આજે વિચાર આવ્યો કે ચાલ નદી કિનારે જઇ બાંકડે બેસું. અસ્ત થતાં સૂરજને પણ જોવાય અને એની સિંદૂરિયા લીલાને માણી શકાય અને હું એક બાંકડે જઇ બેઠો. મારી બાજુનાં બાંકડા પર એક દાદા અને દાદી બેઠાં હતાં. દાદીમા પાસે મોટો ડબ્બો હતો અને દાદાજી પાસે બગલથેલો. એમનાં બાંકડા પાસેથી જે પસાર થાય તેને દાદા એક ચોકલેટ આપે અને દાદી એક લાડુ. ઘરેથી લાડુ બનાવીને ડબ્બામાં ભરીને નિકળે. દાદા બગલથેલામાં ચોકલેટ રાખે. મને પણ બોલાવી એક ચોકલેટ અને એક લાડુ આપ્યાં. એટલે મેં કુતુહલવશ એમને પુછયું કે તમે રોજ અહીં આવો છો? તો તેમણે હા કહી અને રોજ આ રીતે બધાને ચોકલેટ અને લાડુ આપો છો તો પણ હા કહી.
અને અમે તો રસ્તે પણ બધાને ચોકલેટ, લાડુ આપતા આપતા આવીએ છીએ! મને નવાઇ લાગી એટલે મેં એમને પુછયું કે દરરોજ ચોકલેટ અને લાડુ વ્હેંચો છો તે તમારો દિકરો સારું કમાતો હશે. દાદાએ કહ્યું કે આ દિકરાની કમાણી નથી. આ અમારી પોતાની કમાણી છે. દિકરો તો અમેરિકા ગયો તે આવ્યો જ નથી. ત્યાં જ પરણીને સેટલ થઇ ગયો. કદી અમને ફોન પણ નથી કર્યો કે પત્ર પણ નથી લખ્યો. એક દિકરી હતી તે પરણાવી દીધેલી પરંતુ કારનાં અકસ્માતમાં મૃત્યુ પામેલી. પરણીને એક વર્ષે અકસ્માત થયેલો. એટલે બાળકો પણ નહતાં. હું અને આ દાદી અમે બંને બેંકમાં સર્વિસ કરતા હતાં ત્યારે સારી એવી બચત કરેલી અને આજે પેન્શન આવે છે. તેમાંથી ઘર સારી રીતે ચાલે છે. બચતમાંથી ચોકલેટ ખરીદીએ અને દાદી લાડુ બનાવે. અને બધાને વહેંચીએ છીએ.
કહેવત છે ને ‘આપો તો બે ગણું વધે’ મેં પૂછયું હાલ તમારો સમય કેવી રીતે પસાર કરો છો. દાદાએ કહ્યું વાંચીને, લખીને, અમને બંનેને વાંચવાનો શોખ છે અને લખવાનો પણ શોખ છે. યુવાન વયે કવિતા, વાર્તા વગેરે લખતો હતો. ઘણી છપાતી હતી. હાલ ગુજરાતમિત્રમાં ચર્ચાપત્રો લખુ છું. લખવાથી અને વાંચવાથી અને ‘એલઝાઇમર’- ભૂલકણાંપણું-માંથી બચ્યા છીએ. ખૂબ બધું ભૂતકાળનું યાદ છે પરંતુ કદી વગોળતા નથી. ભૂતકાળ એટલે ભૂતકાળ! ગયો. આજે જે જીવન છે તેને આનંદથી જીવીએ છીએ. ભવિષ્યની પણ ચિંતા કરતાં નથી. આટલી જૈફ ઉમરે પણ તમે આનંદથી જીવો છો એ જોઇને મને ખૂબ આનંદ થયો. હું પણ તમારો વિચાર અપનાવીશ. જૈફ ઉંમર થઇ’ તો શું થયું?’ અમને તો લાગતું પણ નથી કે ઉંમર થઇ. કાયમ આનંદથી જીવીએ છીએ. ત્યારે થયું કે માનવીએ એક કોઇ પણ શોખ તો કેળવવો જ જોઇએ!
પોંડીચેરી -ડો. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જાહેરમાં થૂંકનારાઓ સામે અભિયાન ચલાવો
રસ્તા પર ગુટકા અને પાન મસાલા ખાઈને થુંકવા જેવું અભદ્ર અને બે પરવાહ વર્તન કેમ ચાલી શકે ? સ્કુટર ચાલકો બેફીકર ચાલું સ્કૂટરે થુંકે છે. રસ્તા બગડે, જીવાણું સ્પ્રેડ થાય અને પાછળે છાંટા ઊડેતે અલગ. ફોરવીલ હોય તો દરવાજો ખોલીને થુંકે. કોઈ શરમ જ નથી આવતી ! આની સામે એક મોટું અભિયાન ચલાવવું જોઈએ. જે પણ કેમેરામાં કે રસ્તા પર થુંકતો પકડાય તેને ફાઈન્ડજ ન થાય પણ સજાય આપો. 8 કલાક જેલમાં બેસાડો અને ફોટો પાડીને પેપરમાં આપો. એનું લાયસન્સ એક વીક માટે કેન્સલ કરી ગાડી જપ્ત કરી લો. આ અભિયાન આપણા ગુજરાતમિત્રમાં ચર્ચા પત્રથી ચાલું કરો અને એને એક દિશા આપો. સ્વચ્છતા અભિયાન માટે, સ્વચ્છ સુંદર સુરતને ગુજરાતની મુરત રહેવાદો.
પાલનપુર પાટીયા -તુષાર એમ. શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.