Comments

આજે જમવામાં શું બનાવું…!

સ્ત્રીઓ પુરુષ સમોવડી છે, એમાં બેમત નથી. છતાં સશક્તિકરણના ગમે એટલા વાવટા ફરકાવો, પણ જમવા ને જમાડવાની વાત આવે એટલે દુર્ગાનાં વાહન જેવી ગૃહલક્ષ્મી પણ અબળા બની જાય. એટલા માટે કે, એ આર્ય સંસ્કારને વરેલી, આર્ય નારી છે. પરિવારને મનભાવન ભોજનના રસથાળ પીરસું એ સંસ્કાર એના લોહીમાં છે. એવી ટેકીલી કે, પરિવારને ભાવતાં ભોજન જમાડું તો, રાતાપીળા થવાને બદલે, રાજીના રેડ રહે..! છતાં, કોઈ પણ વિકટ સમસ્યા સામે ઝઝૂમનારી નારી, રસોઈ બનાવવાની વાત આવે ત્યારે, “આજે જમવામાં શું બનાવું ?’એ પ્રશ્નથી મૂંઝારો અનુભવે એ પણ સત્ય છે.

આ યક્ષપ્રશ્ન સામે હારી જતી હોય એવી ઘણી નારીઓ હશે. આપણો જ નહિ, દુનિયાભરની વાઇફોનો આ ‘problem’હશે. જ્યાં અલો અને અલી પૂરતું સીમિત સામ્રાજ્ય હોય ત્યાં, ઓછાં ઝાપટાં પડતાં હશે, બાકી પ્રશ્ન પેચીદો તો હોય જ..! પણ જે હોલસેલ પરિવાર લઈને સંસાર હંકારે છે, ત્યાં આ રોજની માથાકૂટ ખરી. સ્વાભાવિક છે કે, જીભે જીભે સૌના ચટાકા અલગ તો રહેવાના..! એમાં જ્યારથી Fast food આવ્યું છે, ત્યારથી હાલતના અનેક ફાંટા પડવા માંડ્યા. વિચાર આવે કે, પાંચ-પાંચ પતિની પત્નીએ પાંચેયની ભાવતા ભોજનની લાગણી અને માગણી કેવી રીતે સંતૃપ્ત કરી હશે? પત્ની રંકની હોય કે શ્રીમંતની, મહેલની હોય કે, ઝૂંપડપટ્ટીની, આવા મૂંઝારામાંથી કોઈ બાકાત ના હોય, એવું ચમનિયાનું પણ માનવું ખરું..!

રસોઈનો વહીવટ ગૃહલક્ષ્મી સંભાળતી હોવાને નાતે, રસોડાની રાણીનો હવાલો પત્નીના હવાલે વધારે હોય. ક્યાંક રસોડાના રાજા કે, પગારદાર રાંધણહારી પાસે હોય તો એ એમની પોતાની જાહોજલાલીની વાત છે. એમાં આપણાથી કડછો નહિ હલાવાય. રસોડાની રાણીનો તાજ તો વાઈફના માથે જ ઝગારા મારતો હોય. પરિવારને ભાવતાં ભોજન જમાડવાની પણ એક હોંશ હોય. પણ સ્વાવલંબી સ્ત્રી માત્ર આ જ એક પ્રશ્નમાં પરાવલંબી બની જાય..! પોતાના નિજાનંદની ઉથલપાથલ થઇ જાય..! માણસના mood ક્યારેય સીધી લીટીમાં રહેતા નથી અને ભાવતી શાકભાજી પણ દરેક ઋતુમાં ઉપલબ્ધ હોતી નથી. એ વખતે ત્યારે દરેક હોંશીલી વાઈફના મગજમાં મંકોડા ચટકા મારવા માંડે કે, ‘આજે જમવામાં શું બનાવું..?’વ્રત, ઉપવાસ કે બાધા આખડીના ઇલમોથી સારો ભરથાર મેળવી શકાતો હશે, બાકી ભાવતાં ભોજન ખવડાવીને રાજી રાખવામાં તો સોળ સોમવારના ઉપવાસ પણ નાકામિયાબ નીકળે.

