Columns

વિનય વિના વિદ્યા કેવી?

વર્ષો જૂની વાત છે, એક રાજા હતો તેને સુંદર મહેલ અને તેની આજુબાજુ લીલાછમ બાગ બગીચાનો ભારે શોખ અને બાગ-બગીચામાં તે વિવિધ પ્રકારના ફુલો ફળો ઉગાડાવે, વિવિધ ફૂલોની સુગંધ અને સુંદરતા અને વિવિધ ફળોનો સ્વાદ માણે. પોતાના બાગ બગીચાની સાર સંભાળ રાખવા તેને વિશેષ માળીઓની ટુકડી રાખી હતી અને કોઈ ફૂલ કે ફળને નુકસાન ન પહોંચાડે તે માટે સશસ્ત્ર સૈનિકો બાગ-બગીચાની ચોકી કરતા હતા.બગીચાના એક ભાગમાં રાજાના પ્રિય ફળ કેરીના ઝાડ હતા. આંબાની કેરીઓ ખાસ રાજાના રસોડે જતી.

થોડા વખતથી કંઈક અજુગતું બનવા લાગ્યું હતું. રાજાના બાગના આંબાના ઝાડ ઉપરથી કેરી ઓછી થવા લાગી રાજાને ખબર મળ્યા રાજાએ કહ્યું, ‘ચોરને પકડીને મારી સમક્ષ હાજર કરો રાત દિનનો પહેરો વધારો. વધુ સખત પહેરો મુકાયો, ચોકીદારો વધ્યા છતાં કેરીની ચોરી થતી રહી અને ચોર પકડાયો નહીં. હવે રાજાએ નક્કી કર્યું કે આજે તેઓ પોતે ચોકીપહેરો કરશે અને ચોરને પકડશે.  રાજાએ આખો દિવસ આખી રાત એક પણ મટકું માર્યા વિના ચોકી કરી પરંતુ ચોર પકડાયો નહીં…પરંતુ કેરી ઝાડ પરથી ઓછી અચૂક થઈ.

રાજાને નવાઈ લાગી. બીજે દિવસે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે ‘રાજ્યના બાગની કેરી ચોરનાર ચોર દરબારમાં હાજર થાય તેને કોઈ સજા નહીં કરવામાં આવે અને તેને મોં માંગ્યું ઈનામ મળશે.’ ઢંઢેરો સાંભળીને એક હરિજન સભામાં રાજાની સમક્ષ આવ્યો અને દરબારની વચ્ચે ઉભો રહીને માફી માંગતા બોલ્યો, ‘ મહારાજ મને માફ કરો તમારા બાગની કેરીઓ મેં ચોરી છે મારા દીકરાને મીઠી કેરી બહુ ભાવે છે.’ રાજાએ કહ્યું, ‘ તે ચોરી કરી પરંતુ તું પકડાયો નહીં કઈ રીતે? હરિજને કહ્યું, ‘રાજન મને બગીચાની અંદર ગયા વિના દૂરથી ફળ તોડવાની વિદ્યા આવડે છે.’

 રાજાએ કહ્યું મને તે વિદ્યા શીખવાડો. હરિજને તો રાજાને વિદ્યા શીખવવા માંડી. વાત નાની, નાનો મંત્ર પણ રાજાને આવડે નહિ, યાદ રહે નહીં. એકવાર બેવાર ત્રણવાર પણ બધી મહેનત પાણીમાં… રાજાને કંઈ સમજ ન પડી ને રાજા મૂંઝાયા, મંત્રીએ ફોડ પાડ્યો કે ‘રાજન વિદ્યા વિનય વિના ના આવે આપ સિંહાસન પર બેસો છો અને આપના ગુરુ સામે ઉભા રહીને આપને સમજાવે છે તો વિદ્યા નહીં ચડે.’  રાજા સિંહાસન પરથી નીચે ઉતર્યા, હરિજનને ઉપર બેસાડ્યો અને પોતે તેના પગ પાસે બેઠા પછી તેમને વિદ્યા આવડી ગઈ. વિનય વિના વિદ્યા ન ચડે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top