Business

‘ ડીપફેક’ સાથે પોર્નોગ્રાફીને શું સંબંધ…?

એક જમાનામાં ગુના એટલે પૉકેટમારી- ઘરફોડી- લૂંટ, ઈત્યાદિ.. એમાં બળાત્કાર – હત્યા તો અક્ષમ્ય અપરાધની કક્ષામાં આવતાં. આજના ડિજિટલ યુગમાં તો અપરાધની પરિભાષા જાણે પલટાઈ ગઈ છે. ગઈ કાલ સુધી બૅન્ક લૂંટ માટે ગુનેગારે ચહેરો નકાબમાં છુપાવી સદેહે પહોંચવું પડતું. આજે એની જરૂર રહી નથી. સાઈબર અપરાધી કોઈ એકાંત ખૂણે બેસી એના લેપટૉપની કેટલીક કી – ઈન કરી તમારા બૅન્ક ખાતામાં ગુપચુપ ખાતર પાડી શકે છે અથવા તો આખી બૅન્ક સુધ્ધાં લૂંટી શકે છે…!

જમાના પહેલાં આપણે અંધારી આલમનો ઉલ્લેખ કરતા ત્યારે એ વખતના વિલનને , જેમ કે દાઉદ- છોટા રાજન -ઈક્બાલ મીરચી-છોટા શકીલ, વગેરે,વગેરેને આપણે નામ – તસવીર સાથે ઓળખી બતાવતા. એ લોકો દેશબહાર દુબઈ -પાકિસ્તાન -નેપાળ – બેંગ્કોક -મલેશિયામાં લપાઈને સોનાથી લઈને ઈલેકટ્રોનિક્સ ચીજ-વસ્તુઓ અને નશીલા પદાર્થોનું સ્મગલિંગ કરીને લાખો રૂપિ્યાની ઊથલપાથલ કરતા. આજે સાઈબર ક્રાઈમની દુનિયાનો માહોલ જ સાવ યુ-ટર્નની જેમ બદલાઈ ગયો છે. ઓનલાઈન અપરાધીએ પરદેશના કોઈ ખૂણે છુપાવાની જરૂર નથી. તમારા પાડોશના ફ્લૅટમાં બેસી બિયરની ચુસ્કી લેતાં લેતાં એ અનામી અપરાધી પેરિસની બૅન્કમાંથી કરોડો ડોલર ગપચાવી શકે છે !

જો કે હવે તો તમારા બૅન્ક અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડસમાં ગોબાચારી કરનારા ચીલાચાલુ ઓનલાઈન અપરાધીઓ કરતાં સાઈબરની અંધારી આલમમાં વધુ આધુનિક અને ખતરનાક ડાકુઓ પ્રવેશી ગયા છે. અતિ આધુનિક ડિજિટલ વિદ્યાના જોરે એ જેટલી સિફતથી જંગી લૂંટ ચલાવી શકે છે એથી વધુ સહજતાથી ‘સુપારી’ લઈ કોઈ તગડા રાજકારણીની કિનખાબી કતલ કરી શકે છે અથવા તો તમે ‘વરદી’ આપો તો એની સરકાર પણ ઊથલાવી શકે છે!

અલબત્ત, આમાં કોઈ રેંજીપેંજી ઓનલાઈન અપરાધીનું કામ નથી હોતું. આનાથી ઉપરના સ્તરે પણ ગંભીર ગુના વધુ રીઢા અપરાધીઓ દ્વારા આચરવામાં આવે છે. આ ડિજિટલ ડાકુઓનું માધ્યમ છે ‘ડાર્ક વેબ’. તમારા બૅન્ક ખાતામાં ખાતર પાડી રકમ ગુપચાવવાનું કામ આમ તો હેકિંગ ટેકનિકથી થાય છે,પણ એથી વધુ ગંભીર ગુના ડાર્ક વેબથી અને એથી પણ અત્યંત જેને પરાકાષ્ઠા કહી શકો એવા ક્રાઈમ ‘ ડીપ વેબ ‘ દ્વારા થાય છે. ( વિશેષ માહિતી :’ગુજરાતમિત્ર-દર્પણ ‘ પૂર્તિ ૧૪ એપ્રિલ-૨૦૨૧) 

