હિંદુ સનાતન ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ છે. એમાં પણ દરેક પૂજામાં શ્રીફળનો વિશેષ ઉપયોગ થાય છે. મોટાભાગની પૂજામાં શ્રીફળનો ઉપયોગ વધુ થતો હોવાથી ઘણી વેળાએ લીલા નારિયેળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખેર, અનેકો વખત પૂજામાં દેવસ્થાને ચઢાવેલું નારિયેળ ખરાબ નીકળે છે ત્યારે ઘણાને અમંગળ લાગતા વહેમ અને કુશંકા પણ જાગે છે અને અશુભ વિચારો આવે છે કે, તેઓની પૂજા સેવા સફળ નથી થઈ અને ખરાબ નારિયેળના માધ્યમથી ભગવાન એવો સંકેત આવી રહ્યા છે કે તેમની પૂજામાં વિઘ્ન છે વિગેરે… કિન્તુ ધર્મ અને શાસ્ત્રોના જાણકારોનો મત આના કરતા અલગ પડે છે.
વિદ્વાન પંડિતોના મતાનુસાર પૂજા અને દેવસેવામાં નારિયેળ ખરાબ નિકળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ધર્મના જાણકારોના મતે પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતા નારિયેળને વધેરવાથી જો તે કુદરતી રીતે ખરાબ નીકળે છે તો તેનો મતલબ છે કે ભગવાને પૂજાને સપ્રેમ સ્વીકાર કરી લીધી છે અને સાથે જ પૂજા સેવાનું સાર્થક પરિણામ જલ્દી જ પ્રાપ્ત થશે! એ માટે દેવસેવા પૂજાપાઠનું શ્રીફળ ખરાબ નીકળે તો ગભરાવું નહિ અને ખોટી ચિંતા કરવી નહિ.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતને સ્વર્ગ બનાવો અને વિશ્વને કુટુંબ
હું હાયર એજ્યુકેશન ફિલ્ડમાંથી આવું છું. અમે પણ આપણા દેશને સ્વર્ગ બનાવવા માંગીએ છીએ. જેમાં આરોગ્ય, સંપત્તિ અને ખુશીઓ સાથે લોકો રહે. દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેને ઉકેલવા માટે આપણી પાસે દૂરદર્શિતા હોવી જરૂરી છે. આપણે ખૂબ જ મૂળભૂત સ્તરેથી એટલે કે શાળા સ્તરેથી શરૂઆત કરવાની જરૂર છે. જો દરેક વ્યક્તિનો પાયો મજબૂત હોય અને નૈતિક મૂલ્યો સાથે હોય તો આપણે પ્રામાણિક, વફાદાર, નૈતિક નાગરિકો સાથે એવા સ્ટ્રોન્ગ ઇન્ડિયાનું નિર્માણ કરી શકીએ છીએ, જેને સફળતા તરફ આગળ વધવામાં હોય.
આપણા ભારતીય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને લાગુ કરીને, આપણે આપણા વડાપ્રધાન મોદીના સ્વપ્નને અનુરૂપ ભારતને “સ્વર્ણિમ ભારત” બનાવી શકીએ છીએ. (૧) શિક્ષકોને સશક્ત બનાવીને નાગરિકોમાં નૈતિક મૂલ્યો વિકસાવવા. (૨) શિક્ષણ પ્રણાલીને પવિત્ર ક્ષેત્ર તરીકે પ્રોત્સાહન આપવું. (૩) દરેક ઘરમાં સ્વચ્છ ઊર્જાથી પૈસા અને ખોરાક આવે. (૪) નારી શક્તિ સાથે આપણી શિક્ષણ પ્રણાલીને પ્રસ્તુત કરવી અને સશક્ત બનાવવી. (૫) આપણા દેશમાંથી બહાર જવા માટે હોંશિયાર વિદ્યાર્થીઓને અટકાવવા.
સુરત – પ્રો.સ્નેહલ ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.