Business

આ ‘ઘોસ્ટિંગ’વળી શું છે?

આજની આ જનરેશન Zની ડિજિટલ દુનિયામાં ડગલે ને પગલે નવા નવા શબ્દો એવી ઝડપથી ઉમેરાતા જાય છે કે આધેડોની દુનિયાવાળા ચકરાવે ચઢી જાય.  આવા બે શબ્દ થોડા જૂના હોવા છતાં આજકાલ ફરી વપરાશમાં આવી ગયા છે. એમાંથી એક છે ‘ગેસલાઈટિંગ’અને બીજો છે ‘મૂનલાઈટિંગ’. ‘ગેસલાઈટિંગ’ એટલે કે એક એવી ભ્રામક સ્થિતિનું ઈરાદાપૂર્વકનું સર્જન, જેમાં સામેની વ્યક્તિને ઠસાવી દેવામાં આવે કે એ માનસિક રીતે એવી નબળી પડી ગઈ છે કે એ સાચા નિર્ણય લઈ શકે એવી સ્થિતિમાં નથી. આવો માનસિક માહોલ સિફતથી તૈયાર કરીને પેલી વ્યક્તિ પાસેથી જોઈતું કામ કઢાવી લેવામાં આવે છે. આવા ‘ઈમોશનલ ઍબ્યુઝ’ માનસિક અત્યાચાર પર આધારિત વર્ષો પહેલાં ઑસ્કર વિજેતા એક ફિલ્મ આવી હતી, જેનું નામ જ હતું : ‘ગેસલાઈટિંગ’!

હવે બીજો શબ્દ છે : ‘મૂનલાઈટિંગ’ અર્થાત ‘ચન્દ્રપ્રકાશ’ નહીં ,પણ મૂળ જોબ ઉપરાંત વધારાનું કામ કરવું, જેની મૂળ માલિકને ખબર ન હોય. …એને અંધારામાં રાખીને કરવામાં આવતું વધારાનું કામ, જે તમને વધારાની આવક રળી આપે. આ બન્નેમાં હવે ત્રીજો નવો શબ્દ ઉમેરાયો છે. એ છે ‘ઘોસ્ટિંગ.’ પહેલી નજરે આ શબ્દ પરથી એટલું તો સમજાય કે આમાં ‘ઘોસ્ટ’ એટલે ભૂત- પ્રેતને લગતું કંઈક હોવું જોઈએ. વાત અમુક અંશે એવી પણ છે. સંબંધ ‘મન-મોતી ને કાચ’ જેવા છે. એમાં તિરાડ પડે પછી ભાગ્યે જ ફરી જોડી શકાય. એમાંય કોઈ સાથે તમે રોમેન્ટિક સંબંધ ધરાવતા હો, રોજિંદા સંપર્કમાં હો અને અચાનક સામેની વ્યક્તિ કોઈ અજાણ્યા કારણસર તમારી સાથેનો સંપર્ક કાપી નાખે, તમારા મેસેજના જવાબ આપવાનું ટાળે, ફોન પર વાત કરવાનું પણ ટાળે એવી વર્તણૂક માટે ‘ઘોસ્ટિંગ’ શબ્દ વપરાય છે પણ શા માટે એને ‘ઘોસ્ટિંગ’ કહેવામાં આવે છે?

કહે છે ને કે જેમ ભૂત અચાનક ગાયબ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય અને સન્નાટો છવાઈ જાય તેમ કોઈ સાથેના આવા અચાનક સમાપ્ત થઈ ગયેલા સંબંધ માટે આ શબ્દ આજે ખાસ કરીને ઓનલાઈન ડેટિંગના જમાનામાં વિશેષ પ્રચલિત થયો છે.  હકીકતમાં આ શબ્દ સૌથી પહેલી વાર 1990 એટલે કે 33 વર્ષ પહેલાં વપરાશમાં આવ્યો. એ પછી ‘મરિયમ–વેબસ્ટર’ ડિક્સનરીએ 2017 માં એને સત્તાવાર સ્થાન આપ્યું. જોગાનુજોગ, આ શબ્દની સાથે એક બીજો શબ્દ પણ આજે પ્રચલિત થઈ રહ્યો છે. એ છે ‘સૉફ્ટ ઘોસ્ટિંગ’ અર્થાત સામેવાળી વ્યક્તિ સાથે એક ઝાટકે સંપર્ક કાપી નાખવાને બદલે સંબંધ ધીરે ધીરે ક્રમશ: ઓછા કરવાની રીતિને ‘સૉફ્ટ ઘોસ્ટિંગ’ કહે છે. પહેલાં મળવાનું ઓછું કરી નાખવું, મેસેજના જવાબ જલ્દી આપવા નહીં, આપવા તો ઓછા આપવા, સામેથી સતત ફોન આવે તો એકાદ વાર જ ફોન ઊંચકવો. સોશ્યલ મીડિયા પર એની પોસ્ટની ભાગ્યે જ કોઈ પ્રતિક્રિયા આપવી, ઈત્યાદિ.

