, જેને કારણે શ્રીલંકાની સ્વતંત્રતા પણ જોખમાઈ જશે.

શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે ક્રમશ: કથળતી ગઈ અને કટોકટીમાં રૂપાંતરિત થઈ ગઈ તેનો અભ્યાસ કરીને ભારતની પરિસ્થિતિ સાથે તેની સરખામણી કરવા જેવી છે. ૨૦૨૦ ના માર્ચમાં કોરોના આવ્યો તે પછી ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રીલંકાનો દરજ્જો ઉતારી કાઢવામાં આવ્યો, જેને કારણે શ્રીલંકામાં આવતો વિદેશી મૂડીનો પ્રવાહ અટકી ગયો. વિદેશી મૂડીનો પ્રવાહ અટકી ગયો, પણ આયાત ચાલુ જ રાખવામાં આવી. તેને કારણે બે વર્ષમાં શ્રીલંકાના વિદેશી હૂંડિયામણના ભંડારો ૭૦ ટકા જેટલા ઘટી ગયા. આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના આંકડા મુજબ શ્રીલંકા પાસે ૨.૩૧ અબજ ડોલરનું રિઝર્વ ફંડ હતું, પણ ૨૦૨૨ માં જ તેણે ૪ અબજ ડોલરનું દેવું ચૂકવવાની જરૂર છે. શ્રીલંકાની સરકારનું વિદેશી દેવું ૧૨.૫૫ અબજનું છે, જેમાં ઇન્ટરનેશનલ સોવેરિન બોન્ડનો પણ સમાવેશ થાય છે. તે પૈકી એક અબજ ડોલરના બોન્ડ તો જુલાઈ મહિનામાં પાકે છે. જો સરકાર તેની ચૂકવણી નહીં કરી શકે તો તેણે દેવાળું ફૂંકવાની નોબત આવશે.

શ્રીલંકાની સરકાર દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઉપરાંત જપાન અને ચીન જેવા દેશો પાસેથી પણ લોન લેવામાં આવી છે. તેણે ચીન પાસેથી ૨.૮ અબજ ડોલરની લોન લીધી છે. ચીને શ્રીલંકાનું બંદર વિકસાવવા માટે મોટી લોન આપી હતી. આ લોન શ્રીલંકા ચૂકવી શકે તેમ ન હોવાથી તેણે ચીનને આખું બંદર લીઝ પર આપી દેવું પડ્યું. આ રીતે ચીન લોન આપીને ભારતના પડોશી દેશમાં પોતાના પગ પહોળા કરી રહ્યું છે. તેમ છતાં શ્રીલંકાની મજબૂરી છે કે તેણે ચીન પાસે બીજા ૨.૫ અબજ ડોલરની લોન માગી છે. ભારતે પણ શ્રીલંકાને ૫૦ કરોડ ડોલરના ડિઝલના રૂપમાં શ્રીલંકાને લોન આપી છે. બીજા એક અબજ ડોલરની સહાય આપવાનું ભારતે વચન આપ્યું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોઈ પણ રીતે શ્રીલંકાને દેવાના વિષચક્રમાં ફસાવી દેવા માગે છે. આ કારણે ઇન્ટરનેશનલ નિષ્ણાતો સરકારને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવાનું દબાણ કરી રહ્યા છે. શ્રીલંકાના વિરોધ પક્ષો પણ તેમાં જોડાયા છે. જો શ્રીલંકા લોન લેવા માગતું હોય તો તેણે તેના રૂપિયાનું અવમૂલ્યન કરવું પડે તેમ હતું. ઇન્ટરનેશનલ દબાણ હેઠળ શ્રીલંકાએ તેમ કર્યું તો ત્યાં મોંઘવારી કાબૂ બહાર વધી ગઈ. હવે શ્રીલંકાની સરકારે લોન લેવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે મંત્રણાઓ ચાલુ કરી છે. કોલંબોમાં જે સરકારવિરોધી દેખાવો ચાલી રહ્યા છે, તેને કારણે પણ સરકાર પર લોન લેવાનું દબાણ વધી ગયું છે. જો રાજાપેક્ષાની સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા તૈયાર નહીં થાય તો તખતાપલટ કરીને વિપક્ષોને સત્તા પર લાવવામાં આવશે.

