આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનોની સંખ્યા જેટલી હતી તેના કરતાં ત્રણ ગણી વધી ગઇ છે. તે બાબતે એમ સમજવું કે વસ્તી વધારો થયો છે કે સારા માણસો કરતા ગુનેગારોની સંખ્યા વધી છે? કે પછી શહેરો વિકસીત વધારે થયા છે! એક પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઓછો હોય અને કામગીરી વધારે હોય. એક પોલીસ સ્ટેશનમાંથી બે-ત્રણ પોલીસ સ્ટેશન નવા બને. સ્ટાફ પૂરતો ના હોય અને નવા કેસો વધતા જાય.
જો કામગીરીના પ્રમાણમાં સ્ટાફ વધારે હોય અને તે કર્મચારીને માત્ર તે જ કામગીરી કરવાની હોય તો કામને વેગ મળે પરંતુ કોઈ ને કોઈ કારણોસર પોલીસોને પોતાનું કામ પડતું મૂકીને બંદોબસ્તમાં જવાનું આવે એટલે કામ વિલંબાય. ગુનાઓ અંગે જાગૃકતા લાવે તેવા મંડળો ઊભા કરવા પડશે. નાના નાના ગુનાઓ કોર્ટ સુધી ના પહોંચે અને તેનો સમાધાન આવે તો કોર્ટોના કેસના ભારણ પણ ઓછા થશે. નહિ તો થોડા વરસો પછી ફરી ત્રણ ગણા પોલીસ સ્ટેશનો વધી જશે.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવન – એક ખેલ
જગતરૂપી રંગમંચ ઉપર ચાલતા મહાનાટકમાં જુદા-જુદા પાત્રોની ભૂમિકા માણસ અનંત જન્મોથી ભજવતો આવ્યો છે. પોતાની ભૂમિકા પૂરી થતા નાટક અને સહ કલાકારોને છોડી તે ચાલ્યો જાય છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે માણસ આ જીવનને ખેલ સમજતો નથી. જીવનને ‘સંઘર્ષ’ સમજી બેઠો છે. એટલે જીવનની પ્રત્યેક ઘટના, પરિસ્થિતિ અને પોતાની ભૂમિકા સાથે તાદાત્મ્ય કેળવી સુખ-દુઃખ અનુભવતો રહે છે. વાસ્તવિક રીતે જીવનને ખેલ સમજી, સાક્ષી દૃષ્ટા બનીને જીવવામાં આવે, તો જ જીવનનો સાચો આનંદ માણવા મળે. પરંતુ આપણી સ્થિતિ એ છે કે આપણે પૈસા ખર્ચી સિનેમા જોવા જઈએ છીએ મનોરંજન માટે, આનંદ માટે અને દુઃખી દેશ્ય સાથે એકરૂપ થઇ આંસુ સારીએ છીએ! શું આ મૂર્ખતા નથી? જીવન આપણને પરમાનંદ પ્રાપ્તિ માટે મળ્યું છે, નહિ કે રડવા અને દુઃખી થવા માટે ખરું ને?
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.