અસંમતિ (The voice of dissent)નો આટલો મહિમા શેને કારણે? અસંમતિનો આટલો ભય શેને કારણે? અને અંતિમ વિજય અસંમતિનો જ થાય એવું શેને કારણે? આ ત્રણ પ્રશ્ન વિચારણીય છે. આના વિષે વિચારશો તો ખ્યાલ આવશે કે સંસારમાં અસંમતિ કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવઉત્થાનના પાયામાં અસંમતિ છે. પ્રાચીન વૈદિક યુગમાં વેદોના ઋષિઓએ જ્યારે વેદોની રુચીઓ લખી ત્યારે તેઓ બ્રહ્માંડના અનંત સ્વરૂપને જોઇને અને સૃષ્ટિનાં બદલાતાં સ્વરૂપોને જોઇને એક જ સમયે વિસ્મય અને ભયનો અનુભવ કરતા હતા. પ્રાચીન વૈદિક રૂચીઓમાં આવો ભાવ જોવા મળે છે.
અનેક રુચીઓ એવી છે જેમાં કુદરતની કૃપાનો મહિમા કરવામાં આવ્યો છે, આભાર માનવામાં આવ્યો છે અને અનેક રૂચીઓ એવી પણ છે જેમાં અવારનવાર રૂઠતી કુદરતને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાંથી જે પ્રાચીન વૈદિક યુગ અસ્તિત્વમાં આવ્યો એનાં કેન્દ્રમાં અનુક્રમે કૃપા અને યાચના હતાં. સતત ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરવામાં આવે અને સતત સુખ અને સલામતીની યાચના કરવામાં આવે. વેદોના પ્રાચીન મંત્રો આ પ્રકારનાં છે. એમાંથી ઈશ્વર સમક્ષ કૃપાની યાચના કરનારું કર્મકાંડ વિકસ્યું.
સતત અહોભાવ, સતત યાચનાઓ અને તેને માટે આખો દિવસ વિવિધ પ્રકારના કર્મકાંડ. આ જોઇને એક દિવસ કોઈના મનમાં પ્રશ્ન થયો હશે કે આવી રીતે આખી જિંદગી માગતા જ રહેવાનું? માનવીએ કોઈ પ્રકારનો પુરુષાર્થ કરવાનો જ નહીં? ઈશ્વર આપનાર, માનવી માગનાર તેમ જ લેનાર અને કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણો અપાવનાર એવો જે જીવન વિશેનો અભિગમ છે એ બરાબર નથી. કોઈ એક માણસે શંકા કરી, પ્રશ્ન કર્યો, અસંમત થયો અને પરિણામે આજે જેને આપણે હિંદુ સમાજ કહીએ છીએ એ પ્રાચીન યુગમાં એક કદમ આગળ વધ્યો. આજે જો તમે મહાન હિંદુ પરંપરા અને તેના વારસા માટે ગૌરવ લેતા હો તો તેના પાયામાં કોઈ માણસની અસંમતિ છે.
જો એ માણસે અસંમતિ દર્શાવી ન હોત તો આપણે આજે પણ પ્રાચીન અવસ્થામાં જ જીવતા હોત. અસંમત થનારો એ પહેલો માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પરંતુ તેની અસંમતિ ધીરેધીરે સ્વીકૃત થવા લાગી જેમાંથી પુરુષાર્થકેન્દ્રી દર્શન વિકસ્યું. માણસ પોતે સ્વપ્રયત્ને પોતાનાં જીવનને સાર્થક કરી શકે છે અને એ જ મોટો પુરુષાર્થ છે. કુદરત તો એનું કામ કરશે, પણ માનવીએ માનવ તરીકે જન્મ લીધો છે તો માનવીય પુરુષાર્થ દ્વારા પોતાનાં જીવનને ધન્ય બનાવવું જોઈએ.
