આપણે ગીતા કથિત સંયમની સૂરાવલીઓને સાંભળી. હવે ભગવાન કૃષ્ણ આધ્યાત્મિક માર્ગે સૂક્ષ્મ પ્રયત્ન કરનારની સાધના પણ વ્યર્થ નથી જતી તે વિષયને સમજાવી રહ્યા છે. એકવાર થૉમસ આલ્વા એડીસનને એક વ્યક્તિએ પૂછ્યું, “બલ્બના સંશોધન વખતે કરેલા ૧૦૦૦૦ પ્રયોગ દરમિયાન તમને શું મળ્યું ?” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં એડીસને જણાવ્યું, “મને ૧૦૦૦૦ રીતો જાણવા મળી જે ખોટી હતી. મારા આ પ્રયોગો નિષ્ફળ ન હતા, પરંતુ મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરાવનાર હતા. દરેક નિષ્ફળ પ્રયત્ન આગળ વધવાના પગથિયા સમાન હતો.
આથી જ મારું કાર્ય સફળ થયું.” ખરેખર, વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન કોઈ કાર્યની સફળતા માટે કરેલા પ્રયત્નો ક્યારેય વ્યર્થ જતા નથી. ભલે બાહ્ય રીતે તે નિષ્ફળ જેવા લાગે પરંતુ તેનું યોગ્ય ફળ તો મળે જ છે. જેમ, ૧૦૦ ઘણ મારવા છતાં ન પડેલી દિવાલ ૧૦૧મા ઘણે પડે તો એનો અર્થ એ નથી કે આગળના ૧૦૦ ઘણ વ્યર્થ ગયા. કોઈ વિદ્યાર્થી અતિશય પુરુષાર્થ કરવા છતાં પરીક્ષામાં નિષ્ફળ જાય છે, તેનો અર્થ એ નથી કે તેનું શીખેલું બધુ જ જ્ઞાન વ્યર્થ ગયું.
નેઈલ એસ્કેલીન પોતાના એક પુસ્તકમાં લખે છે : એકવાર ડેરીમાં પડેલા મલાઈના એક વાસણમાં બે દેડકા પડી ગયા. બહાર નીકળવા માટે તેમણે ઘણી મહેનત કરી, પરંતુ વ્યર્થ. તેથી એક દેડકાએ કહ્યું, “આપણી કરેલી બધી જ મહેનત ફોગટ, હવે આપણે મરી જવાના છીએ. તરવા માટે આ વસ્તુ વધુ ઘટ્ટ છે. અને પગ ટેકવી રાખવા અને કૂદવા માટે પાતળી છે.” બીજો કહે, “મહેનત કરીએ તો કદાચ બહાર નીકળી જઈએ.” પહેલો દેડકો હાર સ્વીકારી ડૂબીને મૃત્યુ પામ્યો. બીજા દેડકાએ પ્રયત્ન શરૂ રાખ્યો તો હલચલના કારણે મલાઈમાંથી માખણ છૂટું પડ્યું.
સવારે વાસણ લેનાર ડેરીના માલિકે માખણ પર દેડકો બેઠેલો જોઈ તેને ઊંચકીને બહાર મૂકી દીધો. તેથી બચી ગયો. અહીં લેખક આ દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે કરેલો પુરુષાર્થ ક્યારેય વ્યર્થ જતો નથી. આધ્યાત્મિક માર્ગે પણ કાંઈક આવું જ છે. મુમુક્ષુ યેનકેન પ્રકારેણ ભગવાનને પામવા માટે વ્રત, તપ, જપ, દાન, યજ્ઞ-યાગાદિક સાધના કરે છે. આવા પ્રયત્ન કરવા છતાં ક્યારેક પોતાના સ્વભાવ, પ્રમાદ કે આળસના લીધે તેને ભગવત્પ્રાપ્તિ ન થાય તો શું તેનો આ બધો પુરુષાર્થ વ્યર્થ હતો? તે શું અધોગતિને પામશે? ઉત્તરમાં કૃષ્ણ ભગવાન કહે છે- “નહિ કલ્યાણકૃત્ કશ્ચિત્ દુર્ગતિં તાત ગચ્છતિ”(ગીતા ૬/૪૦)
કલ્યાણના માર્ગ પર ચાલનારની ક્યારેય અધોગતિ થતી નથી.
માણસ દ્વારા કરાયેલ અધ્યાત્મની સાધના ક્યારેય ફોગટ જતી નથી.
નિસ્સંદેહ, ગીતાનું આ વાક્ય વિશ્વના દરેક સાધકને બળ, વિશ્વાસ અને આશ્વાસન પૂરું પાડે છે. પ્રમુખસ્વામી મહારાજ સમજાવે છે કે “આધ્યાત્મિક માર્ગ શૂરવીરોનો માર્ગ છે. સ્વભાવ, દોષોનાં તીક્ષ્ણ આયુધો આ માર્ગે ચાલનાર દરેક સાધક પર પ્રહાર કરે છે. હા, એવું બને કે લડતાં લડતાં આ યોદ્ધા ક્યારેક કોઈક સંજોગોમાં હારી જાય, પડી જાય. પરંતુ તે વખતે પણ હિમ્મતથી ફરી ઊભા થઈને આગળ વધવું જોઈએ. વિઘ્નો અને વિપરીત પરિસ્થિતિઓ સામે હારીને નાસીપાસ થઈને બેસી રહીએ તો કશું જ વળે નહિ. માટે જેટલો થાય એટલો પુરુષાર્થ કરી લેવો. આ જ ગીતાનો મર્મ છે.” આ બાબતે કરોળિયો આપણને ઘણું શીખવાડી જાય છે. કવિ કહે છે-
- જેમ કરતાં જાળ કરોળિયો ભોંય પડી ગભરાય;
- વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય.
- મે’નત તેને શરૂ કરી ઉપર ચડવા માટે;
- એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર;
- હિંમત રાખી હોંશથી ભીડ્યો છઠ્ઠી વાર;
- ધીરજથી જાળે જઈ, પ્હોંચ્યો તે નિર્ધાર.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે, કલ્યાણ માટે કરેલો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ નથી જતો, કોઈએ પુરુષાર્થ કર્યો અને કંઈ ફળ ન મળ્યું એવું બને જ નહીં. કલ્યાણના માર્ગે તત્પરતાપૂર્વક કર્મ કરવાવાળો હિત સાધે છે. કર્મનો આરંભ કરનારને શીઘ્ર ફળ ન મળે તો પણ તેની નિંદા થતી નથી. અંતે તે ભગવત્કૃપાથી આધ્યાત્મિક માર્ગનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે.
ઘણીવાર ભગવાનની પ્રાપ્તિ ન પણ થાય તો એનો અર્થ એવો નથી કે કરેલાં સાધન વ્યર્થ ગયા. કારણ કે મુમુક્ષુઓના કર્મફળપ્રદાતા ભગવાન છે. પરમકૃપાળુ પરમાત્મા આધ્યાત્મિક માર્ગે સાધના કરનાર મુમુક્ષુને એક અથવા બીજા જન્મે તેનું ફળ આપે જ છે. કારણ, કલ્યાણના માર્ગે કરેલા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી.