Comments

બટાકાની ચીપ્સ શેમાં બોળીને ખાવી? મંગળગ્રહવાસીઓની સમસ્યાનું નિરાકરણ

Can You Actually Grow Potatoes on Mars?

કેટલાક અખતરા અને તેને મળતી સફળતાઓ ગતકડાં છે કે અસલી જરૂરિયાત એ પારખવું મુશ્કેલ થઈ પડે. અમેરિકાના ફ્લોરિડા ખાતેની એલ્ડ્રિન સ્પેસ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હમણાં ટામેટાં ઉગાડવાનો એક સફળ પ્રયોગ હાથ ધરાયો. બે વરસથી કાર્યરત એવા આ પ્રકલ્પમાં મંગળ ગ્રહ પર હોય એવા વાતાવરણવાળી જમીનમાં ટામેટાં ઉગાડવાના અખતરા કરાઈ રહ્યા હતા. મંગળ ગ્રહ પર હોય એવી જમીનમાં ટામેટાં ઉગાડી જોવાનો શો હેતુ? આવો સવાલ આપણા દેશમાં તરત જ થઈ આવે. જવાબ એ હતો કે ભવિષ્યમાં કદીક મંગળ પર માનવવસતિનો વસવાટ થાય ત્યારે માનવોને બટાટાની તળેલી કાતરી એટલે કે ફ્રેન્ચ  ફ્રાઈઝની સાથે ખાવા માટે જરૂરી એવા ટૉમેટો કેચપથી વંચિત ન રહેવું પડે. હા, આવા વાતાવરણમાં બટાટા ઉગાડવાના અખતરા ચાલુ છે. 

આ સમાચાર જાણ્યા પછી આપણને સહેજ હસવું આવ્યા વિના રહે નહીં. જે તે દેશપ્રદેશ અને તેના વિવિધ વર્ગના લોકોની સમસ્યાઓ કેટલી અલગ હોય છે! હજી દિવાળી અગાઉ આપણે ત્યાં એક સમય એવો આવી ગયો હતો કે ટામેટાંની કિંમત એકદમ ઊંચકાઈ ગઈ હતી. અગાઉ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની કિંમત પણ એક આખા અરસા દરમિયાન અભૂતપૂર્વ રીતે ઊંચી ગઈ હતી. એ કેવી વક્રતા કહેવાય કે આપણા દેશમાં, રોજિંદા ઉપયોગમાં લેવાતાં ટામેટાં કે ડુંગળી જેવાં શાકની કિંમત ક્યારેક એટલી બધી ઉછળે કે સામાન્ય માણસે તેના વિના ચલાવવાનો વિકલ્પ વિચારવા મજબૂર થઈ જવું પડે અને અમેરિકા જેવા દેશમાં મંગળ પર બનનારી ભાવિ વસાહતોમાં રહેનારાં લોકોની લઘુતમ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટામેટાંની વિશેષ પ્રજાતિને ઉછેરવામાં આવે!

આ ફરક કદાચ વિકસિત અને વિકાસશીલ દેશ વચ્ચેનો હશે. મંગળ પર વસાહત તો બને ત્યારે ખરી અને ત્યાં વસનારા જે ખાય એ ખરા, વર્તમાન સમયમાં, આપણી ધરતી પર વસનારાં માનવોની મૂળભૂત ખોરાકની જરૂરિયાતનું શું? આ વરસે પ્રકાશિત કુલ ૧૧૬ દેશોને આવરી લેતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (વૈશ્વિક ક્ષુધાંક)ના આંકડા આપણા દેશ માટે આંખ ઉઘાડનારા છે. એ મુજબ આ યાદીમાં ભારતનો ક્રમ ૧૦૧ મો છે. ભૂખમરાની સ્થિતિ અતિ ગંભીર હોય એવા ૩૧ દેશમાં ભારતનો સમાવેશ થાય છે.

