surat : સુરત મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ( aam aadmi party) જ નગર સેવકો પાસે ક્રોસ વોટિંગ ( cross voting) કરાવી 11માં સભ્યને જીત અપાવવામાં ભાજપને ( bhajap) સફળતા મળી છે. ત્યારે સુરતના રાજકારણમાં મજબૂતાઇથી આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીને પહેલી વખત ફટકો મારવામાં ભાજપ સફળ રહ્યું છે. તેથી આપના નેતાઓ વ્યથીત પણ થયા છે અને સાવચેત પણ થયા છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોણે ક્રોસ વોટિંગ કર્યુ તે બાબતે અટકળોનો માહોલ તેજ છે. કોઇ પર સીધી શંકા થઇ શકે તેમ નથી.
તેથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ફૂંકી ફૂંકીને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આપના તમામ નગરસેવકોના મોબાઇલ જમા લઇને ચેક પણ કરવામાં આવ્યા હતા, જેથી કોલ ડીટેઇલ કે મેસેજના માધ્યમથી કોઇ સુરાગ મળી શકે જો કે કોઇ સુરાગ મળ્યો કે નહી તે બાબતે હજુ કોઇ મગનું નામ મરી પાડતુ નથી.
અત્રે ઉલ્લખનીય છે કે આપના તમામ નગર સેવકોને વોટિંગ કરે ત્યારે કોને મત આપ્યો તે જાણી શકાય તે માટે મોબાઇલ રેકોર્ડિંગ અને ફોટા લેવાનું કહેવાયું હતું પરંતુ એક સભ્યએ આપના ઉમેદવારને આઠ મતો આપી દઇને ફોટો લીધા બાદ ભાજપના ઉમેદવારને પણ વોટિંગ કરી દીધુ હતું જેથી તેના આઠેય મતો રદ થતા બાજી પલટાઇ હતી.