શ્રીલંકામાં જે વર્તમાન કટોકટી પેદા થઈ છે તે સંપૂર્ણપણે વિદેશી સત્તાઓ દ્વારા પેદા કરવામાં આવી છે. ૨૦૧૯ માં જે બોમ્બ ધડાકા થયા તેમાં વિદેશી હાથ હતો. તેને કારણે પર્યટન વ્યવસાય ખોડંગાઈ ગયો હતો. પછી જે કોરોના આવ્યો તે પણ વુહાન લેબોરેટરીમાં પેદા કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ દુનિયાના દેશોના અર્થતંત્રને નબળાં પાડી દેવાનો હતો. ભારત જેવા દેશો પાસે અનાજના અને હૂંડિયામણના ભરપૂર ભંડારો હોવાથી તેઓ આ કટોકટીમાંથી હેમખેમ બહાર આવી શક્યા હતા, પણ શ્રીલંકા જેવા નબળા દેશો તેનો શિકાર બની ગયા હતા. ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રીલંકાને ડાઉનગ્રેડ કરીને તેને વિદેશી લોન ન મળે તેનો પાકો પ્રબંધ કરવામાં આવ્યો હતો. વિદેશી લોન મળતી બંધ થવાથી ખનિજ તેલની તંગી પેદા થઈ હતી. તેને કારણે પાવરકટ આવ્યો હતો. સરકારે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ પર પ્રતિબંધ મૂકીને દેશને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ લઈ જવાનો સાચી દિશાનો પ્રયાસ કર્યો હતો. તેને કારણે હૂંડિયામણની બચત થતી હતી, પણ અનાજનું ઉત્પાદન ઘટી ગયું તેવો ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. તેને કારણે સરકારને ઓર્ગેનિક ફાર્મિંગની નીતિ બદલવાની ફરજ પડી હતી, જેની પાછળ પણ વિદેશી કંપનીઓનો હાથ હતો.

જો ગંભીરતાથી વિચારીએ તો ભારતની આર્થિક નીતિ અને શ્રીલંકાની આર્થિક નીતિ વચ્ચે ઝાઝું અંતર નથી. ભારતમાં પણ આયાત-નિકાસ વચ્ચે મોટી ખાઇ છે. તાજેતરમાં ભારત સરકારે ૪૦૦ અબજ ડોલરની નિકાસનો વિક્રમ કર્યો હોવાની જાહેરાત કરી હતી, પણ તે દરમિયાન ૫૮૮ અબજ ડોલરની આયાત કરવાની વાત જાહેર કરી નહોતી. ભારતની આયાત-નિકાસ વચ્ચેની ખાઈ ૧૮૮ અબજ ડોલર જેટલી છે. આ ખાઈ વિદેશી લોન લઈને, વિદેશી રોકાણો દ્વારા અને દરિયાપાર રહેતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા ડોલર દ્વારા પૂરી કરવામાં આવે છે. જો આવતી કાલે વિશ્વયુદ્ધ થાય અને વિદેશ વસતા ભારતીયો વતન પાછા ફરે તો હૂંડિયામણનો પ્રવાહ સૂકાઈ જાય.

ભારત સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષથી ગરીબોને મફત અનાજ આપીને અનાજનો બફર સ્ટોક ખાલી કરવામાં આવી રહ્યો છે. જો ભારતમાં એકાદ ચોમાસું પણ નબળું જાય તો ભારતે પણ અનાજની આયાત કરવી પડશે. દરમિયાન સરકાર જો હૂંડિયામણ ખાલી કરી કાઢે તો ભારતમાં પણ કટોકટી આવી શકે છે. શ્રીલંકાની જેમ ભારતમાં પણ ફુગાવો કાબૂ બહાર જઈ રહ્યો છે. જો આવશ્યક ચીજોના ભાવો વધવા લાગે તો ભારતમાં પણ લોકો રસ્તા પર આવી જાય તેમ છે. સરકાર જ્યાં સુધી દેવું કરીને જલસા કરવાની નીતિ નહીં બદલે ત્યાં સુધી દેશ આત્મનિર્ભર બની શકશે નહીં.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top