વેબ – ડાર્ક વેબ -ડીપ વેબ પછી હમણાં નવા પ્રકારના વેબ ક્રાઈમના કિસ્સા વધુ ને વધુ બહાર આવી રહ્યા છે. અપરાધનો આ નવો પ્રકાર છે : ડીપફેક… અભિનેત્રી શિલ્પા શેટ્ટીના કરોડપતિ પતિ રાજ કુન્દ્રાના જ્યારથી પોર્નોગ્રાફીનાં ઢગલાબંધ સ્કેન્ડલ્સ જાહેરમાં પ્રગટ થયાં છે ત્યારથી આ ‘ડીપફેક’ શબ્દ આપણા કાને વધુ અથડાવા માંડયો છે. કારણ એ જ કે રાજ કુન્દ્રાના કિસ્સામાં કેટલીક મોડલ્સ- નવોદિત એકટ્રેસનાં નામ માર્કેટમાં ઉછળ્યાં છે એમાંથી કેટલીકે કહ્યું છે કે એમને આ વિવાદ સાથે કંઈ લાગતું-વળગતું નથી.અમારી ઈમેજ ‘ડીપફેક’ કરીને આવી પોર્નોગ્રાફી વીડિયો કે શોર્ટ ફિલ્મોમાં વાપરવામાં આવી છે..!

તો આ ‘ડીપફેક’ વળી શું છે ? વેલ, સરળ ભાષામાં સમજીએ તો કમ્પ્યુટર દ્વારા સર્જિત ‘આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ’ ( AI – કૃત્રિમ બુદ્ધિ)ની મદદથી કોઈ પણ  મૂળ તસવીર કે વીડિયો ક્લિપ્સમાં જોઈતા કે ભળતા ફેરફાર કરવાની પ્રક્રિયાને ‘ ડીપફેક’ કહે છે. આ ફેરફાર એ હદે એટલી કુશળતાથી કરવામાં આવે છે કે એ તદ્દન સાચા ભાસે…. આજના ડિજિટલ યુગમાં ‘ડીપફેક’નો વધુમાં વધુ ઉપયોગ – કહો કે દુરુપયોગ ફેક ન્યૂઝ-ખોટા સમાચાર તૈયાર કરવામાં ઉપરાંત પોર્નોગ્રાફી સામગ્રી તૈયાર કરવામાં વપરાય છે. અગાઉ ફોટોગ્રાફર એના ડાર્કરૂમમાં બે અલગ અલગ ફોટાને લઈને એક ભળતી જ તસવીર તૈયાર કરી આપતો. આ ટેકનિક ‘ફોટો શોપ ‘ તરીકે ઓળખાતી .

આપણે ત્યાં રાજકરણમાં અગાઉ પ્રતિસ્પર્ધી નેતાને જાહેરમાં વગોવવા આવી ‘ફોટો શોપ’ કે ‘ફોટો મૉન્ટાજ ‘ કે ‘મોર્ફિંગ’ તરીકે જાણીતી ટેકનિક વપરાતી. આવી વીડિયો ક્લિપ્સ પણ પ્રજામાં પહોંચતી. ઉદાહરણ તરીકે, છેલ્લાં થોડાં વર્ષોની વાત કરીએ તો વિદેશોમાં તો ‘ડીપફેક’નો વ્યાપક ઉપયોગ બહુ ભડભડિયા એવા ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ થયો છે. એમાંય એક ચૂંટણી સભામાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઑબામા કેવી ખરાબ રીતે ટ્ર્મ્પને ખખડાવે છે એની ક્લિપ બહુ ગાજી હતી. હકીકતમાં એવી કોઈ ઘટના બની જ નહોતી. ટ્ર્મ્પના ટીકાકારોએ બધે પ્રસારિત કરી હતી.

