બે વ્યક્તિઓ હાલમાં જ પૂરી થયેલી નગરપાલિકાની ચૂંટણીની વાત કરતા હતા. તેઓ વાત કરતાં કરતાં જીત અને હારનું વિશ્લેષણ પણ કરતા હતા. એક ચોક્કસ વાત ઉપર આવીને તેઓ અટકી ગયા કે જે કેન્ડિડેટ સારો હતો પણ ગયા વખતની જીતના મદમાં તે છકી ગયો અને પરિણામે લોકોએ સારા ઉમેદવારને પણ હરાવ્યો. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ ઉદાહરણ દરેકને લાગુ પડે છે. સફળતા મેળવવી એટલી બધી અઘરી નથી પરંતુ તેને પચાવવી અને નમ્ર રહેવું એટલું જ અગત્યનું છે. આપણે ઘણાં ઉદાહરણ જોયાં છે કે જેમણે સફળતા મેળવી છે પરંતુ તેને ટકાવવા તેમને આખે અંધારા આવી જાય છે. સફળતા મળવાથી વ્યક્તિમાં અનેરો આત્મવિશ્વાસ આવી જાય છે. આત્મવિશ્વાસને પરિણામે વધુ ને વધુ કામ કરતો જાય છે અને વધુ ને વધુ સફળતા મળતી જાય છે. પરંતુ આ જ વિશ્વાસથી માણસમાં અહંકાર આવી જાય છે અને તેનું પરિણામ અતિ આત્મવિશ્વાસમાં ફેરવાઈ જાય છે અને ત્યાંથી જ માણસના પતનની શરૂઆત થઈ જાય છે.
વ્યક્તિ જ્યારે અહમ્માં ફસાતો જાય ત્યારે આડંબરના વમળમાં લપેટાઈ જાય છે. આવા સમયે `પોતે જ શ્રેષ્ઠ છે’ અને `હું કહું એ જ સાચું’ એવો વ્યક્તિના મનમાં ભ્રમ ફેલાઈ જાય છે, જ્યારે માણસને પોતાને એવું લાગે કે `હું હંમેશાં સાચો અને બાકી બધા ખોટા’ ત્યારે સમજી લેવું કે તે માણસે પોતાની સામેવાળા માણસને ઓળખવાની શક્તિ ગુમાવી દીધી છે. અહમ્ માણસનો વિનાશ સર્જે છે. સફળતા એ સારી વાત છે, પરંતુ તેના લીધે અભિમાની થવું અને સામા માણસને તુચ્છ સમજવું એ નરી મૂર્ખતા છે.
જે વ્યક્તિ સફળતાના નશામાં મત્ત થઈ જાય છે તે પોતાના ખરાબ સમયે જે વ્યક્તિઓએ સારો સાથ આપ્યો હોય છે તેને પણ ભૂલી જાય છે. સફળ વ્યક્તિ ક્યારેક સેલ્ફિશ થઈ જાય છે અને પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે. તેને કોઈની પડી નથી તેવો દેખાવ કરતો થઈ જાય છે. આવી વ્યક્તિનો જ્યારે ખરાબ સમય ચાલુ થાય કે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાય ત્યારે જ તેને મિત્રોની કે બીજા લોકોની યાદ આવે છે. એક ઉદાહરણ જોઈએ.
લાલ બહાદુર શાસ્ત્રીને કોણ ન ઓળખે? ભારતના એક વખતના શક્તિશાળી વડાપ્રધાન લાલ બહબાદુર શાસ્ત્રી સીધાસાધા સજ્જન હતા. તેઓ એક સફળ વ્યક્તિ હતા પરંતુ તેમને પોતાની પ્રસિદ્ધિમાં લેશમાત્ર રસ ન હતો. તેઓ હંમેશાં લોકો માટે પ્રેરણાદાયી બનતા અને ઊંચું અને મહાન કામ શ્રેષ્ઠ કેવી રીતે કરવું એ જ એમનું ધ્યેય હતું. કોઈએ તેમને પૂછ્યું, “તમે આટલા બધા સફળ વ્યક્તિ છો, દેશવિદેશમાં તમારું નામ છે છતાં તમે પ્રશંસા ને પ્રસિદ્ધિથી કેમ દૂર ભાગો છો?’’
લાલ બહાદુર શાસ્ત્રીએ જવાબ આપ્યો, “તમે તાજમહાલ જોયો છે? તેમાં કેવા આરસપહાણના પથ્થરો જડેલા છે. લોકો તેની બહુ પ્રશંસા કરે છે પણ આ તાજમહાલ જેના ઉપર ઊભો છે એ પાયાના પથ્થરની કોઈ પ્રશંસા કરતું નથી. મને એ પાયાના પથ્થર ગમે છે, મને એવા માણસો ગમે કે પોતાની સફળતાની ગાથા ન સંભળાવે પરંતુ પોતાની સફળતા અને પ્રતિષ્ઠા કર્યા વગર ઇમારતો ટકાવી રાખે. મારે એવા બનવું છે, હું પાયાનો પથ્થર બનવા માગું છું.’’
તેમણે વધુમાં કહ્યું, “આ પ્રકારના ધ્યેયમાં માનસિક સજ્જતા અને વિનમ્રતા ભળે છે અને લાંબા સમય સુધી એ ચાલુ રહે છે. માણસે સફળતામાં પણ બીજાને લાભદાયી અને કલ્યાણકારી કાર્યો કરવાં જોઈએ અને તો જ દુનિયા તમને અનંત વર્ષો સુધી ભૂલશે નહીં. આ પ્રકારના વિચારો માણસને ઉચ્ચ વિચારવાળો અને સારા હૃદયવાળો બનાવે છે.’’ લાલબહાદુર શાસ્ત્રીના મત મુજબ – સફળતા એ તમારાં કાર્યોનો પાયો છે. જો તમે વિનમ્ર રહેશો તો આ પાયા પર ઇમારત રચી શકાશે. નહીં તો અહંકારમાં ઇમારત ક્યારે ધરાશાયી થઈ જાય એની ખબર પણ નહી પડે.
ubhavesh@hotmail.com