મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને 26/11, પહેલગામ હુમલો અને તાજેતરના દિલ્હી વિસ્ફોટો પર ભાવનાત્મક ભાષણ આપ્યું. તેમણે સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
મુંબઈમાં ગત રોજ તા. 22 નવેમ્બરે યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 કાર્યક્રમમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને હાજરી આપી હતી. અહીં તેમણે દેશના સુરક્ષા સૈનિકોઓ અને શહીદોને સમર્પિત એક ખૂબ જ ભાવુક ભાષણ આપ્યું હતું. શાહરૂખએ પોતાના સંબોધનમાં 26/11 આતંકવાદી હુમલો, પહેલગામ હુમલો અને તાજેતરમાં દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને પણ યાદ કર્યા.
શાહરૂખ ખાને કહ્યું “26/11, પહેલગામ અને દિલ્હી વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે મારી નમ્ર શ્રદ્ધાંજલિ. આ હુમલાઓમાં શહીદ થયેલા અમારા બહાદુર જવાનોને હું હૃદયપૂર્વક નમન કરું છું.”
તેમણે દેશના સૈનિકો માટે કેટલીક ખાસ પંક્તિઓ પણ વાંચી. શાહરૂખે કહ્યું “જો કોઈ તમને પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહેવું હું દેશનું રક્ષણ કરું છું. જો પૂછે કે તમે કેટલી કમાણી કરો છો તો સ્મિતથી કહેવું હું 1.4 અબજ લોકોના આશીર્વાદ કમાઉ છું. અને જો કોઈ પૂછે કે તમે ડરતા નથી? તો તેની આંખોમાં જોઈને કહેવું જે લોકો આપણાથી લડે છે, તેઓ જ તેનો જવાબ અનુભવે છે.”
આ ઉપરાંત શાહરૂખે સૌને શાંતિ, એકતા અને માનવતાનો માર્ગ અપનાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે જો ભારતીયો વચ્ચે એકતા રહેશે, તો આપણા દેશને કોઈ પણ હચમચાવી શકશે નહીં. તેમના શબ્દોમાં “ચાલો આપણે શાંતિ તરફ પગલાં લઈએ. ભેદભાવ ભૂલીને માનવતાને અપનાવીએ. આપણા સૈનિકોની બહાદુરી અને કુરબાની વ્યર્થ ન જવી જોઈએ.”
ભાષણના અંતે શાહરૂખ ખાને દેશના જવાનોની હિંમતને સલામ કરી. તેમણે કહ્યું “આપણા સૈનિકોનું બલિદાન અમને સદાય એકતા તરફ આગળ વધવા પ્રેરિત કરે છે.”
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ
શાહરૂખ છેલ્લે 2023 માં “પઠાણ,” “જવાન,” અને “ડંકી” (ગધેડો નહિ) માં જોવા મળ્યો હતો. હવે 2026માં તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ “કિંગ” માં જોવા મળશે. જેમાં તેની દીકરી સુહાના ખાન પણ છે.