Business

કેવો ખોરાક સંતાનપ્રાપ્તિમાં મદદરૂપ થઈ શકે?

અગાઉના બે અંકોથી આપણે નિ:સંતાનપણા માટે જવાબદાર પરિબળો અને તેના આહારવિષયક ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે એ માળાનો આખરી મણકો, યોગ્ય આહાર અને સંતાનપ્રાપ્તિ તથા તે માટે સ્ત્રીપુરુષો માટે મદદરૂપ એવા આહાર વિશે ચર્ચા કરીશું. સંતાનપ્રાપ્તિ માટે સ્ત્રી અને પુરુષ એમ બંનેના શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો હોવા જરૂરી છે. અમુક પોષક તત્ત્વોની ખામી પણ ક્યારેક યુગલોને સંતાન પ્રાપ્તિથી વંચિત રાખતી હોય છે. તો આજે આપણે આ પોષક તત્ત્વો વિશે જાણીએ.

સેલેનિયમ
સેલેનિયમ એ એન્ટી ઓક્સિડન્ટ સ્વભાવ ધરાવતું ખનીજ છે જેની ઊણપ એ સ્ત્રીઓમાં વારંવાર થતાં મિસ કેરેજ અને પુરુષોમાં થતી શુક્રાણુઓની સંખ્યાની ખામી તથા શુક્રાણુની મોટિલિટીમાં ઘટાડા માટે જવાબદાર છે. સેલેનિયમ આપણને લસણ, ઘઉંની લાપસીના ફાડા, અખરોટ, સૂર્યમુખીનાં બીજ તથા માંસાહારીઓને લીવર, કિડની જેવાં અંગો તથા ખારા પાણીની માછલીઓમાંથી મળી રહે છે. આ ખાદ્યપદાર્થોનો રોજિંદા આહારમાં ઉમેરો મદદરૂપ સાબિત થાય છે.
વિટામિન સી
વિટામિન સી એ પુરુષોમાં  DNAમાં થતાં નુકસાનને બચાવે છે. વળી, સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના બેલેન્સ માટે જવાબદાર છે. આમ, વિટામિન સી નો વંધ્યત્વ નિવારણમાં મોટો હાથ છે. વિટામિન સી આપણને આમળાં, સ્ટ્રોબેરી, સંતરાં, લીંબુ જેવાં ફળો, બ્રોકોલી, બટાકા, લાલ- પીળા- લીલા કેપ્સિકમ, કોબીજ, સરગવો જેવાં શાક દ્વારા પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

ઝીંક ( જસત)
ઝીંક એ DNAના બેવડાવવા માટે, ગર્ભપાતને રોકવા માટે, પુરુષ અને સ્ત્રીના હોર્મોન્સના નિયમન માટે અને ટૂંકમાં સંપૂર્ણપણે પુરુષ અને સ્ત્રીની  ફળદ્રુપતા માટે સૌથી અગત્યનું ખનીજ છે. આ ઝીંક આપણને કોળાંનાં બીજ, લીલી ભાજી, શેલ ફિશ( ઑયસ્ટર) અને ચિકન દ્વારા મળે છે.
ફોલિક એસિડ
ફોલિક એસિડ વારસાગત જનીનિક રોગોનું વહન અટકાવવા માટે ખૂબ જરૂરી છે. એથી જ સંતાનપ્રાપ્તિ માટેની સારવાર લેતા દંપતીઓને ડૉકટર દ્વારા ફોલિક એસિડની દવાઓ લેવાનો અનુરોધ કરવામાં આવે છે. વળી, વિટામિન બી ૧૨ અને ૬ ની સાથે ફોલિક એસિડ લેવાથી સ્વસ્થ DNA અને RNAના નિર્માણને વેગ મળે છે. લીલી ભાજી, બ્રોકોલી, વટાણા, બ્રાઉન રાઈસ એ ફોલિક એસિડના સ્ત્રોત છે.

ઓમેગા ૩ ફેટી એસિડ
સ્ત્રી અને પુરુષમાં વંધ્યત્વ માટે જવાબદાર એવા રોગોની સારવાર માટે ઓમેગા 3 ફેટી એસિડ જરૂરી છે. આ ઉપરાંત સ્ત્રીબીજના ઉત્પાદન માટે પણ ઓમેગા 3 ફેટી એસિડનું મહત્ત્વ છે. ઓમેગા 3 ફેટી એસિડ આપણને પાલકની ભાજી, અખરોટ, બદામ, અળસીનાં બીજ દ્વારા મળી રહે છે.
ક્રોમિયમ
ટામેટાં, કાંદા અને બટાકામાં રહેલું ક્રોમિયમ PCOD જેવી સમસ્યાઓથી પીડાતી સ્ત્રીઓ માટે અસરકારક છે. PCOD માં ઇન્સ્યુલીનનું કાર્ય ખોરવાય છે અને જેને બેલેન્સ કરવામાં ક્રોમિયમ મહત્ત્વનો ભાગ ભજવે છે.

વિટામિન ઈ
વિટામિન ઈ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં ઉપયોગી છે. વળી એક અનોખા ગુણ તરીકે વિટામિન ઈ ગર્ભાશયના મુખ ( સર્વિક્સ) દ્વારા મ્યુક્સનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે . આ મ્યુકસ દ્વારા શુક્રાણુઓ વધુ સમય સુધી ગર્ભાશયમાં જીવિત રહી શકે છે. આ ઉપરાંત ગર્ભાશયની દીવાલને વધુ મજબૂત કરવા માટે  પણ વિટામિન ઈ જવાબદાર છે. વિટામિન ઈ આપણને સૂર્યમુખીનાં બીજ, ઈંડાં, પાલકની ભાજી , બદામ જેવા સૂકામેવા દ્વારા મળી રહે છે.

આયોડિન 
આયોડિનનું મુખ્ય કાર્ય થાઈરોઈડ ગ્રંથિનું નિયમન કરવાનું છે. થાઈરોઈડનું કાર્ય ખોરવાતાં, અનિયમિત માસિક અને સ્ત્રીબીજના નિર્માણમાં વિલંબ જેવી તકલીફો સર્જાય છે. જે પરોક્ષ રીતે નિ:સંતાનપણા માટે જવાબદાર છે. આયોડિન આપણને ઈંડાં, મીઠું અને દરિયાઇ વનસ્પતિ તથા દરિયાઇ માછલીઓ દ્વારા મળે છે.  આમ ઉપર મુજબનાં પોષક તત્ત્વોના યોગ્ય પ્રમાણથી ગર્ભધારણની શક્યતાઓ વધી શકે છે.  આ ઉપરાંત દારૂનું સેવન અને સિગારેટની આદતો પણ વ્યંધત્વમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. જ્યારે સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્નો કરતા હોઈએ ત્યારે આ આદતોથી દૂર રહેવું હિતાવહ છે.

Most Popular

To Top