Comments

ભગવાન પાસે શું માંગું?

કોલેજમાં ભણતો નિહાર દાદીને મંદિરે દર્શન કરવા લઇ ગયો. તેણે દાદીને પૂછ્યું, ‘દાદી,તમે રોજ રોજ મંદિરે દર્શન કરવા શું કામ આવો છો?’દાદીએ કહ્યું, ‘દીકરા, ભગવાનનાં દર્શન રોજ કરવાં જોઈએ. આપણા મનની વાત ભગવાનને કહેવી જોઈએ. રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને આપણને જે જોઈએ તે આપણે ભગવાન પાસે માંગી શકીએ.’ નિહારે પૂછ્યું, ‘દાદી,તમે તો રોજ રોજ ભગવાન પાસે આવો છો તો તમે જે માંગો તે શું ભગવાન આપે છે?’ દાદીએ કહ્યું, ‘આપણે પ્રાર્થના કરીને ભગવાન પાસે માંગણી મૂકી દેવાની પછી તેણે જ્યારે આપવું હોય ત્યારે આપશે.તું આંખ બંધ કરીને તને જે જોઈએ તે ભગવાન પાસે માંગ.’

નિહારે કહ્યું, ‘દાદી, મને તો ખબર જ નથી પડતી કે હું ભગવાન પાસે શું માંગુ?’દાદી હસ્યાં અને બોલ્યાં, ‘દીકરા, તારા જેવું મન બધાને મળે. બાકી અહીં તો બધાં પોતાની માંગણીઓનું લિસ્ટ લઈને જ આવે છે.  નિહારને બહુ કંઈ સમજાયું નહીં. તે ફરી બોલ્યો, ‘દાદી, તમે જ મને કહો ને કે હું શું માંગુ?’દાદીએ કહ્યું, ‘બેટા, બધા જ ભગવાન પાસે પોતાનું મનગમતું માંગતા હોય છે, પણ જો જીવનમાં સાચે જ હંમેશા કામ લાગે એવું કંઈ ભગવાન પાસે માંગવું હોય ને તો ચાર વસ્તુ માંગવી.’નિહાર બોલી ઊઠ્યો, ‘કઈ ચાર વસ્તુ? દાદી, મને જલ્દી કહો.’

 દાદીએ કહ્યું, ‘દીકરા, સૌથી પહેલાં ભગવાન પાસે માંગવું કે જીવનમાં જ્યારે પણ મારી ભૂલ થઈ જાય તો તે સ્વીકારવાની મને હિંમત આપજો. મારી ભૂલ હું છુપાવું નહીં અને કોઈ બીજાના માથે નાખું નહીં. હું મારી ભૂલ સ્વીકારીને તેની સજા સહન કરી શકું. મારો વાંક હોય તો કબૂલ કરી શકું.’ દાદી આગળ બોલ્યાં, ‘બીજી વસ્તુ છે કે ભગવાન પાસે તું માંગજે એવી હોંશિયારી, એવી બુદ્ધિ કે જીવનમાં ક્યારેય કોઈ ભૂલ થાય નહીં અને જો ભૂલ થાય તો તે સુધારી લેતાં આવડે ને આ બે વસ્તુ માંગ્યા બાદ તું હજી બીજી બે વસ્તુ માંગી લઈશ તો તને આગળ બીજું કંઈ જ માંગવાની જરૂર નહીં પડે.’

 નિહારે પૂછ્યું,’બીજી બે વસ્તુ કઈ દાદી?’દાદીએ કહ્યું, ‘બીજી બે વસ્તુ છે સ્વીકાર અને સંતોષ કે જીવનમાં જે કંઈ મળે તેનો સ્વીકાર કરવો અને જેટલું મળે તેમાં સંતોષ માનવો. બસ બેટા, આટલું માંગીશ તો બીજું કંઈ જ માંગવાની જરૂર નહીં પડે.’  દાદીએ નિહારને સરસ સમજણ આપી. નિહારે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે, ‘મારી દાદીએ જે કહ્યું છે તેવું માંગું છું. મને મારી ભૂલ થાય તો તે સ્વીકારવાની હિંમત આપજો અને તે ભૂલને સુધારી લેવાની હોંશિયારી પણ આપજો. જીવનમાં હંમેશા સ્વીકાર સંતોષ શીખવાડજો.’પ્રાર્થના કરી નિહાર દાદી સાથે ઘરે ગયો.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top