ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે? – Gujaratmitra Daily Newspaper

Comments

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે?

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનનાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે. એમની સામે કોઈ ઉચાટ નથી. પણ પક્ષમાં ઘણો બધો ઉચાટ છે. ધારાસભ્યો તંત્ર સામે અવાજ ઉઠાવે છે. નેતાઓ એક બીજા સામે કાદવ ઉછાળી રહ્યા છે અને એમાં છેલ્લો એપિસોડ જવાહર ચાવડાનો છે. એમણે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે આક્ષેપો કર્યા છે અને એ મુદે્ વડા પ્રધાનને પત્ર લખ્યો અને ત્યારે મોદી ગુજરાતના પ્રવાસે હતા.

આ પત્રમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે ને સાથે એક હોદા પર લાંબા સમય રહેવું અને એકથી વધુ હોદા્ પર રહેવું એ મુદો્ પણ છે અને મજાની વાત એ છે કે, જવાહરના પત્ર પછી પક્ષમાંથી કોઈ સત્તાવાર પ્રતિભાવ પણ અપાયો નથી. મોદી ગુજરાતમાં હતા ત્યારે કેટલાક નેતાઓને મળ્યા છે એમાં એમણે શું કીધું એ કોઈને ખબર નથી. બીજું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું ક્યારે વિસ્તરણ થશે એય સ્પષ્ટ નથી. અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા મૂળે કોંગ્રેસી મંત્રીપદની રાહમાં છે અને કેટલાક ભાજપી પણ આશાવંત છે પણ એમની ઈચ્છાનો છેડાછૂટકો થતો નથી. ગુજરાત ભાજપમાં આંતરિક કલહની ભઠ્ઠીનું તાપમાન વધી ગયું છે એ કોને દઝાડશે?

અરવિંદ કેજરીવાલથી આતિશી : આપનો માસ્ટર સ્ટ્રોક!
દિલ્હીમાં મોદી સરકાર છે એમ દિલ્હી રાજ્યમાં આપ સરકાર છે અને એના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ છે. જેમ મોદીના નામે ભાજપને મત મળે છે એમ જ કેજરીવાલના નામે આપને મત મળે છે. મોદી આઈડિયાના માણસ છે. એ નવા નવા વિચાર આપ્યા કરે છે. કેજરીવાલ પણ લગભગ એકલા હાથે મોદી અને ભાજપ અને કેન્દ્ર સરકાર સામે લડે છે. મોદી ખબર નહીં બધે જીત્યા છે પણ મમતા બેનર્જી અને કેજરીવાલને હરાવી શક્યા નથી અને હવે ફરી વાર કેજરીવાલે ભાજપને માત કરવા શતરંજ બિછાવી દીધી છે, રાજીનામું આપીને.

આ અરવિંદ કેજરીવાલ છે. એ હેમંત સોરેન નથી કે, ધરપકડ થાય એ પહેલાં મુખ્યમંત્રીપદ છોડી દે. હેમંત જેલમાં ગયા અને ચંપઈ મુખ્યમંત્રી બન્યા, હેમંત બહાર આવ્યા અને ચંપઈને દૂર કરાયા તો એ નારાજ થઇ ભાજપ સાથે ગયા. કેજરીવાલે જેલમાં ગયા બાદ પણ રાજીનામું ના આપ્યું અને હવે બહાર આવ્યા બાદ રાજીનામું આપ્યું છે. એમણે હવે પ્રજા પાસેથી ઈમાનદાર હોવાનું પ્રમાણપત્ર માગ્યું છે. ભાજપનો અત્યાર સુધીનો કાયદાકીય ખેલ ઉપર તો પડદો પડી ગયો છે એવું અત્યારે તો દેખાય છે.

આપણે ત્યાં છેલ્લાં થોડાં વર્ષોથી નેતાઓ વિકટીમ કાર્ડનો બહુ બધો ઉપયોગ કરતા થયા છે અને એમાં મોદી માસ્ટર છે પણ એ પછી કોઈ માસ્ટર ન૨ કોઈ હોય તો એ છે કેજરીવાલ. મોદીએ ચાવાળાનું અને એવા ઘણા કાર્ડ ખેલ્યા છે અને એમાં સફળ પણ થયા છે. રાહુલ ગાંધીએ પોતાનો પરિવાર આતંકનો ભોગ બન્યો છે એવું કાર્ડ ખેલ્યું જ છે અને કેજરીવાલ આમ આદમીનું કાર્ડ ખેલે છે અને કહે છે કે જુઓ એ ભ્રષ્ટ સીસ્ટમનો ભોગ બની રહ્યા છે.

