Business

અમે મમ્મીની બોલી ન બોલી તોય શું…!?

આવું પણ બને! હા, કેમ નહીં. 21 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે આવી રહ્યાો છે ત્યારે આપણે એવા લોકોની વાત કરવા જઇ રહ્યાાં છે જે લોકોને પોતાની માતૃભાષા આવડતી નથી. આજથી 40-50 વર્ષ પહેલા ઘણા લોકો ધંધાર્થે કે અન્ય કોઇ કારણોસર અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં અને સુરતમાં આવીને વસ્યા હતા. આજે એ લોકોની બીજી ત્રીજી પેઢીઓ જેઓ અહીં જ જન્મી અને ઉછરી હોય છે. તેઓને કોઇ કારણોસર પોતાની માતૃભાષા શીખવાનો કે એના પર હથોટી મેળવવાનો અવસર ન મળ્યો હોય અને જે તે પરિવારમાં પોતાની માતૃભાષા ભૂલાતી જતી હોય અથવા એનો વપરાશ ઓછો થઇ ગયો હોય છે. બાળકો પર પોતાના આસપાસના માહોલનો, T.V. પર સંભળાતી ભાષાનો વધતે ઓછે અંશે પ્રભાવ હોય જ છે જેને કારણે તેઓ જે તે રાજ્યની ભાષા ઘણી સારી રીતે બોલી શકતા હોય છે. તો ચાલો આજે આપણે મળીએ થોડા આવા સુરતીઓને મળીએ અને જાણીએ થોડી રસપ્રદ વાતો…

બાળક પર આસપાસના વાતાવરણનો ભાષાકીય પ્રભાવ ઘણો પડે છે : સુમિત સોમાણી
સુમિતભાઇનો પરિવાર મૂળ રાજસ્થાનનો મારવાડી પરિવાર છે. તેઓ 40 વર્ષથી સુરતમાં ટેકસ્ટાઇલનાં ધંધામાં છે. તેમને પોતાની માતૃભાષા મારવાડી આવડે છે તેવું પૂછતા તેઓ જણાવે છે કે થોડી ઘણી બોલતા આવડે છે અને સમજ પડે છે. મારા માતા-પિતા એકબીજાની સાથે મારવાડી ભાષામાં વાત કરે છે પણ મારી સાથે તેઓ હિંદીમાં જ વાત કરે છે. 5-6 વર્ષની ઉંમરથી જ આસપાસ ગુજરાતી લોકોને વધારે જોયા છે. પડોશીઓ, સાથે ભણનારા મિત્રો, વધારે તો ગુજરાતી જ હતા એટલે ગુજરાતી, હિંદી જેટલી સરળતાથી બોલી શકાય છે એટલી મારવાડી ભાષા મોઢે ચઢતી નથી. આસપાસનો માહોલ, પાસ-પડોશ મિત્રોનો તમારા પર ભાષાકીય રીતે ઘણો પ્રભાવ પડતો હોય છે. જયારે અમે રાજસ્થાન જઇએ અને ત્યાં મારા કોઇ ફેમિલી મેમ્બર મારી સાથે મને મારવાડીમાં વાત કરે તો પણ મારાથી જવાબ હિંદીમાં જ અપાઇ જાય.

મારા મમ્મી પોતે પણ તેમની માતૃભાષા મલ્યાલી બોલતા નથી : ધ્રુવ વ્યાસ
ધ્રુવ સુરતમાં ટેનિસ કોચીંગ કરાવે છે. ધ્રુવના મમ્મી ગીતાબેન મલ્યાલી છે અને પપ્પા રાહુલભાઇ ગુજરાતી છે. માતૃભાષા વિશે પૂછતા તે કહે છે કે મારા નાના 50 વર્ષ પહેલા કેરાલાથી મુંબઇ આવ્યા અને પછી હીરાના ધંધાર્થે સુરત શીફ્ટ થયા. મારા મમ્મી સુરતમાં જન્મીને ઉછર્યાં છે. તેઓને પણ મલ્યાલી સમજાય છે પણ તેઓ પણ બોલી નથી શકતા. મને ક્યારેય મલ્યાલી શીખવાનો રસ નહીં હતો. મારા પાપા ગુજરાતી છે અને હું પણ ગુજરાતમાં જ જન્મીને મોટો થયો. આસપાસ હું ગુજરાતી ભાષા જ સાંભળતો હતો એટલે મને ક્યારેય મલ્યાલી ભાષા શીખવાની રુચિ ન થઇ. મારા નાના-નાની મલ્યાલીમાં વાત કરે છે પણ મને બોલવાનું તો દૂર મલ્યાલી ભાષા સમજાતી પણ નથી.