‘ઘોસ્ટિંગ’ જેવા બીજા પણ કેટલાક શબ્દ છે, જેમ કે પેલો ચિત્રપટ્ટીનો કાલ્પનિક સુપર હીરો ફેન્ટમના પુત્ર ‘કાસ્પર’ પરથી આવેલો શબ્દ છે ‘કાસ્પરિંગ’…. કાસ્પરની ગણના એક ભલા-માયાળુ ભૂત તરીકે થાય છે. કોઈ સંબંધ પૂરો કરવાનો હોય તો આ મળતાવડા ભૂતની જેમ સામી વ્યક્તિ સાથે પ્રેમથી છુટ્ટા પડવાની પ્રક્રિયા ‘કાસ્પરિંગ’ તરીકે ઓળખાય છે!  ‘ઘોસ્ટિંગ’ની ભૂતાવળ તોડવા માટે એના વિરોધાભાસી બીજા કેટલાક શબ્દો પણ આજની યુવા પેઢીમાં જાણીતા છે. ઉદાહરણ તરીકે, ‘બ્રેડક્ર્મબિંગ’… સંબંધ આગળ વધારવામાં ખાસ રસ ન હોય છતાં સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચવા રોમેન્ટિક-ફ્લર્ટિંગ મેસેજ મોકલીને એવી આડકતરી છાપ પાડે કે ‘મને તો તમારી સાથે સંબંધ બાંધવામાં રસ છે’ ને પાછળથી વસ્ત્રો પરથી જાણે ધૂળ ખંખેરતો હોય એવી સહજતાથી ભૂલી પણ જાય. આવી ચેષ્ટા ‘બ્રેડક્ર્મબિંગ’તરીકે ઓળખાય છે.

આ શ્રેણીમાં હજુ એક રસપ્રદ શબ્દ છે ‘સબમરિનીંગ’ અર્થાત તમારી સાથે કોઈએ ઘોસ્ટિંગ કર્યું હોય એ પછી તમારા પક્ષે પણ વાત વિસરાઈ ગઈ હોય ત્યાં અચાનક તમારી સાથે ઘોસ્ટિંગ કરનારી પેલી વ્યક્તિ સામેથી મેસેજ-ફોન દ્વારા તમારો એ રીતે સંપર્ક કરવાનો શરૂ કરી દે જાણે ભૂતકાળમાં એના તરફથી કંઈ થયું જ ન હોય. બીજા શબ્દોમાં કહો તો પહેલાં સંબંધના સમુદ્રમાં સબમરિનની જેમ ડૂબકી મારીને અદ્રશ્ય થઈ જાય અને પાછળથી ફરી પ્રગટે સબમરિનની જેમ!

ઓનલાઈન ડેટિંગ એપ પર ‘ઘોસ્ટિંગ’નો વધુ પડતો ઉપયોગ થાય છે એને કારણે ઘણા સંબંધમાં ન જોઈતી તિરાડ પડી જાય છે. એને અટકાવવા ‘ટેમ’, ‘ટિન્ડર’, ‘બમ્બલ’ કે ‘ઓકે ક્યુપિડ’ જેવી કેટલીક લોકપ્રિય ડેટિંગ એપ એના વપરાશકર્તાને વિશેષ માર્ગદર્શન પણ આપે છે. જેની સાથે સંબંધ કાપી નાખવાના હોય એની સાથે ‘ઘોસ્ટિંગ’ કરવાને બદલે કઈ રીતે સામેવાળાની લાગણી ઘવાય નહીં એની રીત આવી એપ્સ બતાવતી હોય છે. એની સાથે કેવાં લખાણ સાથે સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું એના કાચા ડ્રાફટ- મુસદ્દા સુદ્ધાં  તૈયાર કરી આપે છે! આમ તો આજના ઓનલાઈન ડેટિંગના જમાનામાં ઘોસ્ટિંગ જેવા અને એના વિરોધાભાસી લાગતા અનેક શબ્દો આજના યુવાનોની ‘જનરેશન Z’ પેઢીમાં આવતા-જતા રહે છે.

