એક સંતનું પ્રવચન હતું. સંત પોતાના પ્રવચનમાં બધાને આ દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકને કંઇક કામ કરવાનું કહેતા હતા. સમાજને મદદરૂપ થાવ અને આ દુનિયાને વધારે સારી બનાવો. બધા માટે વધુ સુંદર બનાવો. એક ગરીબ માણસને થયું મનમાં કે મારે દુનિયાને સારી બનાવવા માટે સુંદર બનાવવા માટે કંઈક કરવું છે પણ હું શું કરું? મારી પાસે તો કંઈ જ નથી કે હું કંઈક કરી શકું.
પ્રવચન પૂરું થાય છે. બધા જાય છે. પછી પેલો ગરીબ માણસ બેસી રહે છે. ધીમે રહીને સંત પાસે જાય છે અને સંતને કહે છે, ‘બાપજી, મને માફ કરજો પણ તમે કહ્યું કે આ દુનિયાને સુંદર બનાવવા માટે બધાએ કંઈ ને કંઈ કરતાં રહેવું જોઈએ. કંઈક તો સમાજને આપવું જ જોઈએ પણ હું તો એકદમ ગરીબ છું. બે ટંક ભોજનની પણ વ્યવસ્થા નથી, મજૂરી કરું છું જે મળે તે ખાઈ લઉં છું તો હું શું કરું કે હું દુનિયાને સારી બનાવવા માટે મારું યોગદાન આપી શકું?’
સંત હસ્યા અને બોલ્યા, ‘ ભાઈ, ભગવાને તને આ પૃથ્વી પર મોકલ્યો છે એટલે તું જે ઈચ્છા છે એ કરી શકે છે!’ પેલા માણસે કહ્યું, ‘બાપજી, શું કામ ગરીબની મજાક કરો છો? હું જે ઈચ્છું તે કઈ રીતે કરી શકું?’ સંત બોલ્યા, ‘ તારી આંખોથી આ દુનિયામાં સુંદરતા જ્યાં જ્યાં દેખાય તેને જોતો રહે. ભગવાને તને જીવન આપ્યું છે તેનો આભાર માનતો રહે. તારી પાસે અવાજ છે, તને બોલતાં આવડે છે તો લોકોને સાંભળવા ગમે તેવા બે મીઠા શબ્દો બોલતો રહે. કોઈ રડતું હોય તેની જોડે મીઠી વાતો કરીને એને શાંત કરી દે.
ભગવાને તને કાન આપ્યા છે તો કોઈકના મનની વાતોને સાંભળ, શાંતિથી બેસીને જેને કોઈ સાંભળતું ન હોય તેની પાસે બેસીને માત્ર તેની વાત સાંભળ. ભગવાને તને હાથ આપ્યા છે, પગ આપ્યા છે તો આ હાથથી આ પગથી કોઈની મદદ કર, કોઈને ઊંચકીને ક્યાંક લઈ જા અથવા કોઈકને બે વસ્તુ લાવી આપ. માત્ર પૈસાથી જ આ દુનિયા સારી બનાવી શકે એવું જરૂરી નથી. દુનિયા સુંદર બનાવવા માટે તું પોતે મનથી સુંદર બન. તારા મોઢાથી મધુર શબ્દો બોલ, તારા હાથોથી અન્યની મદદ કર, તારા કાનથી બીજાની વ્યથાને સાંભળીને દૂર કરવાની કોશિશ કર. દૂર ન થઈ શકે તો પણ તેમની વાતોને પ્રેમથી સાંભળ. તેમની આંખોના આંસુ લૂછી લે, એમને એક ગ્લાસ પાણી આપ. બે હાથે કોઈ માંદા માણસની સેવા કર કે કોઈક મંદિરની જગ્યા સાફ કર. આવું નાનું નાનું ઘણું બધું છે જેથી કરી શકે અને તેનાથી દુનિયા સુંદર થોડી તો થોડી પણ ચોક્કસ બનશે. તારા મનમાં ભાવના છે કે દુનિયાને સુંદર બનાવવા માટે મારે કંઈક કરવું છે. એ જ બસ છે તું જે ઈચ્છે તે કરી શકે છે.’ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