જી.એચ.આઈ. તરીકે ઓળખાતી ગ્લોબલ હંગર ઈન્ડેક્સને સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ભૂખમરાનો ક્યાસ કાઢવા માટે વપરાતું સાધન કહી શકાય. અન્ન એ મનુષ્યનો મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ મનુષ્ય તેનાથી વંચિત ન રહેવો જોઈએ એ આ ગણતરીનો મુખ્ય હેતુ છે. તેની ગણતરીમાં વસતિમાં કેટલા ટકા લોકો અપોષણથી પીડિત છે, પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકોનું તેમની વયની સરખામણીએ ઓછું વજન તેમજ ઊંચાઈ તથા પાંચ વયથી નીચેનાં બાળકોના મૃત્યુદરને ગણતરીમાં લેવામાં આવે છે. પાંચ વર્ષથી નીચેની વયનાં બાળકોમાં આ બાબતો તેમના કુપોષિત હોવાની તીવ્રતા અને ગંભીરતા તથા પર્યાવરણની ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. ૧૦૦ ના આંક પર તેની માપણી કરવામાં આવે છે. તેની ગણતરીની અટપટી પદ્ધતિમાં ન ઊતરીએ, પણ એટલું જાણવું જરૂરી છે કે આ આંક જેમ મોટો એમ જે તે દેશ યા પ્રદેશમાં ભૂખમરો અને તેને આનુષંગિક સમસ્યાઓની સ્થિતિ તીવ્ર. આપણા દેશનો આંક ૧૦૦ ના સ્કેલ પર ૨૭.૫ આવ્યો છે, જે ગંભીર સ્થિતિ સૂચવે છે.

આ આંક ઓછો એ દેશનો ક્રમ સમગ્ર યાદીમાં આગળ રહે. એટલે કે ત્યાં આવી પરિસ્થિતિની ગંભીરતા ઓછી. દેશનો ક્રમ યાદીમાં જેમ પાછળ એમ તેનો ક્ષુધાંક વધુ અને ત્યાં ભૂખમરાને સંલગ્ન જે પરિબળો છે તેની ગંભીરતા વધુ. આ પરિસ્થિતિ માટે અનેક પરિબળો જવાબદાર હશે. આ આંકડાની ચોક્સાઈ કદાચ સો એ સો ટકા ન હોય, તો ય મૂળ મુદ્દો પરિસ્થિતિની ગંભીરતાનો છે. એક તરફ બેઠાડુ જીવનશૈલીના વધતા જતા ચલણને કારણે જેને લાઈફસ્ટાઈલ ડિસીઝ તરીકે ઓળખાવાય છે એવા જીવનશૈલી પર આધારિત રોગો અને તેના વ્યાપનું પ્રમાણ વધતું જાય છે. તેનાથી સાવ વિપરીતપણે જીવનજરૂરિયાત પૂરતા ખોરાકનાં ફાંફાં હોય એવી સ્થિતિમાં જીવતાં લોકોનું પ્રમાણ ઘણું વધુ છે. સરકારની કૃષિ નીતિ, વન નીતિ પણ આ સમસ્યા પર અસર કરતી હોય છે.

અલબત્ત, એ ખાસ યાદ રાખવા જેવું છે કે આ કંઈ કોઈ સ્પર્ધા કે પરીક્ષા નથી કે જેમાં પોતાનો ક્રમાંક આગળ લાવવાની કવાયત કરવાની હોય. પરિસ્થિતિમાં સુધારો થશે તો ક્રમાંક આપોઆપ જ આગળ આવે એ સમજવાનું છે. આપણા દેશમાં શિક્ષણથી લઈને તમામ બાબતોમાં ક્રમાંકનું મહત્ત્વ એ હદે સ્થાપિત કરી દેવામાં આવ્યું છે કે મૂળભૂત બાબતને બદલે ખરો મહિમા ક્રમાંકનો જ થઈ ગયો છે અને તેને જીવનમરણનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે.

આપણો વિકાસશીલ દેશ સમયની સાથેસાથે ભલે વિકાસની દોટમાં હિસ્સો લે એ ટાળી ન શકાય એવું સત્ય છે, પણ સાથે એ ન ભૂલવું જોઈએ કે માનવો તેમના મૂળભૂત હકથી વંચિત રહે એ ગુનાહિત વાસ્તવિકતા છે. એ ક્ષેત્રે વિવિધ સરકારી નીતિઓ દ્વારા કામ થઈ જ રહ્યું હશે, પણ હજી એ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે એ સ્પષ્ટ બાબત છે. મંગળ પર રહેનારા માણસો બટાકાની કાતરી શેમાં બોળીને ખાશે એ ફિકર અમેરિકા ભલે કરે. આપણે તો આ પૃથ્વી પર વસી રહેલાં માનવોને પેટપૂરણ જેટલું મળી રહે એના પ્રયત્નો કરીએ તો ય ઘણું. ભવિષ્યના આંબાવાડિયા કરતાં હાથમાં રહેલી એક કેરીનું મહત્ત્વ વધુ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top