આમ છતાં ધારી લો કે તમે (કે તમારો કોઈ મિત્ર ) ‘આવા ઘોસ્ટિંગનો શિકાર બને તો શું કરવું?’
આજના યુવાનોની ભાષામાં જવાબ નંબર એક : ‘NBD… અર્થાત નો બીગ ડીલ..કોઈ બડી બાત નહીં… આવું તો ચાલ્યા કરે.. ફરગેટ !’ આમ છતાં કોઈ કારણ કહ્યા વગર તમારી સાથે સંબંધ તોડી નાખે એનો વસવસો તો રહે- મન પર એક છૂપો ઘા નહીં તો ઉઝરડો જરૂર રહી જાય. આવા સંજોગોમાં ઘોસ્ટિંગના ઘા હળવા કરવા વિશે મનોચિકિત્સક શું કહે છે? કોઈ પણ કારણ કહ્યા કે દર્શાવ્યા વિના વાતચીત, સંદેશ વ્યવહારનો આકસ્મિક અંત 3 જાતના સંબંધમાં આવતો હોય છે. આવું ઘોસ્ટિંગ પ્રેમ-મિત્રતા અથવા તો કામ-વ્યવસાયમાં થતું હોય છે.

ડિજિટલ યુગમાં કોઈના જીવનમાંથી અચાનક અલોપ થઈ જવાની વાત વધુ સરળ થઈ ગઈ છે અને આવી ક્રિયામાં ઘોસ્ટિંગ કરનાર વધુ જવાબદાર હોય છે અને એ જ એકલો જાણતો હોય છે એણે આમ શા માટે કર્યું. સામે પક્ષે ઘોસ્ટિંગનો ભોગ બનનારાને તો કારણની જાણ સુદ્ધાં નથી હોતી એટલે મનોવિજ્ઞાનીઓ એને સહજતાથી લઈ ભૂલી જવાની સલાહ આપે છે. 

‘આવું થાય પછી ભોગ બનનારાએ ઘોસ્ટિંગ કરનારાનો સામેથી સંપર્ક કરવો જોઈએ?’  જવાબમાં મનોચિકિત્સક કહે છે: ‘‘હા, જો તમારા વચ્ચે લાંબા સમયથી સંબંધ હોય તો એને મળીને કે બીજી રીતે સંપર્ક કરીને કારણ પૂછી લેવું જોઈએ… નહીંતર પછી કારણો પૂછવાની જરૂર નથી. મનની પાટી પરથી એ સંબંધને ભૂંસી નાખો… એ એને રસ્તે.

તમે તમારે!’’ જો કે આ બધા વચ્ચે એક મૂળ પ્રશ્ન બધાના મનમાં સળવળતો રહે છે : ‘અચાનક સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને ઘોસ્ટિંગ કરનારાના મનમાં હકીકતમાં શું હોય છે ?’ ‘‘ઘણું બધું.’’ મનોચિકિત્સક ઉમેરે છે : ‘‘એક કારણ : ઘોસ્ટિંગ કરનાર ખુદ નથી જાણતો કે એ આ સંબંધ શું કામ કાપી નાખે છે? બીજું કારણ: મોટા ભાગના આવા નિર્ણય ક્ષણિક આવેશ અને ઉતાવળે લેવામાં આવ્યા હોય છે અને ત્રીજું કારણ : કોઈ પાસે એણે આ વિશે ખુલાસો કરવાનો નથી હોતો અને એટલે આજના ડિજિટલ યુગમાં ઘોસ્ટિંગ કરવું ઝડપી અને બહુ સરળ છે!’’ ટૂંકમાં ‘ઘોસ્ટિંગ’ના ચક્કરમાં તમે જો સપડાયા હો તો એમાંથી બહાર આવવાનો એક સરળ ને સચોટ ઉપાય છે :
‘બધું ભૂલી જાવ…. રાત ગઈ-બાત ગઈ. ડૉન્ટ વરી, બી હેપ્પી!’

Most Popular

To Top