કર્મકાંડ અને ઈશ્વરને રીઝવવા માટે આપવામાં આવતા પશુબલિની પ્રથા યોગ્ય નથી. આ સિવાય કર્મકાંડની વાત આવે તો અધિકારની વાત આપોઆપ આવે. કોણ કર્મકાંડ કરી શકે અને કોણ નહીં? કોણ કર્મકાંડ કરાવી શકે અને કોણ નહીં? આમાંથી સામાજિક ભેદ અને અસમાનતા વિકસે. એની સામેની અસંમતિ વધારે વ્યાખ્યાયિત થઈ અને વધારે વિકસિત થઈ. સમાજને હજુ વધુ ફાયદો થયો. સમાજને એક ડગલું ઉપર લઈ જનારું દર્શન વિકસ્યું.
જેમ યાચનાઓએ કર્મકાંડનું સ્વરૂપ લીધું અને તેનો અતિરેક થવા માંડ્યો તેમ પુરુષાર્થે તપશ્ચર્યાનું સ્વરૂપ લીધું અને તેનો પણ અતિરેક થવા લાગ્યો. શરીરને કષ્ટ આપવું અને શરીર કોઈ ભોગ ભોગવવા યોગ્ય જ ન રહે એટલી હદે કૃશ કરી નાંખવું એને જ લોકો પુરુષાર્થ સમજવા લાગ્યા. આમાંથી ઢોંગ અને દેખાડા શરુ થયાં. ફરી વળી કોઈ એક માણસના મનમાં પ્રશ્ન થયો કે આવો અતિરેક પણ બરોબર નથી. માનવશરીર ભલે વૃત્તિગ્રસ્ત છે, પણ એ જ તો આખરે પુરુષાર્થનું માધ્યમ છે એટલે એને (શરીરને) પાપનું મૂળ અને દોષોની ખાણ સમજીને દંડવું એ બરોબર નથી. પુરુષાર્થના માધ્યમને કૃશ કરી નાંખવામાં આવશે તો પુરુષાર્થ કોણ કરશે? કેવળ શરીરને દંડનારી તપશ્ચર્યા એ પુરુષાર્થ નથી.
કોઈ એક માણસે અસંમતિ દર્શાવી અને હિંદુ સમાજ બીજું એક ડગલું આગળ વધ્યો. એ માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પણ એની અસંમતિ સ્વીકૃત થવા લાગી અને એમાંથી મધ્યમમાર્ગી દર્શન વિકસ્યું. આ સંસારમાં જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ડગલેને પગલે તમારે શું સાચું અને શું ખોટું, શું શ્રેયસ્કર અને શું અશ્રેયસ્કર, તેમાં સ્વાર્થ અને શેમાં પરમાર્થ વચ્ચે વિવેક કરવો પડશે. આનાથી કોઈ માણસ બચી ન શકે અને કોઈ એક મનગમતા ગૃહિતના વિકલ્પનું પૂછડું પકડીને વિવેક કરવામાંથી બચવું પણ ન જોઈએ. ગૃહિત નહીં વિવેક. વિવેક ગતિશીલ હોય છે, જ્યારે ગૃહિત સ્થિત્યંતરોને અવરોધે છે.
અહીં મેં અનુક્રમે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ ટાળ્યો છે. એનું કારણ એ છે કે એ બન્ને પરિપક્વ અસંમતિના ઉદ્ગાતા છે; પહેલી, પ્રાથમિક અને કાચી અસંમતિના ઉદ્ગાતા કોઈ બીજા હતા, જેનું નામ પણ આપણે જાણતા નથી. એવું પણ બન્યું હશે કે પહેલી અસંમતિના ઉદ્ગાતાએ તેની કિંમત પણ ચૂકવી હશે. કદાચ જાન પણ ગુમાવ્યો હશે. સ્વીકૃતિ પહેલાંની અસંમતિ દઝાડનારી હોય છે. આ દઝાડનારી અસંમતિની આગળ વાત કરતાં પહેલાં અહીં એક વિરામ લઈને એક સપ્તાહ દરમ્યાન એ વિચારો કે અસંમતિથી આપણને ફાયદો થયો છે કે નુકસાન? અસંમતિ નિંદવા યોગ્ય છે કે મહિમા યોગ્ય છે?