દુનિયાભરમાં તહેલકો મચાવનાર ChatGPTના સ્થાપક – સેમ ઓલ્ટમેન છે. આખી વાત શરૂ થાય છે 2015માં. સેમે તેની કંપની ‘ઓપન-AI’ ની સ્થાપના કરી હતી. આજે ઓપન-AIની પ્રોડક્ટ ChatGPT એક ઝડપી વર્ચ્યુઅલ રોબોટ બની ચૂક્યો છે. અલબત્ત, બધાનો જવાબ આપતા ChatGPTને તેના સ્થાપક સેમ ઓલ્ટમેન વિશે પૂછવામાં આવ્યું હતું! પ્રશ્ન હતો – સેમ ઓલ્ટમેન કોણ છે? 30 નવેમ્બરે લૉન્ચ થયેલા આ AI સર્ચ એન્જિનનો જવાબ હતો – સેમ ઓલ્ટમેન અમેરિકન ઉદ્યોગસાહસિક અને ટેક્નોલોજિસ્ટ છે. તેઓ અગાઉ LOOPT (લૂપ્ટ) નામની કંપનીના CEO હતા અને હવે ‘ઓપન-AIના પ્રમુખ છે.
આ સિવાય સર્ચ એન્જિને સેમ વિશે એવું પણ જણાવ્યું કે તે ટેક્નિકલ સમુદાયમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સંબંધિત મુદ્દાઓ પર લેક્ચર આપે છે. ChatGPTમાં આવી બધી માહિતી છે. સિસ્ટમ પોતે પોતાના વિશે લખે છે કે, કોઈ પણ પાત્ર અથવા વ્યક્તિ વિશે કોઈ વ્યક્તિલક્ષી નિવેદન તે આપતું નથી. ChatGPT ના આવા પ્રતિસાદ પછી અન્ય માધ્યમો દ્વારા સેમ ઓલ્ટમેન વિશે માહિતી એકત્રિત કરતા જાણવા મળ્યું કે આજે આપણું વર્તમાન તેમની શોધો અને નવી તકનીકી પહેલને કારણે ઝડપથી બદલાઈ રહ્યું છે. ChatGPT અને ઇમેજ જનરેટર DALL-E આવા જ પ્રયાસો છે.
તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સેમ ઓલ્ટમેને તેમના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે મોટા રોકાણકારોને આકર્ષ્યા હતા. ખાસ કરીને ‘વાય કોમ્બિનેટર’ના યુગમાં, જેમાં તેણે પોતે મોટું રોકાણ કર્યું હતું. તેની કુલ સંપત્તિ વિશે કોઈને બરાબર ખબર નથી પરંતુ તાજેતરની કેટલીક જાહેરાત પછી એવું લાગી રહ્યું છે કે વિશ્વના અબજોપતિઓમાં સેમની આગેકૂચ જારી છે. બિન-લાભકારી પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી ‘ઓપન-AI’ આજે મર્યાદિત નફા સાથે હાઇબ્રિડ કંપની બની ગઈ છે. થોડા અઠવાડિયા પહેલાં ‘ધ વોલ સ્ટ્રીટ જનરલે’ એક આર્ટિકલમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે ‘ઓપન-AI’ ખૂબ જ ઓછો નફો કમાવા છતાં 2900 મિલિયન ડોલરનું સ્ટાર્ટ-અપ બનવાની નજીક પહોંચી ગયું છે!
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સેમ ઓલ્ટમેને કહ્યું છે કે, ‘‘જ્યારે તે 8 વર્ષનો હતો, ત્યારે તેણે એપલના શરૂઆતના કમ્પ્યુટર્સમાંના એક ‘મેકિન્ટોશ’ને ખરીદીને તેના પૂરજેપૂર્જા અલગ કરી નાખ્યા હતા!’’ આ રીતે તેણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. આ જ ઇન્ટરવ્યૂમાં સેમે એમ પણ કહ્યું હતું કે, પોતાની પાસે એ જમાનામાં કમ્પ્યુટર હોવાને કારણે, કિશોર વયે અલગ-અલગ જૂથોમાં વાતચીત કરવાનું સરળ બન્યું હતું. 16 વર્ષની ઉંમરે તેણે તેનાં માતા-પિતાને કહ્યું કે તે ‘ગે’ છે. આ પછી તેણે તેની શાળામાં પણ ‘ગે’ હોવાની વાત જાહેર કરી હતી.
શાળાકીય અભ્યાસ પછી સેમને કેલિફોર્નિયા, USAની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેમનો વિષય હતો – એ જ કમ્પ્યુટર સાયન્સ, પરંતુ અહીં તે પોતાની ડિગ્રી પૂરી કરી શક્યો નહોતો. તેના મિત્રો સાથે મળીને તેણે એક App બનાવવાનું નક્કી કર્યું હતું, જેથી લોકો પોતાનું સ્ટેટ્સ અન્ય લોકો સાથે શેર કરી શકે. ‘LOOPT’ આવી જ એક App છે. સેમનો તેના મિત્રો સાથેનો પ્રથમ અનોખો આઈડિયા હતો. આ વાત છે વર્ષ 2005ની એટલે કે જે વખતે વોટ્સએપનું પણ આગમન થયું ન હતું.