ત્યારે માથાનો દુખાવો વધે, શરીરે દુબળા પડી જવાય, કેડ, કમર ને ઘૂંટણના દુખાવાને બહાનું મળી જાય અને એક પણ વર્ષે ઉંમર વધતી નહિ હોવા છતાં, આપોઆપ વૃદ્ધાવસ્થા ઉભરવા માંડે જેવી સામાન્ય છતાં અસામાન્ય મૂંઝવણ અનુભવવાની આવે. એ તો સીધી વાત છે ને કે, જમતી વખતે બધાના ચહેરા હરાભરા કબાબ જેવા રહેવા જોઈએ..! છતાં રસોડાની રાણીને રોજિંદો એક ડર તો રહે કે, લક્ઝરી ડાઈનીંગ ટેબલ ઉપર જમવા બેઠા પછી, વાનગી જોઇને કોઈનું મોંઢું વિકૃત તો નહિ થાય ને..? જોઈ આવું થાય તો, ગૃહલક્ષ્મીનો જીવડો કપાઈ જાય. શંકાની વાત નથી પણ, અમુક ધંતુરા તો એવા પણ નીકળે કે, પૈણતી વખતે સાસરીવાળાએ આખી કન્યા બદલી નાંખી હોય એમ, ડાઈનીંગ ટેબલનો ત્યાગ કરી, છણકાવેડા પણ કરે..!

દેશ દેશના વાવટા અલગ હોય, એમ દરેકના મગજમાં ખાવાના ટેસ્ટ અલગ તો રહેવાના. આપણી ગૃહવ્યવસ્થા જ એવી મલાજાવાળી છે કે, ઘરમાં જેનું ચલણ વધારે એની પસંદગીનું બધું રંધાય. પછી ઘરમાં ભલે કોઈ થાણાનો અમલદાર રહેતો હોય, તો પણ અથાણું ખાઈને ઊભો થઇ જાય..! એટલે તો બધી હોટલો ધમધમે..! તાજા પરણેલાંઓના હિસાબ જરા નોખા હોય. જ્યાં ખભે ખભા જોડેલા રાખીને જીવતા હોય, એકબીજા વગર પૂરા દેખાવાને બદલે અધૂરા રહેતા હોય, ત્યાં આવું બનતું ના પણ હોય. ત્યાં તો ‘તું નથી તો હું નથી, ને હું નથી તો તું નથી’નું ગુલાબી પારાયણ જ ચાલતું હોય. પતિને કદાચ પૂછે તો ધંતુરો એમ પણ કહે કે, “તું કંઈ પણ બનાવ ને બેબી..! તારા હાથનો રોટલો તો એટલો મધુરો હોય કે, પાણીમાં બોળીને ખાઉં તો પણ ‘રસમલાઈ’ સાથે ખાતો હોય એવો લાગે, બોળેલી મેંદીને ભાજીનું શાક સમજીને પણ ખાઈ જાય..! ત્યારે પેલીને ખબર પડે કે,એની ‘બેબી’માં મીઠાની પૂરેપૂરી તાણ છે..!

તારા કપાળમાં કાંદા ફોડું…! અલો અને અલીમાં કોઈ ઝંઝટ જ નહિ. ચક્લી લાવી ચણાનો દાણો ને ચકો લાવ્યો દાળનો દાણો, એટલે ભાવતી ખીચડી તૈયાર..! મગજમાં બીજી કોઈ ખીચડી રંધાવાનો સવાલ જ નહિ આવે.અલો અલીનો જ વસવાટ હોય ત્યાં, અઘરા ઘાટ આવતા નથી ને આવે તો છેડા છૂટા થતાં અચકાતાં પણ નથી..! આ તો વિચાર આવ્યો કે, જ્યાં સહદેવ-દુર્યોધન-ભીષ્મ-શકુનિ-અર્જુન-ભીમ-યુધિષ્ઠિર જેવો મલાજાવાળો હોલસેલ પરિવાર રહેતો હોય ત્યાં ગૃહલક્ષ્મીની હાલત કેવી થતી હશે..? શું ગૃહ-લક્ષ્મી મટીને ગૃહ-ચંડિકા જેવી બનતી હશે..? શાસ્ત્રે સમજી વિચારીને જ લખ્યું હશે કે,

