ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ કરે છે તેની ય વાત ચિંતાપૂર્વક કરી છે. પરંતુ અહીં કહેવાનું એ થાય કે સામાન્ય લોકોમાં ઉપચારના જ્ઞાન વિના ઉપચારની પદ્ધતિ શોધવાની અવઢવ તો આ ડોકટરોએ હોસ્પિટલો જ નથી પેદા કરી? કયા ડોકટરનું માનવું? બધા જ માર્ગદર્શક હોવાનો દાવો (પૂરતી ફી લઈને) કરે છે અને બધા જ ડોકટરોમાં યોગ્ય ઉપચાર શું તેની અનિશ્ચિતતા હોય છે.
રેમડેસિવર, ટોસીલીઝુમાબ વિના બચી નહીં શકશો. સ્ટેરોઇડ આપવી જ પડશે એવું તેમના વડે જ થતું હોય છે તો દર્દીઓ તેમનાં સગાઓ શું કરે? કયારેક લાગે છે કે ઘણા બધા ડોકટરોની સલાહો લો તો માણસ જીવી ન શકે. કયા ડોકટરનું કહેલું માનવું? કોણ યોગ્ય નિદાન પછી જરૂરી ઉપચાર કરે છે તે કેવી રીતે નક્કી કરવું? ડોકટરો દર્દી સાથે પ્રયોગ કરતા હોય એવું અનેક વાર બન્યું છે. સ્વેચ્છાએ મેડિકલનું અધકચરું જ્ઞાન લઈ સારવાર કરવા વિશે જાગૃત થવાની જરૂર છે પણ બધા મેડિકલી કવોલિફાઈડ કઈ રીતે થશે? ઓછા-વધતા જ્ઞાન સાથે દરેક ડોકટરો પ્રેકટિસ કરે છે ને જ્ઞાન ઓછું વધતું હોય પણ ધંધો તો પોતાનો જ વધવો જોઈએ એવી સ્પર્ધા છે એટલે આ વર્ગે આખા સમાજને ચક્કરે ચડાવ્યો છે.
પૂણે-નીલુ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.