Comments

મહારાષ્ટ્રમાં આ શું થઈ રહ્યું છે!

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીને તોડી ભાજપે સરકાર બનાવી છે ત્યારથી એ સરકાર કેટલી ચાલશે? એ પ્રશ્ન પૂછાતો રહ્યો છે પણ રગડધગડ આ સરકાર ચાલતી રહી છે  અને હવે તો વર્ષના અંત પહેલાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એ પહેલાં એનડીએ સરકારમાં ભંગાણના આસાર નજો પડવા લાગ્યા છે. એવાં નિવેદનો આવે છે કે, એ દર્શાવે છે કે, આ કજોડું છે અને એ કજોડું જ રહેવાનું છે. ગૃહ મંત્રી અમિત શાહે મુંબઈમાં એક સભામાં શરદ પવાર પર વાર કર્યો અને ભ્રષ્ટાચાર મુદે્ સંભળાવ્યું. આ આક્ષેપ તો બહુ બકવાસ હતો. કારણ કે, શિવ સેના અને એનસીપીનાં જે લોકો ભાજપ સાથે આવ્યાં એમની સામે જ અનેક કેસ ચાલતા હતા. એમાં અજીત પવાર પણ આવી જાય. એટલે ભાજપ કોઈ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે તો એ હાસ્યાસ્પદ લાગે છે.

બીજી બાજુ, અજીત પવારને જે મળવું જોઈતું હતું એ નથી મળ્યું એનો ધોખો મનમાં છે. હમણાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવન પર લખાયેલા પુસ્તકના વિમોચન સમારંભમાં શિંદે સાથે બંને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર પણ હાજર હતા અને ત્યારે અજીત પવારે હળવાશમાં વાત કહેલી પણ એમાં એમની મનસા  ઝળક્તી હતી. પવારે એમ કહ્યું કે, મને મુખ્યમંત્રીપદની ઓફર કરી હોત તો આખી એનસીપીને હું લાવી શક્યો હોત. હું તો 1990માં ધારાસભ્ય બની ગયો હતો પણ દેવેન્દ્ર 1999માં અને શિંદે તો છેક 2004માં ધારાસભ્ય બન્યા તો ય બંને મુખ્યમંત્રી બન્યા. હું પાછળ રહી ગયો. જો કે, દેવેન્દ્રે પણ હળવાશમાં જવાબ આપ્યો કે, હું મુખ્યમંત્રી બન્યો , વિપક્ષનો નેતા બન્યો અને ઉપમુખ્યમંત્રી બન્યો. તમે ય ઉપમુખ્યમંત્રી બન્યા, વિપક્ષના નેતા બન્યા અને મારી જેમ આજે ઉપમુખ્યમંત્રી  છો.

આ વાત તો હળવાશમાં થયેલી પણ એનડીએ સરકારમાં બધું બરાબર નથી એવું વધુ એક વાર જણાયું છે. અજીત પવાર તો ભાજપ માટે ગળાનું હાડકું બની ગયા છે. એમાં અનિલ દેશમુખ અને  અન્ય નેતાએ જે આક્ષેપો કર્યા એ ગંભીર છે. એમણે કહ્યું કે, ઠાકરે પિતા પુત્ર સામે ખોટા કેસ થઈ શકે છે. આ મુદે્ ઉધ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર વચ્ચે બોલાચાલી થઈ. ઠાકરે તો કહ્યું કે, હવે રાજકારણમાં કાં હું , કાં તું .. તો દેવેન્દ્રે કહ્યું કે, હું ફાડતૂસ નહીં કારતૂસ છું અને એ ય જીવતો કારતૂસ. દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં આવી સરકાર ચાલે છે. એ કમનસીબ છે. એમવીએની સરકારમાં પણ આવું બન્યું હતું અને હવે એનડીએ સરકારમાં એવું જ બની રહ્યું છે. ઓકટોબરમાં વિધાનસભાની ચૂંટણી છે એમાં પ્રજા સ્પષ્ટ ચુકાદાઓ આપે એ જરૂરી છે. મહારાષ્ટ્ર માટે જ નહીં પણ દેશ માટે પણ.

ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા
ગુજરાતમાં કોંગ્રેસ મૃત:પ્રાય હાલતમાં છે. બાકી હતું તો વિધાનસભાની ચૂંટણીમાં આપે જે રીતે કોંગ્રેસના વોટ શેરમાં ગાબડું પાડ્યું અને કોંગ્રેસ માત્ર 19 બેઠક પર આવી અટકી અને એ પછી પણ કેટલાક ધારાસભ્ય ભાજપમાં ગયા. કોંગ્રેસને હવે વધુ શું નુકસાન થઈ શકે? જો કે, લોકસભામાં એક બેઠક કોંગ્રેસે મેળવી અને ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી લોકસભામાં ગયાં. આ ઘટના બાદ કોંગ્રેસમાં થોડી જાન  આવી છે.

અને એ પછી ગુજરાતની કેટલીક ઘટનાઓ સંદર્ભે કોંગ્રેસે લોકોની વચ્ચે જઇ આંદોલન કર્યું અને એ કારણે કોંગ્રેસ બેઠી થવા તૈયાર થઈ રહી છે એવું લાગ્યું. હવે એ જ વાતનો સિલસિલો આગળ વધે એ માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા શરૂ થઈ છે. મોરબી , રાજકોટ , વડોદરા અને સુરતની ગમખ્વાર ઘટના મુદે્ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે એ માટે આ યાત્રા થવાની છે. સૌરાષ્ટ્રમાં થઈ વાયા વિરમગામ એ યાત્રા અમદાવાદ પહોંચશે અને રાજકોટ અને અમદાવાદમાં જાહેર સભા થવાની છે. રાહુલ ગાંધીની બે યાત્રાથી રાહુલની ઇમેજ ઊજળી થઈ છે અને કોંગ્રેસનો સ્કોર લોકસભામાં 99 પર પહોંચ્યો છે. હવે આ જ યાત્રા દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાનું આયોજન છે. રાજકોટમાં ગેમ જોનમાં જે બન્યું અને એ મુદે્ કોંગ્રેસ દ્વારા આંદોલન થયું. રાજકોટ બંધનું એલાન અપાયું એ કારણે લોકોને એમ લાગ્યું કે, કોંગ્રેસ લોકોના મુદે્ અવાજ ઉઠાવી રહી છે.

અને હા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ અને જાગૃત – લડાયક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મુદા્ઓ પર બોલકો અવાજ રજૂ કર્યો છે અને એ કારણે ભાજપે જવાબ આપવો પડ્યો છે. હવે ન્યાયયાત્રાના કારણે ભાજપ માટે નવો પડકાર ઊભો થશે. જો કે, આ જ દિવસોમાં ભાજપ દ્વારા ઘર ઘર ત્રિરંગાનો કાર્યક્રમ શરૂ થયો છે. એટલે સમાંતરે કાર્યક્રમ ચાલશે. સવાલ એ છે કે,  કોંગ્રેસની આ યાત્રા રાહુલની અન્ય યાત્રા જેવી સફળ થશે? જો આ યાત્રા ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે એ જરૂરી છે. કારણ કે, ગુજરાતમાં લાંબા સમયથી ભાજપ સત્તા પર છે અને વિપક્ષ સાવ નબળો પડ્યો છે. કોંગ્રેસ મજબૂત થાય એ લોકશાહી માટે જરૂરી છે. એવું થશે ખરું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top