એ સમય દરમિયાન આખી દુનિયા ફેસબુક પર ફેલાઈ રહી હતી. ત્યારે ‘LOOPT’ એ વધારે આકર્ષણ જગાવ્યું ન હતું પરંતુ આ Appએ સેમની એક ઉદ્યોગ સાહસિક તરીકેની કારકિર્દીને ટેકઓફ કરી દીધી હતી. આ ઉપરાંત મોટા ટેક રોકાણોના દરવાજા સેમ માટે ખોલી નાખ્યા હતા. ‘LOOPT’ ને સૌ પ્રથમ ‘Y Combinator’ (YC) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ કંપની તે સમયે ‘સ્ટાર્ટઅપ’માં રોકાણ કરતી મોટી કંપનીઓમાંની એક હતી, જેણે ‘એરબીએનબી’ અને ‘ડ્રૉપબૉક્સ’ જેવી Appsમાં રોકાણ કર્યું હતું.
સેમ ઓલ્ટમેને તેનો પ્રથમ પ્રોજેક્ટ 40 મિલિયન ડોલરમાં વેચ્યો હતો. સેમે આ નાણાંનો ઉપયોગ તેની રુચિનો વ્યાપ વધારવા અને અન્ય આઈડિયામાં રોકાણ કરવા માટે કર્યો હતો. તેમણે મોટાભાગે YCના આઈડિયામાં આ રોકાણો કર્યા હતા, જેમાં તેઓ 2014 થી 2019 સુધી ચેરમેન હતા. આ દરમિયાન તેણે ઈલોન મસ્ક સાથે મળીને ‘ઓપન-AI’ની સ્થાપના કરી હતી. આ કંપની સાથે તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેના વિશે તેને ઘણી ઉત્સુકતા હતી પરંતુ ઘણા ડર પણ હતા.
‘ઓપન-AI’ એક રિસર્ચ કંપની છે. કંપનીની વેબસાઈટ અનુસાર, તેનું મિશન એ નક્કી કરવાનું છે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને સમગ્ર માનવતા માટે ફાયદાકારક બનાવવી જોઈએ, નહીં કે કોઈ રીતે નુકસાનકારક. અલબત્ત, આ કંપની દ્વારા વેબ્સિતે પર જે કહેવામાં આવ્યું છે તેમાં સેમ ઓલ્ટમેનનો જૂનો ડર દેખાય રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે ‘‘આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માનવતા સામે ‘ઘાતક હથિયાર’ પણ સાબિત થઈ શકે છે.’’
વર્ષ 2016માં ‘ધ ન્યૂ યોર્કર’માં પ્રકાશિત થયેલા અહેવાલમાં સેમ એવું પણ કહે છે કે ભવિષ્ય માટે બંને ટેક્નોલોજીનું મિલન પણ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, કાં તો આપણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા નિયંત્રિત થઈશું અથવા તે આપણને નિયંત્રિત કરશે. ઈલોન મસ્કે આ આઈડિયા સેમ ઓલ્ટમેન સાથે શેર કર્યો હતો. ઈલોન મસ્ક પણ 2018 સુધી ‘ઓપન-AI’ સાથે સંકળાયેલા હતા. પહેલાં એ સમજીએ કે – AI ની માનવીય બાજુ શું છે? ‘ઓપન-AI’ એક રિસર્ચ કંપની છે. કંપનીની વેબસાઈટ અનુસાર, તેનું મિશન છે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને સમગ્ર માનવતા માટે ફાયદાકારક બનાવવી.
2018 પછી ઈલોન મસ્ક તેની કંપની ટેસ્લા સાથેના હિતોના સંઘર્ષને ટાંકીને અલગ થઈ ગયા હતા. જો કે, મસ્કે ‘ઓપન-AI’ અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પર નિયંત્રણ મેળવવા માટેના અન્ય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કંપનીમાંથી એક છે ‘ન્યુરલલિંક’, જે આપણા મગજને કમ્પ્યુટર સાથે જોડવાનો પ્રયાસ કરે છે. ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કનું માનવું છે કે આ રીતે મનુષ્ય આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સાથે તાલમેલ જાળવી શકશે. મસ્ક કહે છે, આપણો બોલવાનો અવાજ વ્હેલના અવાજની જેમ ખૂબ જ ધીમી ગતિએ કમ્પ્યુટર સુધી પહોંચે છે. આનાથી કમ્પ્યુટર્સ માટે ટેરાબાઈટ્સમાં માહિતીની પ્રક્રિયા કરવી મુશ્કેલ બને છે. ભવિષ્ય અંગેના આ જોખમી દૃષ્ટિકોણે મસ્ક અને સેમ ઓલ્ટમેનને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી હતી. ChatGPT અને DALL-E માટે વ્યૂહરચના બનાવવા માટે આ અભિગમ જ કામ કરી રહ્યો છે.
