Charchapatra

ભાષાને શું વળગે ભૂર 

દરેક માણસને પોતાની માતૃભાષાનું ગૌરવ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે અને હોવું પણ જોઈએ. આપણી એ  કમનસીબી છે કે વિવિધ ભાષાઓથી ભરેલા આપણા દેશમાં ભાષાવાદનું ભૂત અવરનવર ધૂણે છે. તાજેતરમાં ભારતના ગૃહમંત્રીએ જણાવ્યું કે આ દેશમાં અંગ્રેજી બોલનારા ટૂંક સમયમાં જ શરમ અનુભવશે. મનસે નેતા રાજ ઠાકરે જણાવે છે કે મરાઠી બોલનારા પર હિન્દી ઠોકી બેસાડવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. તમિલનાડુના મુખ્યમંત્રી કહે છે કે હિન્દીના કટ્ટર સમર્થક સંકુચિત માનસિકતાવાળા અને રાષ્ટ્રવિરોધી છે  જે અમારા વિરોધને દેશદ્રોહ માને છે. રાજકીય નેતાઓ પોતાનો રોટલો શેકવા માટે અવરનવર આ પ્રકારનાં નિવેદનો આપતા રહે છે. સાચી હકીકત તો એ છે કે આ જ નેતાઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અને વિદેશ પણ ભણવા માટે મોકલે છે કે જ્યાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય છે. રાજકારણીઓ ભાષાવાદનો ઉપયોગ રાજકીય  હથિયાર માટે કરતા હોય છે એ હવે સર્વવિદિત છે. આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ભારતનાં જે રાજ્યો છે એ ભાષા બાબતે ખૂબ જ સંવેદનશીલ છે.

આપણને ગમે કે નહીં ગમે પરંતુ વૈશ્વિક કક્ષાએ પણ કેટલીય ભાષાઓ લુપ્ત થઈ રહી છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. વિશ્વમાં આવી રહેલા અન્ય ક્ષેત્રના પરિવર્તનની સાથે સાથે ભાષા અંગે પણ પરિવર્તન આવે તે  આપણે સ્વીકારવું જ રહ્યું.  આધુનિક ટેકનોલોજીના યુગમાં બે દેશો વચ્ચેની સરહદો જ્યારે ઝડપથી ભૂંસાઈ રહી છે ત્યારે આપણે વૈશ્વિક  પરિપ્રેક્ષ્યમાં ભાષા અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આપણા રાજકીય નેતાઓ પણ વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરીને પોતાના ભાષા અંગેના વિચારો  પરિપક્વ રીતે પ્રજા સમક્ષ વ્યક્ત કરે તે આજના સમયની માંગ છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top