National

ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટ આ શું કહ્યું….

ભારત અને પાકિસ્તાન વચ્ચે તા.14 સપ્ટેમ્બરે થનારી એશિયા કપ ક્રિકેટ મેચને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે પહેલગામના આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ આવી મેચ યોજવી રાષ્ટ્રીય ગૌરવ અને શહીદોના પરિવારોની ભાવનાઓ વિરુદ્ધ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી અને સ્પષ્ટ કહ્યું કે આ ફક્ત એક ક્રિકેટ મેચ છે.

આ અરજી કાયદાના ચાર વિદ્યાર્થીઓએ પીઆઈએલ સ્વરૂપે દાખલ કરી હતી. તેમણે દલીલ કરી કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી ખોટો સંદેશ જાય છે. કારણ કે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપતું દેશ માનવામાં આવે છે. અરજીમાં લખાયું હતું કે જ્યારે આપણા સૈનિકો આતંકવાદ સામે લડીને શહીદ થઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સાથે રમત કરવી એ તેમના બલિદાન સામે અપમાન સમાન છે.

જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સામે આ મામલો રજૂ થયો હતો. અરજદારે તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી. પરંતુ બેન્ચે સાફ કહ્યું “આટલી ઉતાવળ શું છે? આ માત્ર એક મેચ છે. તેને થવા દો. આ રવિવારે મેચ છે. શું કરી શકાય?” કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર નથી.

અરજીમાં વધુમાં જણાવાયું કે આ મેચના કારણે પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં જીવ ગુમાવનારા પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. આ દલીલ સાથે અરજીકર્તાઓએ વિનંતી કરી હતી કે રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિકોની સલામતી મનોરંજન કરતાં હંમેશા ઉપર હોવી જોઈએ. તેમ છતાં સુપ્રીમ કોર્ટએ આ મુદ્દાને ગંભીર ગણાવ્યો નહીં અને અરજી ફગાવી દીધી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશા રાજકીય અને સામાજિક સંવેદનશીલતા સાથે જોડાયેલી રહી છે. ઘણા લોકો તેને ક્રિકેટથી વધારે રાષ્ટ્રીય ગૌરવનો વિષય માને છે. છતાંય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય એ દર્શાવે છે કે ન્યાયાલય ક્રિકેટને માત્ર રમત તરીકે જ જોવાનું પસંદ કરે છે. રાજકીય કે રાષ્ટ્રીય મુદ્દા તરીકે નહીં.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન તા.14 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને આવશે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જ્યારે બીજી તરફ કેટલાક વર્ગોમાં વિરોધની લાગણીઓ પણ પ્રગટ થઈ રહી છે.

Most Popular

To Top