National

બહુમતી ન મળે તો ભાજપનો પ્લાન B શું છે?, અમિત શાહનો જવાબ સાંભળી વિપક્ષની ઊંઘ ઊડી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના રોજ થશે. ચાર તબક્કાના મતદાન બાદ ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે ભાજપને બહુમતી મળી ચૂકી છે અને હવે માત્ર 400 પ્લસ બેઠકો મેળવવાની બાકી છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર જંગી બહુમતી સાથે વડાપ્રધાન બનશે.

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે લોકસભા ચૂંટણી, 400 સીટોનો ટાર્ગેટ અને દિલ્હી દારૂ કૌભાંડ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે અને વડાપ્રધાન મોદી જંગી બહુમતી સાથે સત્તામાં આવશે. 

ન્યુઝ એજન્સી ANIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અમિત શાહે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ભાજપને બહુમતી ન મળે તો શું તેમની પાસે કોઈ પ્લાન બી તૈયાર છે? તેનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્લાન એ સફળ થવાની સંભાવના 60 ટકાથી ઓછી હોય ત્યારે પ્લાન બી બનાવવાની જરૂર પડે છે. હું વિશ્વાસ સાથે કહું છું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર જંગી બહુમતી સાથે વડાપ્રધાન બનવાના છે. આ અગાઉ પણ શાહ અનેક ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે પીએમ મોદી દેશના આગામી વડાપ્રધાન બનશે. એટલું જ નહીં 2029ની ચૂંટણીમાં પણ ભાજપનો ચહેરો મોદી જ રહેશે.

કેમ 400 બેઠક જીતવી છે?
શાહે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે બહુમતી છે. અમે ક્યારેય આનો પ્રયાસ કર્યો નથી. મારી પાર્ટીનો બહુમતીના દુરુપયોગનો ઇતિહાસ નથી. ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ દ્વારા બહુમતીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમને 400 સીટોની જરૂર છે કારણ કે અમે દેશમાં રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ કારણ કે દેશની સરહદો સુરક્ષિત રાખવાની હોય છે. અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં અમે અમારી સીટોનો ઉપયોગ કેવી રીતે કર્યો? કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક નાબૂદ, રામ મંદિરનું નિર્માણ, UCC લાવ્યા. 

શું શાહ રાજકારણના ચાણક્ય છે?
જ્યારે અમિત શાહને એવો સવાલ પૂછાયો કે શું તેઓ સાંપ્રત સમયના ચાણક્ય છે? ત્યારે આ સવાલ પૂરો થતાં પહેલાં જ શાહે જવા આપ્યો હતો કે હું માનતો નથી. લોકો કહે છે.

કેજરીવાલ પર હુમલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ચૂંટણી પ્રચાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે એક મતદાર તરીકે હું માનું છું કે તેઓ જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી જો તમે મને મત આપો છો, તો મારે જેલમાં જવું પડશે નહીં પર તેમણે કહ્યું કે જો તેમણે આવું કહ્યું છે તો આનાથી મોટી સુપ્રીમ કોર્ટની અવમાનના ન હોઈ શકે. 

દેશ હવે ક્યારેય વિભાજિત નહીં થાય : અમિત શાહ
કહેવાતા ઉત્તર-દક્ષિણ ભારતના ભાગલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો કોઈ કહે છે કે તે એક અલગ દેશ છે, તો તે ખૂબ જ વાંધાજનક છે. આ દેશ ફરી ક્યારેય વિભાજિત નહીં થઈ શકે. અમિત શાહે એમ પણ કહ્યું કે કલમ 370 પર સવાલ ઉઠાવનારાઓને હું કહેવા માંગુ છું કે ત્યાં વોટિંગ 40 ટકાને વટાવી ગયું છે. અનુચ્છેદ 370 હટાવવાથી મોટી સફળતા ન હોઈ શકે.

Most Popular

To Top