અત્યારે AIની સ્થિતિ શું છે? ટેક્નોલોજીની દુનિયા અને સિલિકોન વેલી પર નજર રાખતા ડેઈલી ન્યૂઝ લેટર સાથેની એક વાતચીતમાં સેમ ઓલ્ટમેને પણ થોડા અઠવાડિયા પહેલાં એવું કહ્યું હતું કે, એક વાતની મને પૂરી ખાતરી છે કે સૌથી મહત્ત્વની બાબત આ સિસ્ટમને લોકો સાથે જોડવી તેનો તરીકો એ છે કે – જવાબદાર રીતે તેને ધીમે ધીમે બહાર લાવવી જોઈએ. સેમ આગળ કહે છે, આ રીતે આપણે લોકો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓને આ સિસ્ટમનો સરળતાથી પરિચય આપી શકીશું, જેથી તેઓ આ ટેક્નોલોજીને અનુભવી શકે, જાણી શકે, એવું જાણી શકે કે આ સિસ્ટમ શું કરી શકે છે અને શું નથી કરી શકતી. અચાનક સુપર પાવરફુલ સિસ્ટમ લાવવી યોગ્ય નથી.
યૂ ટ્યૂબ પર આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વિશે માહિતી અને વિશ્લેષણ આપતી ચેનલ ‘ડોટ CSV’ અનુસાર, આ સિસ્ટમને લઈને આ રણનીતિ કારગત સાબિત થઈ છે. છેલ્લા 20 વર્ષથી મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓ આ વ્યૂહરચના હેઠળ કામ કરતી આવી છે. સેમ ઓલ્ટમેન આ એપ્રિલમાં 38 વર્ષના થશે. તાજેતરમાં તેમનો 3 વર્ષ જૂનો એક સંદેશ મળ્યો હતો, જેમાં તેમણે 2025 સુધીમાં કેટલીક મહત્ત્વપૂર્ણ તકનીકી સિદ્ધિઓની આગાહી કરી હતી. સિદ્ધિઓમાં ન્યૂક્લિયર ફ્યુઝનને પ્રોટોટાઇપ સ્કેલ પર સુવ્યવસ્થિત કરવું, ઉદ્યોગમાં દરેક માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઉપલબ્ધ કરાવવી અને માનવીને અસર કરતી ઓછામાં ઓછી એક સૌથી ગંભીર બીમારીની સારવાર માટે નવી જનીન સંપાદન તકનીકો વિકસાવવાનો સમાવેશ થાય છે.
તે ટવીટમાં સેમે ન્યૂક્લિયર ફ્યુઝન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ઓલ્ટમેને ‘હેલિયન એનર્જી’ નામની કંપનીમાં વર્ષો સુધી રોકાણ કર્યું હતું, જેથી સસ્તી વીજળી બનાવવા માટે સંશોધન અને સંસાધનો વધારી શકાય. આ કંપની પાણીમાંથી ઇંધણ મેળવીને સ્વચ્છ અને ઓછી કિંમતની વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં કામ કરી રહી છે. સેમની 3 આગાહીઓમાંથી એક પણ સાચી થવામાં હજુ 2 વર્ષ બાકી છે પરંતુ આમાંથી એક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, પહેલેથી જ નક્કર આકાર લઈ રહી હોય તેવું લાગે છે. સેમની કંપની ઓપન-AIના કારણે આ શક્ય બન્યું છે. આ કંપની સેમ ઓલ્ટમેને એટલા માટે બનાવી છે કે જેના વિશે તેમને લાગે છે કે આવનારો સમય તેમનો હશે. આ માટે તેમણે વર્ષો સુધી તકનીકી અને વૈજ્ઞાનિક પ્રગતિમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
સેમે જે ભવિષ્યની કલ્પના કરી છે તેના વિશે ‘ધ ન્યૂ યોર્કર’માં તેણે એમ પણ લખ્યું છે કે, આપણા મૂલ્યો ત્યારે પણ એવા જ હશે જે આજે છે. અમેરિકાના સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, હું આ દેશને ખૂબ પ્રેમ કરું છું. સમય ગમે તે હોય, લોકતંત્ર ત્યાં જ સુરક્ષિત રહેશે જ્યાં વિકાસ હશે. સેમ આ બાબતે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે, તેઓ કહે છે, આર્થિક વિકાસથી લાભ મેળવ્યા વિના લોકશાહીમાં દરેક પ્રયોગ નિષ્ફળ જશે.