તાજેતરમાં ધોરણ 10-12માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામો અનુક્રમે 83 ટકા અને 93 ટકા જેટલા ખૂબ જ ઊંચા આવ્યા એટલું જ નહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પરિણામો પણ ખૂબ જ ઊંચા આવ્યા છે. એક બાજુ શિક્ષણના ધોરણો ખાડે જઈ રહ્યા છે એની બુમરાણ છે અને બીજી બાજુ બોર્ડના પરિણામો ખૂબ જ ઊંચા આવે છે. આ એક જબરદસ્ત વિરોધાભાસ છે. શું આપણા વિદ્યાર્થીઓ વર્ષોવર્ષ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર થઈ રહ્યા છે? માસ પ્રમોશન જેવા જ લગભગ રીઝલ્ટ આવી રહ્યા છે. ઘણી બધી શાળાઓ પોતાના 100 ટકા પરિણામની જાહેરાત કરે છે તેની પણ જાણે હવે નવાઈ રહી નથી. ફક્ત 7 % થી 17 % જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવા માટે બોર્ડ દ્વારા કેટલા બધા નાણા અને સમયનો બગાડ કરવામાં આવે છે. જો આટલા ઊંચા પરિણામો આપવા હોય તો શાળા દ્વારા જ પરીક્ષા લઈને ‘શીખવે તે મૂલવે’ પદ્ધતિ અંગે વિચારણા કરવી જોઈએ.
કેટલાક શિક્ષકો સાથે આ અંગે ચર્ચા કરતા એવું જાણવા મળ્યું છે કે પહેલા કરતા ધોરણ 10 અને ધોરણ 12 ના સિલેબસ, પ્રશ્નપત્રનું સ્વરૂપ અને સમગ્ર પરીક્ષા પદ્ધતિમાં ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નોને સ્થાન આપવામાં આવ્યું હોવાથી હવે નાપાસ થવા માટે મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. રાજ્યમાં અને દેશમાં પણ વધતી જતી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ અને કોલેજોનું અસ્તિત્વ જોખમાય નહીં તે માટે પણ વિચારણા થતી હોય એવું લાગી રહ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત જાણે વિસરાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. શિક્ષણની કથળતી જતી ગુણવત્તા અને બોર્ડના ઊંચા પરિણામો ચિંતા પ્રેરે એવા છે. શિક્ષણશાસ્ત્રીઓ જાગૃત બને એ સમયનો તકાદો છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.