Business

એરિયલ યોગ શું છે?

ફિટનેસ અને ફેશનની દુનિયા બહુ ડાયનેમિક છે. જેમાં સમયાંતરે પરિવર્તન આવતું રહે છે. એમાં દરરોજ કોઇ નવો ટ્રેન્ડ કે વેરિયેશન આવતાં રહે છે. ફેશન ટ્રેન્ડ બધાં જ ફોલો કરે છે પરંતુ ફિટનેસ ટ્રેન્ડમાં શું નવું છે એ જાણવાની બધાં  ભાગ્યે જ કોશિશ કરે છે. એરિયલ યોગા ફિટનેસના નવા ક્રેઝમાં છે. આ મોડર્ન યોગાનો એક પ્રકાર છે જે તમને ફિટ અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તમે ફિટ અને સ્વસ્થ રહેવા માટે સૂર્યનમસ્કાર, પ્રાણાયામ તથા અન્ય યોગાસનો તો કરતા જ હશો. પરંતુ આજકાલ હોટ યોગ, એકવા યોગ, ફેમિલી યોગ, એરિયલ યોગ જેવા યોગનાં એડવાન્સ રૂપ ટ્રેન્ડમાં છે. માત્ર હોલિવૂડ જ નહિ પરંતુ ભારતીય ફિલ્મસ્ટાર્સ પણ ફીટ રહેવા માટે એરિયલ યોગ અપનાવી રહ્યા છે.  21મી જૂને ‘યોગ ડે’ છે ત્યારે જોઈએ એરિયલ યોગ વિશે…

એરિયલ યોગ બધી ઉંમરની વ્યકિતઓ માટે ફુલ બોડી વર્કઆઉટની જેમ કામ કરે છે. આ યોગ દરમ્યાન કરવામાં આવતી મુવમેન્ટસમાં શરીરના બધા ભાગો મુવ અને સ્ટ્રેચ થાય છે. એ માંસપેશીઓને મજબૂત કરે છે, સાંધાઓને લુબ્રિકેટ કરે છે.

એરિયલ યોગ શું છે?

એરિયલ યોગને ‘એન્ટી ગ્રેવિટી’ યોગ પણ કહેવાય છે કારણ કે એ તમારે હવામાં રહીને કરવાના હોય છે અને આ ટેકનિકમાં ઉપર બાંધેલાં કોઇ કપડાં કે દોરીને શરીર પર લપેટીને યોગમુદ્રા કરવાની હોય છે. એ નિયમિત કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે અને ઘણી બીમારીમાં રાહત મળે છે. પરંતુ કોઇ એકસપર્ટની દેખરેખ હેઠળ આ યોગા કરવા સલાહભર્યું છે.

કેવી રીતે કરશો? આ યોગા કરવા માટે સૌથી પહેલાં નિર્ધારિત ઊંચાઇ પર કપડું વીંટાળીને લટકી જાવ. પછી તમારી ક્ષમતા અનુસાર કેટલાંક સરળ યોગાસનો કરો. સામાન્ય રીતે જમીન પર થતાં યોગ કરતાં આ થોડા અલગ છે. એ કરતી વખતે તમારે તમારી શારીરિક ક્રિયાઓ અને પોશ્ચર પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

ફાયદા

  • * કરોડનાં હાડકાંમાંની વર્ટિબ્રલ ડિસ્કને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે જેથી એ જકડાઇ ન જાય.
  • * સ્પાઇનને મજબૂત કરે છે.
  • * કમરદર્દમાં રાહત આપે છે.
  • * રકતપરિભ્રમણ વધારવામાં મદદ કરે છે.
  • * હાર્ટ પ્રોબ્લેમ ઓછા કરવામાં મદદ કરી શકે છે.
  • * યાદશકિત વધારવામાં સહાય કરી શકે છે.
  • * યોગ કરવાથી ચહેરાના કોષોમાં લોહીનું પરિભ્રમણ વધે છે જેથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે.
  • * હાડકાં અને જોઇન્ટસમાં મુવમેન્ટસ વધારે છે. હાડકાં મજબૂત થાય છે.
  • * મસલ્સ ટેન્શનને ઓછું કરે છે.
  • * વજન ઘટાડવામાં પણ એરિયલ યોગ મદદ કરે છે.
  • * પાચનતંત્રને ઉત્તેજીત કરે છે એટલે કબજિયાત અને અપચો જેવી પાચનસંબંધિત તકલીફો થતી નથી.
  • * માંસપેશીઓ મજબૂત થાય છે. ખભાને લચીલા બનાવવામાં પણ કેટલેક અંશે મદદ કરે છે.
  • સાવચેતી
  • એરિયલ યોગ કરતી વખતે થોડા સાવચેત રહો.
  • * એરિયલ યોગ કરતી વખતે તમે હિંચકાની જેમ ઝૂલી રહ્યાં હો છો એટલે એ દરમ્યાન વધારે દબાણ ટેબલોન (પીઠનો નીચેનો ભાગ) પર આવે છે એટલે એ કરતી વખતે તમારે સતર્ક રહેવું જોઇએ.
  • * તમને પેટ સંબંધિત સમસ્યા હોય કે કોઇ સર્જરી કરાવી હોય તો યોગ ન કરો.
  • * જો યોગ દરમ્યાન કમરમાં કોઇ તકલીફ થાય તો તરત જ એ બંધ કરી દો.

એરિયલ યોગ માત્ર એક વર્કઆઉટ જ નથી પરંતુ એ કરવાથી તમારો સ્ટેમિના વધવા, સ્પાઇન અને ખભાનું લચીલાપણું વધવા જેવા ઘણા ફાયદા થાય છે. એરિયલ યોગને એક સારો ફિટનેસ ઓપ્શન બનાવી શકાય છે પરંતુ એ કરતાં પહેલાં એકસપર્ટની સલાહ જરૂર લો. જેથી તમે એ ખોટી રીતે ન કરો અને તમને ફાયદાને બદલે નુકસાન ન થાય.

Most Popular

To Top