હકીકતમાં છેલ્લાં દસેક વર્ષમાં અદ્યતન ડિ઼જિટલ ટેકનિકને લીધે પુરુષ- સ્ત્રી કલાકારોની મદદ વગર પણ વિદેશોમાં  ‘ડિપફેક’નો વ્યાપક ઉપયોગ  અશ્લીલ ફિલ્મો- વીડિયો ક્લિપ્સ બનાવવા માટે થઈ રહ્યો છે. આવી ફિલ્મ્સ આંતરાસ્ટ્રી્ય માર્કેટમાં ‘ સિન્થેટિક પોર્ન ‘ તરીકે ઓળખાય છે. બીજી તરફ, આપણે ત્યાં  સાચુકલી પોર્નનું ઉત્પાદન ‘કુટિર ઉદ્યોગ ‘ બની ગયું છે. એની સાથોસાથ, હવે ઓનલાઈન બીજાની બદનામી કરવા ઉપરાંત ખંડણી વસૂલીના અપરાધ વધ્યા છે- વધી રહ્યા છે. આપણી પોલીસ કે ‘સાઈબર ડિટેકશન સેલ’ માટે ચિંતાનો વિષય એ છે કે આના અપરાધીઓ મોટેભાગે આજની યુવા પેઢી છે. આવા યુવા અપરાધી મોટેભાગે પ્રેમભંગ પછી સામેની વિજાતીય વ્યક્તિને બદનામ કરીને બદલો લેવા ઈચ્છતા હોય છે. બીજો વર્ગ એવો પણ છે કે જે  માત્ર પોતાની આર્થિક તંગી ટાળવા જાણીતી હસ્તી વિશેની ‘ડીપફેક’ દ્વારા વાંધાજનક સામગ્રી તૈયાર કરીને એની પાસેથી ખંડણી વસૂલવાના પેંતરા કરે છે.

આવા ‘ડીપફેક’ની વધુ ફરિયાદ ઉત્તર પ્રદેશ સાઈબર સેલને મળે છે. આ વર્ષે એમને ૨૦૦ જેટલી ફરિયાદ મળી છે. મુંબઈ તો ફિલ્મ – ફેશન -ગ્લેમર ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં પણ ૧૭૦ જેટલી ફરિયાદ પોલીસ પાસે આવી છે. આમાંથી કેટલા અપરાધી ઝડપાયા એનો ચોક્ક્સ આંક મળતો નથી. કેટલાક પકડાય છે તો એ ધંધાદારી અપરાધી નથી પણ હોતા. તાજેતરની આ ઘટના પર નજર ફેરવો. પોલીસને એક યુવતીની ફરિયાદ મળી કે કોઈ એની અશ્લીલ વીડિયો- બીભત્સ તસવીરો નિયમિત અંતરે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે.

ખાસ કરીને , ગયા વર્ષે એના મેરેજ થયા અને હવે એ સગર્ભા હતી. આને કારણે એની બહુ બદનામી થઈ રહી છે. પોલીસ અને સાઈબર સેલે  સઘન તપાસ માંડીને શોધી કાઢ્યું કે પેલી યુવતીની આ અશ્લીલ સામગ્રી ‘ડીપફેક’ ટેકનિકથી તૈયાર થતી હતી અને ચાર ‘ફેસબુક’ અને બે ‘ઈન્સ્ટાગ્રામ’ અકાઉન્ટ પરથી અપલોડ થતી હતી. ગણતરીના દિવસોની તલસ્પર્શી તપાસ બાદ મુંબઈના કુશળ સાઈબર સેલે અપરાધીને શોધીને પેલી યુવતી સામે ખડો કરી દીધો, જેને જોઈને યુવતી ચોંકી ઊઠી, કારણ કે એ યુવાન એનો કોલેજ મિત્ર હતો..! ‘એણે આવું કેમ કર્યું?’ અેવી પોલીસ ઊલટતપાસમાં પેલા ૨૮ વર્ષીય સોફ્ટવૅર ઈજનેર યુવાને પોતાનો ગુનો કબૂલી લેતા કહ્યું કે એ પેલી યુવતીને ચાહતો હતો પણ એણે મેરેજ માટે ના પાડી પછી ધૂંધવાઈને વેર લેવા એ આવી ગંદી વીડિયો વગેરે પોસ્ટ કરતો હતો….!

Most Popular

To Top