એક સંબંધીનો અડધી રાત્રે ફોન આવે છે. ખૂબ પીડાદાયક સ્વરે જણાવે છે કે ‘‘મને પગમાં ખાસ કરીને અંગૂઠા પર અસહ્ય બળતરા સાથે દુખાવો થઈ રહ્યો છે. જાણે કે ગરમ થઇ ગયો હોય અને સોજો હોય એવું, જાણે કોઈએ ખૂબ ભાર મૂક્યો હોય એવું લાગે છે. સામાન્ય કપડું કે બ્લેન્કેટના નજીવા વજનથી પણ અસહ્ય દુખે છે.’’ ‘‘કાકા, તમારી વાત પરથી ગાઉટ જ લાગે છે. હાલ એક ગોળી લઇ લો બાકી પછી અમુક ટેસ્ટ કરાવી લો, જરૂર લાગશે તો નિષ્ણાત તબીબની સલાહ લઈને આગળ વધજો,’’ મેં પ્રત્યુત્તર આપ્યો. એમણે વળતો સવાલ કર્યો, એ બધું બરાબર પણ આ ગાઉટ એટલે શું? મને તો કંઈ સમજ નથી આ વિશે.
ગાઉટ એ બીજું કંઈ નહીં પણ સંધિવાનું (આર્થ્રાઈટીસ) એક અતિ સામાન્ય અને જટિલ સ્વરૂપ છે. જેના ચિહ્નોમાં આ જે જણાવ્યાં તે તમામનો સમાવેશ થાય છે. ઉપરાંત, બની શકે કે આ દુખાવો, સોજો અને લાલાશ એક કે વધુ જોઈન્ટ/સાંધામાં હોય જેમ કે ઘૂંટણ, એડી, કોણી, કાંડું તથા આંગળીઓના સાંધામાં થઈ શકે. પહેલા 4 થી 12 કલાકમાં દુખાવો ખૂબ વધુ રહેતો હોય છે. ત્યાર બાદ સામાન્ય દુખાવો અમુક અઠવાડિયાં સુધી રહી શકે. જો બરાબર સારવાર ન લો અને વધે તો તમે તમારા સાંધાઓ બરાબર વાળી ન શકો અને એમાં વધુ તકલીફ ઊભી થઈ શકે.
ગાઉટ કેવી રીતે થાય? જ્યારે યુરેટ નામના સ્ફટિકો તમારા સાંધામાં જમા થવા લાગે ત્યારે ગાઉટ થાય છે. સવાલ એ થાય કે આ યુરેટ સ્ફટિક આવ્યા ક્યાંથી? જ્યારે તમારા લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે યુરેટ સ્ફટિક બને છે. યુરિક એસિડ કઈ રીતે બને? તો તમારા શરીરમાં પ્યુરિન નામનો પદાર્થ કુદરતી રીતે રહેલો છે. ઉપરાંત અમુક ચોક્કસ આહારમાંથી પણ પ્યુરિન પ્રાપ્ત થાય છે. જ્યારે આ પ્યુરિન શરીર દ્વારા તૂટે છે ત્યારે યુરિક એસિડ પેદા થાય છે. સામાન્ય રીતે આ યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અને બાકીનું કિડની દ્વારા પેશાબ મારફતે નીકળી જાય છે પરંતુ ક્યારેક શરીર ખૂબ વધુ યુરિક એસિડ પેદા કરે છે અથવા કિડની ખૂબ જ ઓછું બહાર કાઢે છે ત્યારે યુરિક એસિડ ભેગું થતું જાય છે અને તીક્ષ્ણ, સોય જેવા યુરેટ સ્ફટિકો બને છે જે સાંધામાં તથા આજુબાજુની પેશીઓમાં એકઠા થતાં દુખાવો, સોજો તથા બળતરા કરે છે.
જોખમી પરિબળો કયાં છે? આહારમાં લાલ માંસ, શેલફિશ, મદિરાપાન ખાસ કરીને બિયર, અમુક પીણાં કે જેમાં ફ્રૂક્ટોઝ નામની શર્કરા ખૂબ વધુ છે વગેરેનું સેવન ગાઉટનું જોખમ વધારે છે. આ ઉપરાંત વધારે વજન, વારસામાં કોઈકને ગાઉટ હોવો, અમુક દવાઓ, અમુક રોગો જેવા કે હૃદય અને કિડનીના રોગો, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ વગેરે ગાઉટનું જોખમ વધારે છે. સ્ત્રી કરતાં પુરુષમાં આનું પ્રમાણ વધુ છે. પરંતુ મેનોપોઝ બાદ તો સ્ત્રી-પુરુષ બંનેમાં પ્રમાણ લગભગ સરખું છે.
પુરુષોમાં 30 થી 50 માં વધુ વિકસે છે તો સ્ત્રીઓમાં મોટાભાગે મેનોપોઝ બાદ! કોમ્પ્લિકેશન શું છે? કિડની સ્ટોન (પથરી), રી-કરંટ ગાઉટ (અમુક લોકોને ફરી નથી થતો પણ બાકીનાને દર વર્ષે ઘણી વાર આ ગાઉટનો હુમલો થયા કરે છે.) એડવાન્સ્ડ ગાઉટ (વ્યવસ્થિત સારવાર સમયસર ન લેતા યુરેટ સ્ફટિક વધુ જમા થઈ જાય તો ગાઉટના આ સ્વરૂપનો સામનો કરવો પડે)
આ બધું સમજી લેતાં દર્દી બીજા દિવસે એક સરસ પ્રશ્ન કરે છે કે આ થાય નહીં કે થાય તો વધુ ન થાય એ રોકવા માટે શું ધ્યાન રાખવાનું? – મદિરાપાન ન કરવું કે મર્યાદામાં કરવું. આપણા ગુજરાતીઓના કેસમાં તો સ્પષ્ટપણે ન કરવું કારણ કે મદિરાપાન અને મર્યાદા અહીંના રહેવાસીઓ માટે વિરોધાભાસી. ત્યાર બાદ ખૂબ વધુ ફ્રૂક્ટોઝ ધરાવતાં મીઠા પીણાં ઓછાં કે ન પીવાં, વધુ પાણી પીવું, પ્યુરિન ધરાવતો આહાર ઓછો લેવો, નિયમિત કસરત કરવી અને વજન ઉતારવા ચાલવું, સાઈક્લિંગ કરવું, સ્વિમિંગ કરવું વગેરે જેવી સાંધા માટે સહેલી અને હળવી કસરત કરવી.
- -:: ઈત્તેફાક્ ::-
- દાટો જમીનમાં કે દીવાલે ચણો તમે,
- કાયા ગળી જશે જ, પણ ગળશે નહીં સમય.
- આવો, હજુ યે આવો કે મોડું નથી થયું;
- હું તો મળું કદાચ, પણ મળશે નહીં સમય!
- – અમર પાલનપુરી