આમ આદમી પાર્ટીનો જે રીતે જન્મ થયો છે અને દસ વર્ષમાં એ નેશનલ પાર્ટીનું સ્ટેટ્સ મેળવી જાય છે. બે રાજ્યોમાં સત્તા મેળવે છે એવું આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે. ભ્રષ્ટાચાર સામેની અન્ના હઝારેની ચળવળનો ભાગ હતા. અરવિંદ કેજરીવાલ અને એમાંથી જ પાર્ટીનો જન્મ થયો. સામાન્ય રીતે આજના સમયમાં આર્થિક રીતે મજબૂત ના હોય એવા પક્ષો રાજકીય રીતે ટકી શકતા નથી પણ આમ આદમી પાર્ટીએ એમાં ય નવો રસ્તો અપનાવ્યો, ક્રાઉડ ફન્ડિંગ દ્વારા પક્ષને આર્થિક બળ આપ્યું.

લોકોની વચ્ચે જઈ એક જનમત ઊભો કર્યો અને પછી દિલ્હીમાં ચમત્કાર થયો. ભારે બહુમતી સાથે આપ સત્તા પર છે અને ભાજપ–કોંગ્રેસને બંનેને માત કર્યા છે અને હવે એ દેશમાં એનો વ્યાપ વધારવા માટે પ્રયત્નમાન છે. ગુજરાતમાં આપે પાંચ બેઠક ધારાસભામાં મેળવી એ નાની સિદ્ધિ નથી. બીજાં રાજ્યોમાં પણ એમની હાજરી વર્તાય છે. કેજરીવાલ બહાર આવી ગયા છે એટલે હરિયાણામાં કોંગ્રેસ સાથે સમજુતી ના થયા પછી પૂરા જોશથી પ્રચાર કરવાના છે. હરિયાણાનાં પરિણામો વિપક્ષ માટે મહત્ત્વનાં બનવાનાં છે. કારણ કે, ત્યાં દસ વર્ષ બાદ ભાજપ સામે એન્ટીઇન્કબન્સી છે અને પક્ષમાં આંતરિક કલહ છે ,૨૦ થી વધુ નેતાઓ પક્ષ છોડી ગયા છે.

કથિત શરાબ કૌભાંડમાં કેન્દ્ર સરકારની એજન્સીઓએ આપની પાછળ પડી. એક પછી એક નેતાઓને જેલની અંદર કરાયા અને છેલ્લે કેજરીવાલ અંદર ગયા પણ કોઈ સામે ઇડી કે સીબીઆઇ કાંઈ ઉકાળી શકી નહિ. કોઈ મની ટ્રેલ કોર્ટમાં મૂકી શક્યા નહિ અને આખરે સંજય સિંહ , સિસોદિયા અને કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા. જામીન મળ્યા અને સુપ્રીમ કોર્ટે સરકારી એજન્સીઓનો જે ઉધડો લીધો છે એ એક રીતે દર્શાવે છે કે, સરકાર આપને તીતરબીતર કરવા માગતી હતી. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, પક્ષના સૌથી શીર્ષ નેતાઓ જેલમાં જાય ત્યારે પાર્ટીનું ટકવું મુશ્કેલ બની જાય છે. પણ આ નેતાઓ નૈતિક રીતે મજબૂત રહ્યા , પક્ષમાં પણ ભંગાણ ના પડ્યું અને જેલ બહાર આવ્યા બાદ ઉલાટાના આ નેતાઓ અને પક્ષ મજબૂત બન્યો છે એવું લાગી રહ્યું છે.

અને હવે કેજરીવાલે કોર્ટની શરતો જે હતી એ કારણે મુખ્યમંત્રી તરીકે કામ કરી શકે એમ નહોતા અને ચૂંટણી નજીક છે. જાન્યુઆરી ફેબ્રુઆરી ૨૦૨૫માં ચૂંટણી છે. એમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો અને આતિશીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યાં. રાજીનામું આપી એમણે પ્રજાની કોર્ટમાં હાજરી આપવાનું નક્કી કર્યું છે અને કહ્યું છે કે, હું ઈમાનદાર હોઉં તો મને ફરી ચૂંટજો. સિસોદિયા પણ આ જ રસ્તે છે. આવો નિર્ણય આસાન નથી હોતો. પણ કેજરીવાલે ગણતરીપૂર્વક આ પગલું લીધું છે.

આતિશીની પસંદગી પણ વિશેષ છે કારણ કે એ જેલમાં હતા ત્યારે આતિશીએ પક્ષ અને સરકાર બંને સંભાળ્યાં. ડર્યા નહોતાં અને એ શિક્ષિત મહિલા છે એટલે મહિલા મતદારોને અપીલ કરી શકે છે. કદાચ ભાજપ અને મોદી સરકારના હાથ હેઠા પડ્યા છે. એમણે આપ અને કેજરીવાલ બંનેને તોડવાની પૂરી કોશિશ કરી પણ એમાં સફળતા મળી નથી. દિલ્હીમાં ભાજપનું શાસન નથી. એ ભાજપને , મોદી શાહની જોડીને ખૂંચે છે. હવે દિલ્હીની આવનારી ચૂંટણીમાં ભાજપ બધા હથકંડા અપનાવશે અને આપે એ ટેસ્ટમાંથી પાસ થવાનો પડકાર છે. ભારતના રાજકારણમાં આ જંગ વિશિષ્ટ બનશે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top