મારી માતાનો આગ્રહ હતો કે અમને અમારી ફેમિલીમાં બોલાતી ગુજરાતી ભાષા આવડવી જ જોઇએ : આહના ગજીવાળા
આહના DPS સ્કૂલમાં વિદ્યાર્થીની છે. તે મમ્મી આશુ પંજાબી છે અને પિતા ગૌરવ ગુજરાતી છે. પંજાબી ભાષા આવડવા વિશે પૂછયું તો કહે છે કે આમ તો મને બધી ભાષાઓ ખૂબ ઇન્ટરેસ્ટીંગ લાગે છે પરંતુ મને પંજાબી થોડી ઘણી જ બોલતા આવડે છે. તે કહે કે હું ગુજરાત – સુરતમાં જ જન્મી અને ઉછરી છું અને મારી આજુબાજુ ગુજરાતી લોકો હોય છે અને હું ગુજરાતી વધારે સાંભળું છું. ઘરમાં માહોલ પણ ગુજરાતી જ છે. મારા ઘણા ફ્રેન્ડસ છે જેમાં પંજાબી, મારવાડી, ગુજરાતી બધાનો સમાવેશ થાય છે. જયારે નાના-નાનીના ઘરે જાઉં છું તો થોડું પંજાબી બોલવા – સમજવાની કોશિશ કરું છું. મારી મમ્મી પણ ગુજરાતી પરિવારમાં આવી અમે એણે એ વાતનો આગ્રહ રાખ્યો છે કે મને અને મારા ભાઇને અમારી ફેમિલી લેંગ્વેજ એટલે કે ગુજરાતી આવડવી જોઇએ. જોકે આગળ જતા હું પંજાબી ભાષા વધારે શીખી શકું એવી ઇચ્છા રાખું છું.

મૂળ સુરતી પરિવારનો દીકરો 8 વર્ષે ભાંગી-તૂટી ગુજરાતી બોલી શકે છે
સુરતના આનંદ મહેલ વિસ્તારમાં રહેતાં રાજ ગજ્જરનો દીકરો આર્યન જ્યારે બોલતાં જ શીખી રહ્યો હતો ત્યારે તેની સોસાયટીના અન્ય પ્રાંતના બાળકો સાથે હિન્દી ભાષા બોલતાં-બોલતાં ક્યારે કડકડાટ હિન્દી બોલતાં શીખી ગયો એ ખબર જ ના પડી. આર્યનના મમ્મી ક્રિષ્ના જણાવે છે કે, ‘શરૂઆતમાં અમને એના હિન્દી બોલવાથી મજા આવતી હતી, પણ અમે મૂળ સુરતી હોવાથી કોઈપણ પ્રસંગે કે સગા-વ્હાલાંના ઘરે જઈએ ત્યારે લોકો અમને આ બાબતે ટોકતાં હતા કે ગુજરાતી કેમ નથી આવડતી. એટલું જ નહિ, અમુક જગ્યાએ તો લોકો અમને પણ હિંદીભાષી સમજી લેતાં હતા.’ જો કે, આજે આર્યન 8 વર્ષનો થયો છે અને તેની નાની બહેન કે જે ગુજરાતીમાં જ વાત કરી શકે છે એના માટે ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

અમારી સાથે કાશ્મીરી ભાષા બોલવાવાળું કોઇ હતું જ નહીં : સની પટેલ
સનીભાઇ મૂળ સુરતના હાલ અમદાવાદમાં ક્રિકેટ કોચીંગ કરે છે. તેઓ જણાવે છે કે એમના મમ્મી શ્રીનગરનાં છે અને પિતા ગુજરાતી. મારા મમ્મી 1980-81 માં કાશ્મીરથી સુરત શીફટ થઇ ગયા હતા. તેઓ કહે છે કે મારા પપ્પા ગુજરાતી હોવાથી જયારે મારો જન્મ થયો ત્યારે મારા મમ્મી ગુજરાતી ભાષા શીખી ગયા હતા અને મારી સાથે કાશ્મીરી બોલવાવાળું કોઇ હતું નહીં એટલે હું શીખી ન શકયો. મારા મમ્મી સાથે પણ કાશ્મીરીમાં વાત કરનાર આજુબાજુમાં કોઇ ન હતું. હું અને મારી બહેન બંને કાશ્મીરી ભાષા નથી બોલતા. હું શ્રીનગર કાશ્મીર ઘણી વાર ગયો છું પણ ત્યાં હવે કોઇ પરિવારમાંથી રહેતું નથી. મુંબઇમાં આખી અમારી કાશ્મીરી કમ્યુનિટી છે, ત્યાં અમારા ઘણા સંબંધીઓ પણ રહે છે એટલે ત્યાં મારા ઘણા કઝીન્સને કાશ્મીરી આવડે છે, પરંતુ હું અને મારી બહેન અમારી માતૃભાષા શીખી ન શકયા.

Most Popular

To Top