ચીન: સમગ્ર વિશ્વને કોરોના (Corona) મહામારીમાં ધકેલનાર ચીનમાં (China) ફરી એક વાર કોરોનાનો ભય ત્રાટક્યો છે. ત્યારે સરકાર તરફથી ઝીરો કોવીડ પૉલિસી (Zero Covid Policy) અપનાવવામાં આવી છે જેના ભાગ રૂપે અવારનવાર શહેરો પર લોકડાઉન (lock down) લગાડવામાં આવી રહ્યા છે. ગત રોજ ચીનમાં આવેલ એપ્પલ (Apple) કંપનીના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક પ્લાન્ટમાં કોરોનાનો કેસ મળતા પ્લાન્ટના તમામ દરવાજા લૉક કરી દેવામાં આવ્યા હતા જેથી ત્યાં કામ કરતા તમામ કારીગરોને પ્લાન્ટમાં રહેવાની ફરજ પડી હતી. હવે આવો જ એક બનાવ ચીનના શાંઘાઈમાં (Shanghai) આવેલા ડિઝનીલેન્ડ (Disneyland Park) ખાતે બન્યો છે જ્યાં પાર્કની મુલાકાતે આવેલા હજારો લોકોને ચીની અધિકારીઓ દ્વારા પાર્કમાં પુરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે જ્યાં સુધી તેમનો કોવીડ રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને ગેટમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં.
એક સેહલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને પ્રસરી ગઈ અરાજકતા
ચીનના અધિકારીઓ દ્વારા ગૅટ અચાનક બંધ કરી દેવતા શાંઘાઈના ડિઝનીલેન્ડની મુલાકાતે આવેલા સહેલાણીઓ મુંજવણમાં મુકાયા હતા. આ રીતે ગૅટ બંધ કરવાથી ફરવા આવેલા હજારો પર્યટકો ડિઝની પાર્કમાં જ કેદ થઈ ગયા. આ વિચિત્ર પરિસ્થિતિ સર્જવાનું કારણ એ હતું કે પાર્કની મુલાકાત લેવા આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, ઝીરો કોવિડ નીતિને પગલે ચીનમાં અરાજકતા જોવા મળી હતી. અન્ય કોરોનાગ્રસ્ત દર્દીની ઓળખ કરી શકાય તે માટે ચીની અધિકારીઓએ શાંઘાઈમાં ડિઝની પાર્કનો દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન પાર્કની મુલાકાત લેવા આવેલા હજારો લોકો ત્યાં જ રોકાઈ ગયા હતા. અહીંથી આવેલા લોકો માટે પાર્કનો દરવાજો ત્યારે જ ખુલ્યો જ્યારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા.આ સમગ્ર ઘટના દરમિયાન લોકોએ કલાકો સુધી પાર્કમાં કેદ રહેવાની ફરજ પડી હતી.
ડિઝની પાર્કની મુલાકાતે ગયેલા શહેરીજનોને કોરોના ટેસ્ટ કરાવવાની ભલામણ
મળતી માહિતી અનુસાર ચીની અધિકારીઓએ બાદમાં શાંઘાઈ શહેરના રહેવાસીઓને કહ્યું કે જો તેઓ મંગળવારે શાંઘાઈમાં ડિઝની પાર્કની મુલાકાતે ગયા હતા તો તેઓ તાત્કાલિક ધોરણે કોરોના ટેસ્ટ કરાવવો અને જ્યાં સુધી તેમના રિપોર્ટ્સ નૅગેટિવ ન આવે ત્યાં સુધી અન્ય લોકોના સંપર્કમાં ન આવવું. અહીં સુધી કે પાર્કની મુલાકાતે ગયેલા બાળકોને આગામી ત્રણ દિવસો સુધી શાળાએ ન જવાની અને વયસ્કોને કામ પર ન જવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી.
સ્થાનિકો સાથે પ્રવાસીઓ પણ ફસાયા
તમને જણાવી દઈએ કે ચીનમાં હેલોવીનનો તહેવાર ઉજવાય રહ્યો છે આવામાં ચીનના ઘણા શહેરોમાંથી પ્રવાસીઓ શાંઘાઈ ફરવા આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે તેને ચીની અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેના પરિવારને સેન્ટ્રલ ક્વોરેન્ટાઇનમાં જવું પડશે. જયારે એક મહિલાએ કહ્યું કે તેને કેટલાક કલાકો પછી રાત્રે 10 વાગ્યે પાર્કમાંથી બહાર જવાની પરવાનગી મળી બહાર આવ્યા બાદ અતિશય ઠંડી અને ભૂખથી તેણીની હાલત કફોડી બની હતી. શહેરના અધિકારીઓનું કહેવું છે કે હાલમાં જ 31 વર્ષની એક મહિલા આ પાર્કની મુલાકાત લેવા આવી હતી, બાદમાં આ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોનના વધતા આંકડાઓએ ચીનમાં મચાવ્યો ખળભળાટ
એક રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે ચીનના 28 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે 20.8 કરોડની વસ્તી પ્રભાવિત થઈ છે. 17 ઓગસ્ટ પછી ચીનમાં 1 ઓક્ટોબરના દિવસે સૌથી વધુ, 2719 કેસ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર, આ આંકડો ઓછો હોઈ શકે છે, પરંતુ આ આંકડાઓએ શૂન્ય કોવિડ નીતિને અનુસરતા ચીન માટે ખળભળાટ મચાવ્યો છે. તાજેતરના આંકડાઓ પછી, સરકારે ગુઆંગઝુ અને દાંડોંગમાં લાગેલા કોવીડ પ્રતિબંધને લંબાવ્યો છે.