એક દિવસ નાનકડા સાગરે દાદીના શબ્દો સાંભળ્યા કે લોભ કરવો જોઈએ નહિ.તે સમજી ન શક્યો કે લોભ એટલે શું? તે તેની મમ્મી પાસે ગયો અને મમ્મીને પૂછ્યું, ‘મમ્મી,દાદીમા વાત કરતાં હતા કે લોભ કરવો જોઈએ નહિ પણ મને સમજાતું નથી કે લોભ એટલે શું? મમ્મી વિચારમાં પડી કે આ નાના બાળકને લોભ વિષે કઈ રીતે સમજ આપવી. થોડું વિચાર્યા બાદ કહ્યું, ‘કાલે હું તને નજીકમાં આવેલી ચોકલેટ ફેકટરીમાં લઇ જઈશ અને ત્યારે સમજાવીશ.’
બીજે દિવસે સાગરને લઈને મમ્મી ચોકલેટ ફેકટરીમાં ગઈ. રસ્તામાં જતાં જતાં તેણે સાગરને કહ્યું, ‘જો ચોકલેટ ફેક્ટરીમાં બહુ જ સરસ ચોકલેટ બને છે.તને ચોકલેટ ખાવાનું મન થશે જ પણ હું તને કોઈ પણ એક જ ચોકલેટ અપાવીશ અને તે પણ તારે જાતે જોઇને એક વારમાં પસંદ કરવી પડશે.જો એ ચોકલેટ મશીનથી તું આગળ વધી જઈશ પછી તે ચોકલેટ લેવા પાછો નહિ જઈ શકે.આગળ જ જે ચોકલેટ હશે તેમાંથી તારે ચોકલેટ લેવી પડશે. સાગરે હા પાડી અને મનમાં નક્કી કર્યું ચોકલેટ મારે પસંદ કરવાની છે ને સૌથી મોટી ચોકલેટ પસંદ કરીશ.
સાગર અને તેની મમ્મી ચોકલેટ ફેકટરીમાં પહોંચ્યાં. ચોકલેટ ફેકટરીમાં પહેલા મશીનમાં જ મોટી ચોકલેટ બનતી હતી અને બાજુના મશીનમાં સોનેરી કાગળમાં પેક થતી હતી.ચોકલેટ જોતાં જ સાગરના મોં માં પાણી આવ્યું કે આ ચોકલેટ જ લઇ લઉં પણ પછી વિચાર્યું કે આગળ હજી મોટી ચોકલેટ બનતી હશે તો અને સાચે જ બે મશીન આગળ જતાં ત્યાં ઘણી મોટી ચોકલેટ બનીને પેક થતી હતી. સાગર મનમાં રાજી થયો.હજી આગળ એથી મોટી હશે જ એમ વિચારી તેણે તે ચોકલેટ પણ ન લીધી અને જેમ જેમ ચોકલેટ ફેકટરીમાં આગળ જતાં ગયાં તો હવે જે આગળ જોઈ હતી તેનાથી નાની ચોકલેટો બનતી હતી.સાગર વિચારવા લાગ્યો મેં પેલી મોટી ચોકલેટ લઇ લીધી હોત તો સારું હતું.
પછી તેણે મનમાં નક્કી કર્યું કે હવે પછીના મશીન પર જે હશે તે ચોકલેટ તે લઇ લેશે અને આગળ વધ્યો.જોયું તો હવે પછીનાં ત્રણ મશીન બંધ હતાં અને સાગર એક પણ ચોકલેટ લઇ ન શક્યો. મમ્મીએ સાગરને કહ્યું, ‘જો દીકરા તને પહેલી મોટી ચોકલેટ જ ગમી હતી પણ તેં વિચાર્યું કે આગળ હજી મોટી મળશે.આગળ મોટી ચોકલેટનું મશીન આવ્યું. તેં આગળ એથી મોટી મળશે એમ વિચારીને તે પણ ન લીધી.આ વિચાર આ લાલચને લોભ કહે છે.’મમ્મીએ સાગરને તેને સમજી તે રીતે લોભનો અર્થ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
