મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા પૂરી થયા બાદ મૂર્તિ સજીવ બની જતી હોય છે! અને માનવી નિર્જીવ જેવો બનીને અખા ભગતની પંક્તિઓને સાર્થક કરતો જોવા મળે છે. ‘પથ્થર એટલા પૂજે દેવ’ મનમંદિર બને અને દેહ દેહાલય બને તો શરીર તીર્થસ્થાન બની જાય છે. મન-હૃદય બાળકનાં જેવા પવિત્ર હોય છે, તેને મંદિરના પગથિયાં ચઢવાની જરૂર પડતી નથી. એની મરજી વિના પાંદડું ય હાલતું નથી અને શ્વાસ પણ ચાલતો નથી. (પરંતુ કેટલીકવાર ડોક્ટર-ભગવાન ચાલતો કરે છે!) આવા પોપટિયા વાક્યો આ I.T., A.I. અને રોબોટના જમાનામાં શોભતા નથી, હાસ્યાસ્પદ લાગવા જોઈએ. પ્રાકૃતિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક એવી કેટલીક ક્રિયાઓ નિરંતર થતી આવી છે. થતી જ રહેવાની અને એમાંની અનેક ઘટનાઓ કુદરતના વંઠેલા સંતાન માનવીની ભૂલોને કારણે જ બને છે!
છેલ્લા કેટલાક વર્ષોથી વાવાઝોડા, વંટોળિયા, ત્સુનામી (કુનામી?) ગ્લેશિયરો પીગળવા કે ભયાનક રેલ વગેરે ગ્લોબલ વોર્મિંગના પરિણામો હોવાથી શક્યતા પૂરેપૂરી લાગે છે. આ બધામાં ઈશ્વરને શા માટે વચમાં લાવીએ? આત્મા- પરમાત્માની ભ્રામક વાતો કરીને મહદઅંશે સ્ત્રીઓને ફસાવવાનું એક માત્ર કામ કરેલું છે. પ્રયાગરાજનું પવિત્ર સ્નાન (?) કેમ ભાઈ! ઘરનો બાથરૂમ ચોખ્ખો નથી? ભગવાન સૌની રક્ષા કરે જ છે, તો પછી 26 ડિસે. 2004ની સાલના દરિયાઈ ત્સુનામીમાં ત્રણ-ચાર લાખ નિર્દોષોને ભગવાને (?) કમોતે શા માટે મરવા દીધા? હવે આપણે ઘણું બધું ઈશ્વરને નામે ચઢાવવાનું બંધ કરીને જરાતરા રેશનાલિસ્ટ બનીએ તો સારું.
અરવિંદાશ્રમ, દેગામ, ચીખલી – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બે વ્યક્તિઓની સરખામણી અસંભવ છે
શું એવું નહીં બની શકે કે, સરખામણીને શિક્ષણમાંથી અલગ જ કરી દઈએ? આ થઇ શકે છે. તેની કોઈ જરૂરત ન નથી કે એક વ્યક્તિ-બીજી વ્યક્તિની સાથે સરખામણી કરે. સત્ય એ છે કે બે વ્યક્તિઓની વચ્ચે સરખાણમી અસત્ય છે, અસંભવ છે. મારા હાથના અંગૂઠા પર જે નિશાનો છે, તે દુનિયાનો બીજા કોઇ પણ અંગૂઠા પર નથી. મારો અંગૂઠો મારો છે, તમારો તમારો છે- સરખામણી નહીં થઇ શકે. જ્યારે અંગૂઠા આટલા અલગ છે, તો, આત્માઓ તો બહુ જ ભિન્ન ભિન્ન છે. વ્યક્તિત્વ તો બહુ જ ભિન્ન ભિન્ન છે. અગર પૃથ્વી પર એક પથ્થર ઉઠાવીને શોધવા જોઇએ કે આવો બીજો પથ્થર મળી જશે, તો તે આપણને નહીં મળશે.
વિજલપોર, નવસારી – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.