માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ ,નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા જ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનો કડક સર્ક્યુલર કાઢ્યો હતો. પરીક્ષા લેવા અંગેની તમામ તૈયારીઓ વીજળીક ગતિએ થઈ ગઈ હતી. પરંતુ નોન ગ્રાન્ટેડ શાળાઓએ વાંધો ઊઠાવતાં બોર્ડે સ્વયં પરીક્ષા લેવાનું જ માંડી વાળી આજ્ઞાંકિત શાળાઓને પારાવાર મુશ્કેલીમાં મૂકી દીધી હતી. આવા સર્ક્યુલરો કે જેને કોમેન્ટની ભાષામાં ફતવા કહી શકાય તે વિના આયોજને બીલકુલ અવ્યવહારુ, અતિ ગુંચવાડાભર્યા હોવાથી શાળાઓ માટે ફક્ત ગુંચવાડો જ પેદા કરે છે.
તેને કારણે શૈક્ષણિક ક્ષેત્રે એટલી બધી ગેરવ્યવસ્થા ઊભી થઈ છે કે જ્યારથી સરકારશ્રી તરફથી પાઠ્યપુસ્તક મંડળ રચાયુ તે જ વર્ષથી વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો મળતાં નથી. આવી જ પરિસ્થિતિ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવાની કાર્યવાહી જ્યારથી સત્તાવાળાઓના હાથમાં કેન્દ્રિત થઇ ત્યારથી લાખ્ખો વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે. આજે પણ જ્યારે કોલેજનું પ્રથમ સત્ર પુરું થવાની તૈયારીમાં છે, ત્યાં સુધી હજી પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થયો નથી. તે પ્રથમ રાઉન્ડ પૂરો થાય, તે પહેલાં બીજો રાઉન્ડ શરૂ કરી દેતાં પ્રથમ રાઉન્ડનાં હોંશિયાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રઝળી પડશે, એવી ભીતિની સાથોસાથ યુનિવર્સિટીનાં લાખ્ખો વિદ્યાર્થીઓનું ભાવિ પ્રવેશ વિના પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતાં સમગ્ર વિદ્યાર્થી આલમ ગભરાઈ ગઈ છે, આ સદંતર ગુંચવણભરી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી નીતિઓને કારણે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ભારે અન્યાય થઈ રહ્યો છે.
તેમનો વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ ભારે આર્થિક બોજો સહન કરીને પણ વધ્યો છે. વિદેશોમાં ત્યાંની સરકારોની લગભગ બીલકુલ દખલગીરી હોતી નથી. ત્યાં લાંચરૂશ્વતનું પ્રમાણ, અધિકારીઓની તુમારશાહી, નિર્ણયમાં વિલંબ હોતો જ નથી. પરિણામે એ દેશો સાથે ભારત જેવા દેશો તેમની સાથેની હરિફાઇમાં પેંગડામાં પગ મૂકી શકે તેમ નથી. સમગ્ર દેશમાં ગુજરાતનો ક્રમ યુ.પી. , બિહાર રાજ્ય કરતાં પણ પાછળ ૧૩મા ક્રમે ધકેલાઇ ગયો છે.
ભેસ્તાન – બી .એમ. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.