कार्येषुदासी, करणेषुमंत्री, भोज्येषुमाता, शयनेषुरम्भा।
धर्मानुकूलाक्षमयाधरित्री, भार्याचषाड्गुण्यवतीहदुर्लभा॥
પછી તો શરીર પણ ઘરડું થાય ને દાદૂ..? લગન જેમ જુના થતા જાય, એમ ઢોળ ઉતરવા પણ માંડે, લાગણીઓને કાટ ચઢવા પણ માંડે, એકબીજાના જોડાયેલા ખભાનું અંતર ફૂટ-ફૂટ વધવા પણ માંડે. લગન એ અથાણાનો ટેસ્ટ થોડો છે કે, આખું વર્ષ એક સરખો રહે. મગજ ક્યારે છટકે ક્યાં ભટકે એનો ભરોસો નહિ..! ચાલ્યું ત્યાં સુધી બધું ચલણમાં ને બગડ્યું એટલે ક્યાં તું નથી, ક્યાં હું નથી..! લગનનો માંડવો માતમમાં ફેરવાઈ જાય..! ગોર મહારાજને બદલે, વકીલના વધી જાય..!

પ્રશ્ન સાવ સીધો સરળ સંસ્કારી અને નિર્દોષ છે કે, ‘આજે જમવામાં શું બનાવું..?’જેનો ઉકેલ અઢાર પુરાણમાં પણ નહિ હશે. પણ પ્રશ્ન એવો પેચીદો કે, મગજને સ્થાનભ્રષ્ટ કરી નાંખે. કુંડળીના સઘળા આંક ઉથલપાથલ કરી નાંખે. ઝઘડવાનો ઈરાદો મુદ્દલે નહિ હોવા છતાં, ધરતીકંપ વગરના આંચકા આવવા માંડે. ઝઘડાનું ખાતમુહૂર્ત થઇ જાય.. પતિ નાસ્પતિ અને ગૃહ-લક્ષ્મી ગ્રહણ-લક્ષ્મી લાગવા માંડે..! નાક ઉપર ભમરી ધામો નાંખવા માંડે. ઈચ્છા બહુત બુરી ચીજ હે મામૂ….! “આજે રસોઈમાં શું બનાવું, એ પત્નીનો નિજાનંદ પ્રેમ છે. પ્રશ્નોત્તરીમાં પ્રેમની શુદ્ધિ છે. કકળીને ભૂખ લાગી હોય ત્યારે રસોઈની પસંદગી પુરુષ નક્કી કરી શકતો નથી, એમ સ્ત્રી પણ પતિનો પ્રેમ ઝંખવાય નહિ એ માટે એના સ્વામીની પસંગીની રસોઈ બનાવવાની તક ગુમાવવા માંગતી નથી. એ વાસ્તવિકતા છે..! સો વાતની એક વાત, વાઈફ દેશી હોય કે વિદેશી..! જેનો જવાબ UNO પણ નહિ આપી શકે એવો આ ઇન્ટર નેશનલ પ્રશ્ન છે..! દુનિયાના કોઇ પણ ખૂણે આ પ્રશ્ન તો પુછાતો જ હોય કે, ‘આજે જમવામાં શું બનાવું..?!’ચાઈનાની વાઈફ પણ પૂછે કે, “Nei si, jintian chi shenme…! “

લાસ્ટ બોલ
ચમનિયો કહે, “મારી વાઈફ મારા વગર ક્યારેય જમતી નથી’
ઓહ…! પતિવ્રતા લાગે છે..!
કપાળ…! હું રાંધુ તો એ જમે ને..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top