Columns

આ દરિયાનાં મોજાં શું શીખવે છે?

બાળકોને દોડવાની ટ્રેનીંગ આપતા કોચ બહુ સરસ ટ્રેનીંગ આપે…બાળકોએ શું ખાવાનું …શું પીવાનું ..કેટલા વાગે ઊઠવાનું ..કેટલા વાગે સૂવાનું… કેટલી ટ્રેનીંગ લેવાની ..દિવસના કેટલું દોડવાનું ..કઈ રીતે દોડવાનું બધું જ તેઓ નક્કી કરે…અને બધાં બાળકોએ તે પ્રમાણે જ કરવાનું એવો તેમનો કડક આગ્રહ…રોજ તો ટ્રેનીંગ ગ્રાઉન્ડમાં થાય, પણ દર શનિ –રવિ અને રજાના દિવસે કોચ અચૂક બધાં બાળકોને લઈને બીચ પર જાય અને બીચ પર ટ્રેનીંગ આપે ..બહુ દોડાવે …પછી કોઈક વાર પાઉભાજી કે ભેળપુરીની બરફના ગોળા સાથે પાર્ટી આપી મજા પણ કરાવે.

એક રવિવારની વહેલી સવારે કોચ બધાં બાળકોને લઈને દરિયાકિનારે પહોંચ્યા. ટ્રેનીંગની શરૂઆત કરી અને લગભગ કલાક બાદ બ્રેક આપ્યો અને આજે બધાં બાળકોને નાળિયેર પાણી અપાવ્યું.બધા બેસીને નાળિયેર પાણી પીતાં પીતાં વાતો કરતા હતા.કોઈ કહેતું હતું બીચ પર ટ્રેનીંગમાં રેતીમાં દોડવામાં વધુ થાક લાગે છે …કોઈ કહે છે બીચ પર મજા આવે છે …કોઈ કહે કોચ સર બીચ પર અઘરી ટ્રેનીંગ આપે છે પણ સાથે મજા પણ બહુ કરાવે છે…

કોચ સર થોડે દૂર ઊભા ઊભા આ બધી વાત સાંભળતા હતા.તેમણે એક સીટી મારી અને બે મિનીટમાં બધાં બાળકો તેમની સામે લાઈનમાં ઊભા રહી ગયા.કોચ બોલ્યા, ‘ચાલો, આજે હું તમને અહીં કેમ લાવું છું તે કહું.સૌથી પહેલાં રોજના એકના એક ગ્રાઉન્ડ કરતાં અહીં જૂદું વાતાવરણ મળે છે …થોડો લાંબો સમય ટ્રેનીંગ કરી શકાય છે ..તમને લાંબી ટ્રેનીંગ સામે હું મજા પણ કરાવું છું.અને હજી એક ખાસ કારણ છે આ દરિયો અને તેનાં મોજા….દરિયાનાં મોજાંને ધ્યાનથી જુઓ અને તેઓ શું કહેવા માંગે છે તે સમજો …’ બધાં થોડો સમય દરિયાનાં મોજાંને જોતાં રહ્યાં..દરિયાનાં મોજાં સતત ઉછળતાં કૂદતા કિનારા તરફ આવતા અને ઉપર ઉછળતાં અને નીચે શમી જતા.

વળી પાછાં આવતા ..અને સતત આવતા જ રહેતા ..કિનારે ઉછળતાં રહેતાં….બાળકો આ દરિયાના મોજાને જોતા રહ્યા. પછી એક જણે પૂછ્યું, ‘સર ,મોજાં કયા બોલે છે કે તે શું કહેવા માંગે છે તે અમને સમજાય?’ કોચ સર હસ્યા અને બોલ્યા, ‘જુઓ અને સમજો, આ દરિયાનાં મોજાં એકદમ પ્રેરણાદાયક સંદેશો આપે છે.તેઓ સતત ઉછળે છે અને નીચે પડે છે ….પણ સમજવાનું એ છે કે તેઓ કયારેય ફરી ફરી ઉછળવાનું ..આગળ આવવાનું છોડતાં નથી …સતત સતત આગળ વધતાં જ રહે છે, અટક્યા વિના ..હાર માન્યા વિના…ઓટ આવે છે ત્યારે ધીરજ ધરી ફરી ભરતીના સમયની રાહ જુએ છે અને સતત ઉછળતાં રહે છે.બસ, તમારે આ જ દરિયાનાં મોજાં પાસેથી શીખવાનું છે અને સતત દોડતા રહીને આગળ વધવાનું છે.જીત મળે કે હાર, બસ અટકવાનું નથી.હંમેશા હકારાત્મકતા સાથે શીખતાં રહીને આગળ વધવાનું છે.આ વાત તમને તમારી રમતની દોડમાં અને જીવનની દોડમાં પણ સતત પ્રેરણા આપશે.’

Most Popular

To Top