પિતાની હાજરી પરિવારમાં સૂર્ય સમાન હોય છે. એની ગેરહાજરી અંધકાર પ્રસરાવી દે છે. માતૃમહિમા તો વંદનીય છે જ પણ પિતાનું મહત્ત્વ પણ સંતાનના જીવનમાં અતિ મહત્ત્વનું છે, જે સદા ઇચ્છે છે કે મારા કરતાં પણ મારાં સંતાનો વધુ પ્રગતિશીલ નિવડે. પરિવાર માટે અથાગ પરિશ્રમ કરી આર્થિક નિર્વાહ પિતા જ કરતા હોય છે. સંતાનોની તમામ જરૂરિયાત અને જીદ પૂર્ણ કરવામાં પિતા સદા અગ્રેસર હોય જ છે. પિતાનું વ્યકિતત્વ શ્રીફળ જેવું હોય, ઉપરથી કડક અને અંદરથી સ્નેહસભર નરમ મુલાયમ.
માતાની જેમ કદાચિત સ્નેહ ન વરસાવી શકે કે દેખાડી શકે પણ હ્દયમાં સંતાનો પ્રત્યે નિ:સ્વાર્થ સ્નેહનું ઝરણું વહેતું જ હોય છે. એક પિતાના હ્દયમાં યુવાન સંતાનને સાચો રાહ દર્શાવવા કયારેક પિતાએ કડક વલણ પણ અપનાવવું પડે, એની પાછળ સંતાનનું ભલું ઇચ્છવાની જ મહેચ્છા હોઇ શકે. સ્વયં ઓફિસમાં ઠંડુ ટિફિન આરોગે કે પરિવાર ગરમ ભોજન પામી શકે એ એક પરિવારના મોભી પિતાની માનસિકતા જ હોય છે અને દીકરીના લગ્નની વિદાય વેળાએ કઠણમાં કઠણ કાળજાનો પિતા દિલ ખોલીને અશ્રુ વહાવી લે છે. કયારેક સંતાનની ઇચ્છા ન પૂર્ણ કરી શકે એનો અફસોસ પિતાના રાત્રિ દરમિયાનના અરણ્યરુદનનો હોય છે. વિશ્વના પ્રત્યેક સહ્રદયી પિતાઓને ફાધર્સ ડે ની શુભકામના.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.